Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રજપૂતપરાના દૂકાનદાર મિતેશ તન્નાએ ઉછીના આપેલા પૈસા ન ચુકવી માથે જતાં ગોંડલના શખ્સોની ધમકી

કરાર મુજબ વિશાલ તન્ના સહિતે બાળકોના કપડાનો માલ પૈસાના બદલામાં લખાણ કરીને આપ્યો હતોઃ હવે એ માલ પણ પાછો માંગી ધમકીઃ પોલીસ કમિશનરને ફરિયાદ

રાજકોટ તા. ૧૪: રામાપીર ચોકડી પાસે અજય ટેનામેન્ટમાં રહેતાં અને રજપૂતપરા મેઇન રોડ પર અક્ષર ચેમ્બર પાસે મોબાઇલ રિપેરીંગની દૂકાન ધરાવતાં  મિતેશ મનહરલાલ તન્ના (ઉ.૩૪) નામના યુવાને પોલીસ કમિશનરશ્રીને લેખિત અરજી કરી પોતાની સાથે પૈસાની લેતીદેતીમાં ઠગાઇ થયાની અને માથે જતાં ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે. જેના વિરૂધ્ધ અરજી કરી છે તેમાં કિરીટભાઇ તન્ના, વિશાલ તન્ના અને અમિત તન્નાના નામ છે આ તમામ ગોંડલ રાધાકૃષ્ણનગરમાં રહેતાં હોવાનું જણાવ્યું છે.

અરજીમાં મિતેષ તન્નાએ જણાવ્યું છે કે જેના વિરૂધ્ધ મેં અરજી કરી છે એ મિત્ર અને જ્ઞાતિબંધુ થાય છે. તેમને પૈસાની જરૂર હોઇ અમે ૧૩/૪/૧૮ના રોજ અમારા સાળા અંકુરભાઇની મદદથી તેને રૂ. ૪ લાખ આપ્યા હતાં. એ પછી બીજા ૭,૪૦,૦૦૦ આપ્યા હતાં. આ રકમ ઉછીના પેટે આપી હતી. એ પછી વિશાલ તન્નાએ મારા અને મારા સાળા વિરૂધ્ધ ગોંડલ પોલીસમાં મની લેન્ડ એકટ હેઠળ ફરિયાદ કરી દીધી હતી.  જો કે આ ફરિયાદ સંદર્ભે બાદમાં અમારે સમાધાન થઇ ગયું હતું. જેનું નોટરાઇઝડ લખાણ પણ કર્યુ હતું.

સમાધાન મુજબ મારે કુલ રૂ. ૧૧,૪૦,૦૦૦ તેની પાસેથી લેવાના હતાં. તે પૈકી વિશાલે ૩,૩૨,૦૦૦ મારા સાળાને ચુકવી દીધા હતાં. બાકીના ૮ પૈકી ૭ લાખ તેણે મને ચુકવવાના એવું નક્કી થયું હતું. તેની સામે તેણે પોતાની ભાડાની દૂકાન એપલ કિડ્સમાં પડેલા બાળકોના કપડાનો માલ સામાન પૂજા વેસ્ટર્નનના બીલ સાથે અમને આપી દેવો તેવું નક્કી થયું હતું. સમાધાન મુજબ તેણે માલ આપ્યો હતો. પરંતુ એ પછી વિશાલે ૭/૧૦/૧૯ના રોજ મને રૂબરૂ મળી કહેલ કે તું મારો માલ પરત આપી દે નહિતર તને બરબાદ કરી નાંખીશ. સમાજમાં બદનામ કરવાની અને મને તથા મારા સાળાને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

સમાધાન કરાર કમ સમજુતી કરાર મુજબ અમને વિશાલે દૂકાનમાં પડેલો માલ આપ્યો હતો. હવે એ માલ પાછો મેળવવા ધમકી આપે છે. તેની સામે ઠગાઇ-ધમકીનો ગુનો નોંધી કાર્યવાહી કરવા મિતેશ તન્નાએ અંતમાં માંગણી કરી છે.

(3:29 pm IST)