Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રૂ.૫૮.૫૦ લાખનો ચેક રિટર્ન થતા ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા.૧૪: રાજકોટમાં રહેતા જીતેન્દ્ર દેવજીભાઇ બોદરનાએ તહોમતદાર હિતેષ કુરજીભાઇ રૂપારેલીયાની ધંધાની આર્થિક જરૂરીયાતને ધ્યાને લઇ ફરીયાદી જીતેન્દ્ર દેવજીભાઇ બોદર પાસેથી લીધેલ કાયદેસરના નાણા પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી હિતેષ કુરજીભાઇ રૂપારેલીયા સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, હિતેષ કુરજીભાઇ રૂપારેલીયા સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા આરોપી વચ્ચે વર્ષોથી શેર બજાર સબંધેના ધંધાકીય સબંધો હોય, જેથી ધંધાકીય મિત્રતા તથા સબંધના દાવે આરોપીની આર્થિક જરૂરીયાતને ધ્યાને લઇ આરોપીએ ફરીયાદી પાસેથી એક વર્ષમાં પરત આપવાની શરતે રકમ રૂ.૫૮,૫૦,૦૦૦ની માંગણી કરતા ફરીયાદી પાસે હાથ ઉપર મોટી રકમ ન હોય, જેથી ફરીયાદીએ તેની પાસે રહેલ રકમ તથા ફરીયાદીના સગા પાસે રહેલ રકમ મેળવી તહોમતદારે માગ્યા મુજબની રકમની વ્યવસ્થા કરી તહોમતદારને એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે હાથ ઉછીની રકમ આપેલ.

આ હાથ ઉછીની કાયદેસરની લેણી રકમ ચુકવવા આરોપીએ ફરીયાદી જોગ ચેક પોતાની સહી કરી લખી આપી, ચેક સુપ્રત કરી અને ખાતરી આપેલ કે, સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે, એટલે ચેક રીટર્ન થશે નહી અને ચેક સ્વીકારાય જશે, ફરીયાદીની કાયદેસરની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક આરોપીએ ફરીયાદીને તેઓના બેન્ક ખાતામાં રજુ રાખવાનું કહેતા, રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહી અને પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરા સાથે ચેક રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા આરોપીએ યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુતર ન આપતા, ફરીયાદીએ તેના એડવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ.

આ નોટીસ મળી જવા છતા ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી લીધેલ હાથ ઉછીની રકમ પરત કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીએ 'ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ' હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી શ્રી જીતેન્દ્ર દેવજીભાઇ બોદર વતી રાજકોટના એડવોકેટ સંજય એન.ઠંુમર રોકાયેલા હતા.

(4:24 pm IST)