Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટમાં એપલ ફોનની નકલી એસેસરીઝ વેંચતી દૂકાનોમાં દરોડાઃ ૪ વેપારી ઝડપાયા

પંચનાથ પ્‍લોટમાં પંચનાથ મોબાઇલ એન્‍ડ કવર, રાજરાયકા ટેલિકોમ, રાયકા ટેલિકોમ અને ન્‍યુ રામદેવ સેલ્‍સમાં કાર્યવાહી : બેક કવર, ચાર્જીંગ કેબલ, બ્‍લુラટૂથ, વાયરલેસ હેડફોન, ઇયર ફોન સહિતની નકલી એસેસરીઝ કબ્‍જેઃ બે અલગ-અલગ ગુના નોંધાયા : અમદાવાદથી નકલી માલ લાવી અસલીના નામે ગ્રાહકોને ધાબડતાં

પ્ર.નગર પોલીસે પકડેલા ત્રણ વેપારી અને કબ્‍જે થયેલો એપલનો નકલી માલસામાન

રાજકોટ તા. ૧૫: કોઇપણ કંપનીની ડુપ્‍લીકેટ ચીજવસ્‍તુના વેંચાણ માટે રાજકોટ જાણે હબ બની ગયું હોય તેમ અવાર-નવાર નામી કંપનીઓના નકલી પાર્ટસ, નકલી કોસ્‍મેટીક્‍સ તેમજ નકલી ઘડીયાલના ડાયલ, નકલી ઘડીયાલો વેંચવાના કોૈભાંડ ઝડપાય છે. હવે મોબાઇલ ફોનના ધંધાર્થીઓ દ્વારા એપલ કંપનીના મોબાઇલ ફોનની નકલી એસેસરીઝ વેંચવાનું કારસ્‍તાન ખુલ્લુ પડયું છે. પંચનાથ પ્‍લોટમાં ચાર દુકાનોમાં દરોડા પાડી આવો નકલી માલ કબ્‍જે કરી ચાર વેપારી સામે ફોજદારી નોંધાવવામાં આવી છે.

એ-ડિવીઝન પોલીસે  મુળ રાજસ્‍થાન જયપુર માનસરોવર સુમેરનગર વોર્ડ નં. ૧૨માં રહેતાં અને મુંબઇની ગ્રિફીન આઇ.પી. સર્વિસ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતાં સંદિપ મહેન્‍દ્રસિંહ તન્‍વર (રાજપૂત) (ઉ.૩૫)ની ફરિયાદ પરથી પંચનાથ મોબાઇલ એન્‍ડ કવર નામની દૂકાનના સંચાલક સુફીયાત જાવીદભાઇ પાનવાલા (મેમણ) (ઉ.૨૧-રહે. સદર બજાર બેલદાર શેરી) સામે ૪૨૦, ૪૮૬, કોપી રાઇટ એક્‍ટની કલમ ૫૧, ૬૩ મુજબ નકલી માલ વેંચી કંપની સાથે ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

સંદિપ તનવરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે કંપનીમાં ફરજ બજાવતાં સુનિલ વોરા સાથે હું રાજકોટ આવ્‍યો હતો. અમારું કામ એપલ કંપનીના ફોનની નકલી એસેસરીઝ વેંચનારા લોકોને શોધીને કાર્યવાહી કરાવવાનું છે. અગાઉ માહિતી મળી હતી કે પંચનાથ મંદિર પાસે કચ્‍છ ખાવડાવાળાની સામે આવેલી પંચનાથ મોબાઇલ એન્‍ડ કવર નામની દૂકાનમાં એપલ કંપનીના ફોનની નકલી એસેસરીઝ વેંચાય છે. તેના આધારે અમે તપાસ કરી એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ સાથે આવી હતી. દૂકાનમાં તપાસ કરતાં ત્‍યાંથી એપલ ફોનના ડુપ્‍લીકેટ બેક કવર નંગ ૯૯ (એકના રૂા. ૩૦૦ લેખે કુલ રૂા. ૨૯૭૦૦), ડુપ્‍લીકેટ ચાર્જીંગ કેબલ નંગ ૬ રૂા.૧૮૦૦ મળી કુલ રૂા. ૩૧૫૦૦નો નકલી માલ મળી આવતાં પોલીસે કબ્‍જે કર્યો હતો.

આ ઉપરાંત બીજી પંચનાથ રોડ પરની બીજી ત્રણ દૂકાનોમાંથી પણ એપલ કંપનીના ફોનની નકલી એસેસરીઝ મળતાં તે અંગે અલગથી પ્ર.નગરમાં ગુનો દાખલ કરાવાયો હતો. જેમાં પંચનાથ પ્‍લોટ મેઇન રોડ પંચનાથ મંદિર સામે આવેલી રાજરાયકા ટેલિકોમવાળા સોગાભાઇ પુનમાજી રાયકા (ઉ.૨૧), રાયકા ટેલિકોમવાળા લાખાભાઇ દાનાજી રાયકા (ઉ.૪૦) અને ન્‍યુ રામદેવ સેલ્‍સવાળા ભાવેશ ભેરારામ દેસાઇ (ઉ.૩૦) સામે એફઆઇઆર દાખલ કરાવવામાં આવી છે. આ દૂકાનોમાંથી ૩૫ નંગ નકલી ચાર્જીંગ કેબલ રૂા. ૨૧ હજારના, બેક કવર ૧૬ રૂા. ૪૮૦૦ના, બ્‍લુટૂથ નંગ ૫ રૂા. ૧૦ હજારના, વાયરલેસ હેડફોન નંગ ૪ રૂા. ૪૦૦૦ના , ઇયર ફોન નંગ ૧૧૦ રૂા. ૩૩હજારના, બેક કવર નંગ ૧૨ રૂા. ૩૬૦૦ના મળી આવ્‍યા હતાં.

સંદિપ તનવરના કહેવા મુજબ આ વેપારીઓ નકલી એસેસરીઝ અમદાવાદથી લાવી અસલીના નામે સસ્‍તા ભાવે વેંચી કંપની સાથે ઠગાઇ કરતાં હોવાનું જાણવા મળ્‍યું છે. એપલનો કંપનીનો અસલી ડેટા કેબલ રૂા. ૧૭૦૦નો, હેડફોન ૨૦૦૦નું અને બ્‍લુટૂથ ૧૦ હજારનું આવે છે. તેમજ બેક કવરની કિંમત પણ વધુ હોય છે. વેપારીઓ આવી નકલી ચીજવસ્‍તુઓ કસ્‍ટમમાંથી આવી હોવાનું અને અસલી જ હોવાનું કહી ઓછા ભાવે ગ્રાહકોને વેંચતા હતાં.

એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા અને પ્ર.નગરના યુ. બી. જોગરાણા તથા સ્‍ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(3:13 pm IST)