Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે કાલે ૭૫ સંત-સતીજીઓનો ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવ

આધિ -વ્યાધિ-ઉપાધિ નિવારક શ્રી ઉવસગ્ગહરં સંકલ્પ સિદ્ઘિ સાધનાનાં છઠા તબક્કાનું આયોજન

 રાજકોટઃ  ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, તથા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ૭૫ સંત-સતીજીઓના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસનાં ઉપલક્ષે આવતીકાલે રવિવાર તા.૧૫ જુલાઈના રોજ મંગલપ્રવેશ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

૭૫ સંત-સતીજીઓનાં મંગલપ્રવેશને વધાવવા માટે હજારો ભાવિકો, સંઘ-સભ્યો, જૈન-જૈનેતર સમાજનાં અગ્રણીઓ, રાજકોટનાં સમસ્ત મહિલામંડળનાં ૧૦૮ કળશધારી બહેનો, તરણેતર રાસમંડળી, રાજસ્થાની ઢોલ,આદિવાસી નૃત્યકારો, રાસલીલાનાં કલાકારો, લુક એન લર્નનાં બાળકોની શાસન પરેડ,શ્રી વિઝન ગ્રુપના બહેનોનો રાસ આવાં અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યક્રમોથી શોભતી શોભાયાત્રા શ્રેષ્ઠીવર્ય શ્રી નટવરલાલ હરજીવન શેઠ, વિસાવદરવાળાના નિવાસસ્થાન ઠાકોરદ્વાર અપાર્ટમેન્ટ, પર્ણકુટિ સોસાયટીથી સવારે ૭:૩૦ વાગે અલ્પાહાર બાદ પ્રારંભ થશે.

 આ શોભાયાત્રા સવારે ૮ કલાકે એટલાંટા એપાર્ટમેન્ટ, બીગ બઝારની સામે, ૧૫૦ રીંગ રોડ ધર્મવત્સલ   જીતુભાઇ બેનાણીના આંગણે પહોંચશે, ત્યાં નૌકારશીનો લાભ લઈને ૮:૩૦ કલાકે ગગન ભેદી નારાઓથી રાજકોટનાં રાજમાર્ગને ગુંજવતી  આ શોભાયાત્રા શ્રી તપ સમ્રાટ ચોક પહોંચશે ઉપકારી ગુરુવર્ય તપ સમ્રાટ શ્રી રતિલાલજી મહારાજ સાહેબને ભાવ સ્મરણમા લાવીને તપ સમ્રાટ ચોકની ભાવ પૂર્વક પ્રદક્ષિણા કર્યા બાદ ઇમ્પિરિઅલ હાઈટ્સ   ચંદ્રકાન્તભાઈ શેઠના આંગણે પહોંચશે જયાં રાજકોટનાં સમસ્ત મહિલામંડળનાંકાર્યક્રમ બાદ આ  ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા પ્રસ્થાન ૮.૪૫ કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રિંગ રોડ, ઝેડ બ્લુની સામે પહોંચશે અને ધર્મસભામાં પરાવર્તિત થશે.

શોભાયાત્રામાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામના નાના નાના બાળકોના સ્વાગતનૃત્ય, ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ   ચંદકાંતભાઈ શેઠ, પ્રવીણભાઈ કોઠારી, મુંબઈ મહાસંઘના શ્રી સંજયભાઈ સંઘવી, સંઘ અગ્રણીઓના ચાતુર્માસ શુભેરછા વકતવ્ય તથા ગોંડલ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, સંઘની સંપ્રદાયના સંત સતીજીઓના પ્રેરણાત્મક પ્રવચન સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખે થી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના છઠ્ઠી રવિવારીય સંકલ્પસિદ્ઘિ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી રાષ્ટ્રસંત પૂજયશ્રીને ચાતુર્માસ શુભેરછા અર્પણ કરવા તથા સી.એમ. શેઠ પૌષધશાળાના લોકાર્પણ અવસરે ખાસ ઉપસ્થિત રહેશે. આ અવસરે પૂજય જય વિજય મહાસતીજીની સ્મૃતિરૂપ સાધર્મિક હેલ્પ પ્રોજેકટનું લોન્ચિંગ શ્રી અજયભાઇ શેઠ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. કાર્યક્રમો બાદ ગૌતમ પ્રસાદની વ્યવસ્થા ધર્મવત્સલ માતુશ્રી ધનલક્ષ્મીબેન રતિલાલભાઈ ઠોસાણી પરિવાર, તરફથી રાખવામાં આવી છે. નવકારશીનો લાભ   ઉદયભાઈ કાનગડ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન એ લીધેલ છે.

