Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

PWD સ્ટાફ અને સુરક્ષા જવાનો વચ્ચે કણકોટ મતગણત્રી સ્થળે ઘર્ષણઃ કલેકટરે દોડવું પડયું

સુરક્ષા જવાનોનો વેધક સવાલઃ ગણત્રી સ્થળ મતદાન પહેલા કેમ તૈયાર કરી ન લીધું?! : EVM પડયા છે કંઇક થયું તો જવાબદારી કોની?!: આખરે મામલો થાળે પડયોઃ કાલે સાંજ સુધીમાં બધુ તૈયાર થશે?!

રાજકોટ તા. ૧૪ : કણકોટ ખાતેની એન્જીનિયરીંગ કોલેજમાં રાજકોટ શહેર - જિલ્લાની ૮ વિધાનસભા બેઠકની ગણત્રી થવાની છે ત્યાં હજુ સુધી મતગણત્રી રૂમમાં ગણત્રી ટેબલોની આસપાસ જારીવાળી બેરીકેટ - ફર્નીચર ફીટ થયા નથી.

આ કાર્યવાહી કરવા પીડબલ્યુડીનો સ્ટાફ ગયો પરંતુ ત્યાં રાઉન્ડ ધ કલોક હાજર હથિયારધારી સુરક્ષા જવાનો દ્વારા આ પીડબલ્યુડી સ્ટાફને અંદર પ્રવેશતા અટકાવી દેવાતા ભારે ધમાલ - ઘર્ષણ સર્જાયા હતા.

સુરક્ષા જવાનોના અધિકારીઓનું કહેવું હતું કે, ગણત્રી સ્થળ મતદાન પહેલા કે તુર્ત જ તૈયાર કરી લેવાનું હોય તો અત્યાર સુધી કેમ નથી કર્યુ, તેટલું જ નહી આવી કાયદામાં પણ જોગવાઇ છે. અંદર મતદાન થયેલા ઇવીએમ પડયા છે, કંઇક થયું તો જવાબદારી કોની અને તે મુદ્દે ઘર્ષણ સર્જાતા મામલો કલેકટર સુધી પહોંચી ગયો હતો, પરિણામે કલેકટરે દોડી જવું પડયું હતું.

આજ સવારથી રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે, એડીશ્નલ કલેકટર શ્રી હર્ષદ વોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિતેશ પંડયા વિગેરેનો કાફલો કણકોટ દોડી ગયો છે, શ્રી વોરાએ ઉમેર્યું હતું કે, યુધ્ધના ધોરણે મતગણત્રી રૂમો, ફર્નીચર, બેરીકેટ, જાળી તૈયાર થઇ રહ્યા છે, કાલ સાંજ સુધીમાં બધુ તૈયાર થઇ જશે, જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત યથાવત છે.

(4:23 pm IST)