Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રાજકોટ ઠંડુગાર ૧૧ ડિગ્રીઃ બે - ત્રણ દિ' પારો ગગડશે

શહેરમાં ઠંડુ અને સૂ કુ હવામાન : ૧૮મી પછી ફરી તાપમાન વધશે

રાજકોટ, તા. ૧૪ : જમ્મુ - કાશ્મીર અને પહાડી પ્રદેશોમાં થયેલ ભારે હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ગઈકાલની જેમ આજે પણ રાજયના અનેક શહેરોમાં ગઈકાલની જેમ આજે પણ પારો ગગડ્યો છે. તો રાજકોટ શહેરમાં પણ આ સીઝનમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો ૧૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. બે - ત્રણ દિવસ હજુ પણ પારો ગગડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે ન્યુનતમ તાપમાન ૧૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વધુ એક ડિગ્રીનો ઘટાડો થયો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જો કે આ વખતે ઠંડીની સીઝનની શરૂઆત મોડી થઈ છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી જોવા મળતી હોય છે.

હવામાનના સૂત્રોના જણાવ્યા મુજબ પહાડી પ્રદેશોમાં થયેલ હિમવર્ષાના પગલે ઠંડીનો રાઉન્ડ આવ્યો છે. રવિવાર સુધી ઠંડીનો માહોલ જળવાઈ રહેશે. સોમવારથી ઠંડીમાં ઘટાડો થશે. ઠંડીનો પારો ૧૬થી ૧૮ ડિગ્રી આસપાસ જોવા મળશે. આજે સવારે રાજકોટ શહેરમાં નોંધાયેલ આંકડા મુજબ ન્યુનતમ ૧૧ ડિગ્રી, પવન ૮ કિ.મી. અને ગઈકાલે સાંજે મહત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયુ હતું.

(3:59 pm IST)