 ૭૫ સંત સતીજીઓના આ સમૂહ ચાતુર્માસના મંગલ પ્રવેશોત્સવ અવસરના મંગલ ક્ષણોની સાક્ષી બનવા સર્વને પધારવા માટે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘ અને પૂજયવર ડુંગર ગુરુપ્રાણ સમિતિ ભાવપૂર્વક આમંત્રણ પાઠવ્યું છે. (૪૦.૩)

જૈન વિઝન દ્વારા પ્રવેશોત્સવ પ્રસંગે જોડાવા અનુરોધ

પુણ્ય ભૂમિ સૌરાષ્ટ્રનું એ સદભાગ્ય છે કે રાષ્ટ્ર સંતનો આદર  પ્રાપ્ત અને જૈન સમુદાયના યુગ દ્રષ્ટા ગુરૂદેવ પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવક ઉપસ્થિતિ આ ચોમાસામાં રાજકોટને પ્રાપ્ત થઇ છે અને તેનો ભાવભર્યો ઉમંગ માત્ર જૈનોમાં જ નહીં પણ જન - જનના અનેકોનેક ધર્મપ્રેમી હૈયાં માં ઉછળી રહ્યો છે...તેમના રાજકોટ ખાતેના ૭૫ સંત - સતિજીઓના ચાતુર્માસ પ્રવેશની મંગલ  શુભેચ્છા આપવા માટે સ્વયં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  પણ હાજર રહેવાના છે 

દીક્ષા દાનેશ્વરી પૂજય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મહારાજસાહેબ યુવા પેઢીમાં યુથ આઇકોન કહી શકાય એવો પ્રભાવ ધરાવે છે તો અખિલ સુનીલ શાહ જેવા તેજસ્વી યુવાનો પ્રથમ દર્શન અને મુલાકાતમાં ગુરૂદેવને  સમર્પિત બની જાય છે, જૈન વિઝનના ભરતભાઇ દોશી કહે છે કે, પૂ.નમ્રમુનિ મહારાજે આજની યંગ જનરેશન ને સોશ્યલ મિડીયામાંથી બહાર કાઢીને ધર્મ સ્થાનકમાં વારંવાર આવતી કરી છે, એ નાનીસૂની વાત નથી

''સ્વ'' ''સાથે'' પર નું પણ કલ્યાણ થાય તેવો તેઓનો ઉમદા અભિગમ હોય છે. જીવદયા, પરોપકાર અને માનવતાના ધ્યેય સાથે જીવવાની સતત પ્રેરણા કરતાં હોય છે. પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબે જૈન શ્રેષ્ઠીઓને આહવાન આપીને સમાજ વ્યવસ્થાનો પાયો મજબૂત કર્યો હોવાનું જૈન વિઝનના ધીરેન ભરવાડા, રાજીવ ઘેલાણી, નિતિન મહેતા, વિપુલ મહેતા માને છે તો જૈન વિઝનના મિલન કોઠારી કહે છે કે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ માત્ર સંકેત કરે ત્યાં દાનની ઝોળી છલકાઈ જાય છે કારણકે તેઓ રૂપિયાના દાનને સવા રૂપિયાની સરવાણી કરી દેવાની ક્ષમતા ધરાવે છે   સાધર્મિક સહાય ઉપરાંત જરરિયાતમંદ જૈનેતરોને પણ મદદ માટે પણ તેઓ સદૈવ આગળ રહે છે અને એ માટેની પ્રેરણા પણ આપતાં રહે છે  'જૈન વિઝન' પણ લોક કલ્યાણના યજ્ઞમાં પોતાની યત્કિંચિત આહૂતિ આપવા કટિબદ્ઘ રહે છે. પૂ.નમ્રમુનિ મહારાજસાહેબના આગમન સાથે જ વિવિધ સેવાકીય પ્રવૃતિ થકી (ઝૂપડપટ્ટીમાં તાડપત્રી વિતરણ અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને ફૂડ પેકેટનું વિતરણ અને સામાજીક સંસ્થાઓમાં ભોજન) માનવતા મહોત્સવના સદ્ કાર્યો આરંભી દેનારા ' જૈન વિઝન'ના હોદેદારો પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબ આદિ સંત - સતિજીઓના ચાતુર્માસ પ્રવેશોત્સવ પાવન પ્રસંગે જૈન - અજૈનને ઉપસ્થિત રહેવા નમ્ર અનુરોધ કરેલ. (૪૦.૩)

(2:51 pm IST)