Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કોરોના વકર્યો : ગઇકાલે ૪ કેસ : છેલ્લા ૧૪ દી'માં ૧૫ કેસ : ૩ને રજા અપાઇ

શહેરમાં ચિંતા વધારતી વૈશ્વિક મહામારી : તા. ૮ થી ૧૪ માર્ચ દરમિયાન સૌથી વધુ ૧૨ લોકો સંક્રમિત : ૭૪૯ ટેસ્‍ટ કરાયા : પોઝીટીવીટી રેસીયો ૧.૧૨ ટકા નોંધાયો

રાજકોટ તા. ૧૫ : શહેરમાં કોરોના કેસ વધતા લોકોની ચિંતા પણ વધી રહી છે. તા. ૧ માર્ચથી ગઇકાલ સુધીમાં કુલ ૧૫ કેસ નોંધાયા છે. જેમાંથી તમામની તબીયત સ્‍ટેબલ છે. બે લોકોને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જ્‍યારે બાકીના લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્‍યારે ગઇકાલે એક સહિત કુલ ૩ દર્દીઓને રજા અપાઇ છે.

મનપા આરોગ્‍ય વિભાગની યાદી મુજબ ગઇકાલે શહેરમાં વધુ ૪ કેસ નોંધાયા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જેમાંથી એક મહિલા અને એક પુરૂષને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે, જ્‍યાં તેમની તબીયત સ્‍ટેબલ છે.

ગઇકાલે કરણ અર્જુન પાર્ટી પ્‍લોટ પાસે ૭૯ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ. તેમણે વેકસીનના બે ડોઝ લીધા હતાં. તેમને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. જયાં તેમની તબીયત સ્‍ટેબલ છે.

ઉપરાંત જીવરાજ પાર્ક, નાના મૌવા રોડ વિસ્‍તારના પ૧ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેશનમાં રખાયા છે. તેમણે  કોરોના વેકસીનના ત્રણેય ડોઝ લીધા હતાં.

જયારે રેલનગર વિસ્‍તારના ૪૯ વર્ષીય મહિલા કે જેમણે કોરોના રસીના એકપણ ડોઝ નથી લીધા તેમને કોરોના પોઝીટીવ આવતા હોમ આઇસોલેશનમાં રખાયા છે. તેમની તબીયત સ્‍ટેબલ છે.

શહેરના ભકિતનગર સર્કલ વિસ્‍તારના ૭પ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતા હોસ્‍પીટલમાં દાખલ કરાયા છે. તેમણે રસીના ત્રણેય ડોઝ લીધેલ છે. અને તબીયત સ્‍ટેબલ છે.

જ્‍યારે ગઇકાલે ૧ સહિત કુલ ૩ લોકોને તા. ૧ થી ૧૪ માર્ચ દરમિયાન ડીસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. તા. ૧થી ૧૪ માર્ચ દરમિયાન કુલ ૧૯૨૪ ટેસ્‍ટ કરવામાં આવતા ૧૫ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા પોઝીટીવીટી રેસીયો ૦.૭૮ ટકા થયો છે. છેલ્લા અઠવાડિયામાં (તા. ૮ થી ૧૪ માર્ચ) દરમિયાન કુલ ૧૦૪૭ ટેસ્‍ટ કરાયેલ. જેમાં ૧૨ લોકો સંક્રમિત હોવાની ખબર પડી હતી. પોઝીટીવીટી રેસીયો ૧.૧૨ ટકા નોંધાયો હતો.

હાલ પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ બેમાંથી એક દર્દીની તબીયત સ્‍ટેબલ છે, જ્‍યારે એકને ઓકસીજન સપોર્ટ ઉપર રાખવામાં આવ્‍યા છે. તથા ૧૦ લોકો હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા હતા છે. જેમની તબીયત સ્‍ટેબલ છે.

(3:11 pm IST)