Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

૪.૭૭ લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદઃ ૬:૧૯ કલાકે કારખાનેદારે એકટીવા પાર્ક કર્યુ, ૬:૨૦ કલાકે ઉઠાવગીર આવ્યો, ૧૨ સેકન્ડમાં જ રોકડની થેલી ડેકીમાંથી ઉઠાવી નાસી ગયો

રાજકોટઃ વાહનોની ડેકી પળવારમાં ખોલીને કે તોડીને રોકડ-દાગીના ચોરી કરતી ટોળકી અગાઉ પણ આ રીતે શહેર પોલીસને પડકાર ફેંકી ગઇ છે. મોટે ભાગે આવી મોડસ ઓપરેન્ડી (એમ.ઓ.) છારા ગેંગની હોય છે. ડેકીમાંથ રોકડ ચોરીની વધુ એક ઘટના ગત સાંજે હરિ ધવા માર્ગ પર પટેલ બેકરી પાસે બની છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સ્વાતિ પાર્ક-૨માં રહેતાં અને સબ મર્શીબલ પંપનું કારખાનુ ધરાવતાં લેઉવા પટેલ ગોપાલભાઇ માંડણભાઇ ઠુમ્મર (ઉ.૩૪) ગત સાંજે પોતાના પત્નિ પૂજાબેનને સાથે લઇ બજારમાં નીકળ્યા હતાં. દરમિયાન બહારગામથી વેપારીએ પેમેન્ટ આંગડિયા મારફત મોકલ્યું હોઇ પતિ-પત્નિ ગોંડલ રોડ પર પ્લેનરી આર્કેડમાં આવેલી આંગડિયા પેઢીએ ગયા હતાં અને રૂ. ૪,૭૭,૬૫૦ની રોકડ એક થેલીમાં રાખી થેલી પોતાના એકટીવાની ડેકીમાં રાખી હતી. તેના ઉપર બીજી એક ખાલી થેલી અને અન્ય એક જાકીટ સાથેની થેલી રાખી હતી. વળતાં સાંજે ૬:૧૯ કલાકે બંને હરિ ધવા માર્ગ પર પટેલ બેકરીએ દિકરાનો નાસ્તો લેવા રોકાયા હતાં. ઉતાવળમાં તે ચાવી એકટીવામાં જ રાખીને જતાં રહ્યા હતાં. પરત આવ્યા ત્યારે ડેકી ખુલ્લી હતી અને તેમાંથી રોકડ ગાયબ જણાઇ હતી. આસપાસમાં તપાસ બાદ પોલીસને જાણ કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. ડી. વાળા, મનહરદાન ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતે સ્થળ પર પહોંચી ગોપાલભાઇનીફરિાયદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો હતો.

બેકરીના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ઉઠાવગીર દેખાયો હતો. રેકોર્ડિંગમાં દેખાય છે કે ગોપાલભાઇ અને તેમના પત્નિ ૬:૧૯ કલાકે એકટીવા પાર્ક કરી બેકરીમાં જાય છે, પાછળથી ૬:૨૦ કલાકે ટોપી, બ્લુ જેકેટ, ગળામાં ક્રીમ મફલર લટકાવેલો શખ્સ આવે છે અને એકટીવામાં જ રહેલી ચાવીથી લોક ખોલી ૧૨ જ સેકન્ડમાં રોકડની થેલી લઇ દોટ મુકી ભાગી જતો દેખાય છે. ગોપાલભાઇના કહેવા મુજબ આગળ નંદા હોલ પાસે પણ ઉઠાવગીર અન્ય બે સાગ્રીતો સાથે એક કેમેરામાં કેદ થયો છે. ત્યાં તે બાઇક બદલતો દેખાય છે. પોલીસે ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(4:28 pm IST)