Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વિખ્યાત પત્રકાર પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠનું ૧૭મીએ વ્યાખ્યાન

''રાષ્ટ્રના આંતરીક પડકારો અને ઉપાયો'' વિષે યોજાશે વ્યાખ્યાનઃ ભારતીય વિચાર મંચ-રાજકોટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ જાહેર જનતાને આહવાન

રાજકોટઃ  તા.૧૪, ભારતીય વિચાર મંચ, રાજકોટ દ્વારા આપણા રાષ્ટ્રની આંતરિક સુરક્ષા સામે પડકાર જેવા મહત્વપૂર્ણ વિષય લઈને આગામી તા. ૧૭ ઓકટોબર ગુરૂવારના રાત્રે ૮:૧૫ કલાકે હેમુ  ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે વિખ્યાત પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ના એક વ્યાખ્યાનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સામાજિક અગ્રણી નંદલાલભાઈ માંડવીયા ઉપસ્થિત રહશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વિચાર મંચ દ્વારા ૨૭ વર્ષથી રાજકોટ સહીત ગુજરાતના ૧ ૨ થી વધુ શહેરોમાં વૈચારિક ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યું છે. માનવીય જીવન મુલ્યોને સ્પર્શતા શાશ્વત વિષયો, રાષ્ટ્ર અને વિશ્વને સ્પર્શતી સમસ્યાઓ અને તેના ઉકેલને ધ્યાનમાં લઈને   પ્રબુધ્ધજનનો સાથ સહકાર લઈને સમયાંતરે વ્યાખ્યાનો, ચર્ચાસત્રો, સંગોષ્ઠીઓનું આયોજન મંચ કરે છે. આવા કાર્યક્રમોમાં થતાં મંથનનો નિચોડ સાહિત્ય સ્વરૂપે પણ પ્રકાશિત કરવામાં આવે છે. રાષ્ટ્રને સ્પર્શતા આ મહત્વના વિષય ઉપરના વ્યાખ્યાનમાં શહેરના પ્રબુધ્ધ નાગરિકોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ અપાયું છે. એન્ટ્રી ફી છે.

 સાંસ્કૃતિક અને આર્થિકનગરી રાજકોટમાં માત્ર રાષ્ટ્રીય પ્રશ્નને લઇને કાર્યક્રમ કરવો એ હવે સ્વાભાવિક ગણાય. ગત વર્ષ રાજકોટ માં ૧૫ ઓગસ્ટના, સાંસદ, ફિલોસોફર અને વકતા ડો. રાકેશ સિન્હાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.     ભારતીય વિચાર મંચ, રાજકોટ દ્વારા એવું જ એક બૌધિક વ્યકિતત્વ કે જે  યુ ટયુબ, ઇલેકટ્રોનીક મિડીયા અને સોશિયલ મીડિયામાં પ્રખ્યાત છે અને જેઓ ભારતનાં સાંપ્રત સમય અને દેશની આંતરીક સુરક્ષાના વિશેષજ્ઞ અને પત્રકાર છે એવા શ્રેષ્ઠ વકતા શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી  રાજકોટ આવી રહયા છે.

 આયોજનને સફળ બનાવવા ભરતભાઈ ખેર, ડેનીસભાઈ આડેસરા, શૈલેશભાઈ જાની, રાજાભાઈ કાથડ, મિહિરભાઈ માંકડિયા, હરેશભાઈ સદાવ્રતી, યશવંતભાઈ ગોસ્વામી,કૃણાલભાઈ બારભાયા અને ૨૫ થી વધુ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ વિગતો માટે મો.૭૬૦૦૫ ૦૫૦૫૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સામાજીક આગેવાનો સર્વશ્રી અતુલભાઇ પંડીત, મનોજભાઇ શુકલ, જીતુભાઇ સોની, નીતીનભાઇ ચારોલીયા, જીતેનભાઇ સોની નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:31 pm IST)