Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મોબાઇલ કંપનીઓની બેવડી નીતિ સામે વેપારીઓનો વિરોધ

ઓનલાઇનમાં લોન્ચ થયેલુ મોડલ તે જ દિવસ વેપારીઓને પણ આપોઃ રાજકોટ મોબાઇલ ડીલર્સ એસોસીએશનની માંગ :રાજકોટના વેપારીઓ દ્વારા ઓપ્પો, વિવો, એમ.આઇ. અને સેમસંગના લોગો ઉપર કાળુ કપડુ રાખી વિરોધ વ્યકતઃ ઓનલાઇન કરતા ડીલરોને ઉંચા ભાવે મોબાઇલ અપાય છેઃ બુધવારથી આંદોલન જોર પકડશે

રાજકોટઃ તા.૧૪, મોબાઇલ કંપનીઓની બેવડી નિતિ સામે ડીલરો-વેપારીઓએ બાંયો ચડાવી છે. ઓનલાઇનની સાથો સાથ ડીલરો અને વેપારીઓને પણ તે જ દિવસે નવુ મોડલ આપવા અને ભાવમાં પણ ભેદભાવ ન રાખવાની માંગ સાથે વિરોધ વ્યકત થઇ રહયો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં મોબાઇલના શોરૂમમોમાં સેમસંગ, ઓપ્પો, વિવો અને એમ.આઇ.ના લોગો ઉપર કાળુ કપડુ રાખી વિરોધ કરવામાં આવી રહયો છે.

રાજકોટ મોબાઇલ ડીલર એસોસીએશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સેમસંગ, વિવો, ઓપ્પો અને એમ.આઇ. કંપની દ્વારા ઓનલાઇન પહેલા લોન્ચ કરી દેવામાં આવે છે. ઓનલાઇનમાં  આ મોબાઇલના ભાવ પણ ખુબ નીચા હોય છે. આવા એકસકલુઝીવ મોડલ ઘણા સમય બાદ મોબાઇલ ડીલરોને આપવામાં આવતા હોય છે. ઓનલાઇન કરતા ડીલરોને ઉંચા ભાવે મોબાઇલ આપવામાં આવે છે. આવી કંપનીઓની બેવડી નીતી સામે અમારો વિરોધ હોવાનું જણાવેલ.

હાલમાં દેશભરમાં મોબાઇલ વિક્રેતાઓ પોતપોતાના શોરૂમમાં સેમસંગ, વિવો, એમ.આઇ., ઓપ્પોના લોગો ઉપર કાળુ કપડુ રાખી વિરોધ વ્યકત કરી રહયા છે. આ પ્રશ્નનો આજે અને કાલે ઉકેલ નહિ આવે તો બુધવારથી આદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમ જણાવાયું હતુ.

રાજકોટ મોબાઇલ ડીલર્સ એસો.ની માંગણીઓ આ મુજબ છે.

(૧)કોઇપણ ઓનલાઇનમાં લોન્ચ થયેલ મોડલ ૨૪ કલાકમાં ડીલરોને પણ મળવું જોઇએ. (૨) ઓનલાઇન ઉપર જે તે સ્કીમ અને ઓફર એ જ દિવસથી જીટીમાં મળવી જોઇએ. (૩) ઇઓએલ મોડેલ્સમાં માર્કેટના સ્ટોકને કવર કરીને જે તે ભાવમાં ફેરનો સહયોગ આપવો જોઇએ.

 ઉપરોકત તસ્વીરોમાં રાજકોટના મોબાઇલના વિક્રેતાઓ ઓપ્પો, વીવો, સેમસંગ, એમઆઇ કંપનીના લોગો ઉપર કાળુ કપડુ રાખી વિરોધ કરતાં દર્શાય છે.

(4:24 pm IST)