Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દિલ્હીમાં બંધારણની કોપીઓ સળગાવાઇ તે નિંદનીય ઘટનાઃ તાકીદે પગલા ભરો નહી તો દેશભરમાં ઉગ્ર વિરોધ

રાષ્ટ્રપતિને સંબોધી રાજકોટ સ્વયમ સૈનિક દળ દ્વારા પાઠવાતું આવેદન

રાજકોટ, તા., ૧૪: શહેર સ્વયમ સૈનિક દળના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી તા.૯-૮-ર૦૧૮ના રોજ દેશની રાજધાની દિલ્હીનાં જંતર-મંતર ખાતે ભારત દેશના આધુનિક સંવિધાનને સળગાવવામાં આવ્યું તેમજ ડો.બાબાસાહેબ  આંબેડકર તથા અનુ.જાતી અને અનુ.જનજાતી વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવેલ તે બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે એસી એસટી એકટ અને આરક્ષણ જેવા મુદાઓના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સંગઠનોએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારત દેશનાં આધુનિક બંધારણની કોપીઓ જાહેરમાં અને પોલીસની હાજરીમાં સળગાવવામાં આવી હતી. તેમજ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર તથા અનુ.જાતી અને અનુ.જનજાતી વિરૂધ્ધ આપતીજનક ટિપ્પણીઓ અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સંપુર્ણ હકીકત વિડીયોમાં રેકોર્ડેડ છે.

આ ઘટના અત્યંત ગંભીર છે. દેશની અખંડતા ઉપર પ્રશ્નાર્થ (?) ચિન્હ મુકનારી છે આટલી ગંભીર ઘટના બનાવા છતાં શાસન-પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઇ રાજકીય પાર્ટી કે નેતાનું એક પણ નિવેદન આવતું નથી. પોતાને નિષ્પક્ષ અને રાષ્ટ્રવાદી માનતી મીડીયા આ ઘટનાની કોઇ નોંધ લેતી નથી શું દેશના સંવિધાનનું અપમાન બહુજનો પુરતુ સીમીત છે? દેશનાં બંધારણની રક્ષા કરવી કે બંધારણના અપમાનમાં અવાજ ઉઠાવવો એ માત્ર એસસી એન્ડ એસટી લોકોની જ ફરજ છે? 

જો હવે શાસન પ્રશાસન દ્વારા પણ બંધારણીય વલણ દાખવામાં નહી આવે અને આ ઘટના વિશે યોગ્ય પગલાં ભરવા નહી આવે તો આવનારા દિવસોમાં ભારતભરમાંથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી તેમ ઉમેરાયું હતું.

(3:36 pm IST)