Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મારે તો ક્રિકેટ ગમે તેવી મોડર્ન છોકરી જોઇતી'તી, તું ઝીરો છો...રાજકોટની ડેન્ટીસ્ટ યુવતિને અમદાવાદમાં પતિનો ત્રાસ

પતિએ દારૂ પી મારકુટ કરી 'હવે તો તારું મોઢુ કોર્ટમાં જ જોઇશ' તેમ કહી માવતરે મોકલી દીધી! : ડોકટર પતિ ગોૈતમ, સાસુ પુષ્પાબેન, સસરા હરિશભાઇ અને નણંદ મનિષા સામે ગુનો નોંધાયો : દિકરીનો જન્મ થતાં સાસરિયાને ન ગમ્યું: પતિએ બોલવાનું બંધ કરી દીધું!

રાજકોટ તા. ૧૪: હાલ માધાપર ચોકડી પાસે સંગમ પાર્ટી પ્લોટ પાસે મધુવન પાર્કમાં રહેતાં દાંતના ડોકટર કૃપાબેન ગોૈતમ  તંબોલીયા (ઉ.૩૦) નામના વણકર પરિણીતાએ અમદાવાદ રહેતાં ડોકટર પતિ તેમજ સાસુ-સસરા અને નણંદ  વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ કરી છે. પતિએ 'મને તો ક્રિકેટ ગમતું હોય તેવી મોડર્ન ટાઇપ છોકરી જોઇતી હતી, તું તો ઝીરો છો' તેમ કહી મેણાટોણા મારી ધમકી આપ્યાનો ફરિયાદમાં આરોપ છે.

બનાવ અંગે મહિલા પોલીસે કૃપાબેનની ફરિયાદ પરથી અમદાવાદ સુભાષ બ્રીજ બીઆરટીએસ પાસે ન્યુ રાણીપ ખાતે શિવકુંજ સોસાયટીમાં પરિશ્રમ નામના મકાનમાં રહેતાં તેણીના પતિ ગોૈતમ હરિશભાઇ તંબોલીયા, સસરા હરિશભાઇ મતલાલ તંબોલીયા, સાસુ પુષ્પાબેન તથા નણંદ મનિષા અશોક જાદવ સામે આઇપીસી ૪૯૮ (ક), ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

કૃપાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તે સવા વર્ષથી તેની દિકરી હરિતિકા સાથે માતા-પિતાના ઘરે રહે છે અને ડેન્ટીસ્ટ છે.  તેના લગ્ન આઠ વર્ષ પહેલા ગોૈતમ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતાં. એ પછી પોતે અમદાવાદ પતિ-સાસરિયા સાથે રહેતી હતી. પણ લગ્નના બીજા જ દિવસે સાસુ અને સસરા તથા નણંદે મોઢા ચડાવી લીધા હતાં અને કહેલું કે તું કરિયાવરમાં કંઇ લાવી નથી, તારા મા-બાપે ભુખડની જેમ મોકલી દીધી છે. લગ્ન બાદ કામવાળી આવતી હતી તેને પણ આવતી બંધ કરી દીધી હતી અને ઘરનું તમામ પાસે તેણી એકલી પાસે કરાવાતુ હતું. સાસુ-સસરા બંને નોકરીએ જતાં અને પરત આવીને સાસુ કામમાં કોઇને કોઇ બાબતે વાંક કાઢતાં હતાં. સાસુ, સસરા અને નણંદ પતિને ચઢામણી કરીને કહેતાં કે કૃપા અમને માન આપતી નથી. આથી પતિ પણ એ લોકોનું ઉપરાણુ લઇ ઝઘડા કરતો અને મારી નાંખવાની ધમકી આપતો હતો.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે પતિએ થોડા બાદ ડીસા ખાતે હોસ્પિટલ શરૂ કરી હતી. અહિ પણ સાસુ, સસરા અને નણંદ અમદાવાદથી આવતાં હતાં અને પતિને ચઢામણી કરતાં એક દિવસ પતિએ દારૂ પી ઘરે આવી પોતાને કાઢી મુકી હતી.  જેથી તેણી રાજકોટ માવતરે આવી ગઇ હતી. એ પછી પતિએ માફી માંગી સાથે જ રહેવું છે એવી વાત કરતાં પોતે પરત સાસરે આવી હતી. પણ એ છપી પતિ-પત્નિ રાજકોટ ભાડે મકાન રાખીને રહેવા માંડ્યા હતાં. હવે સંસાર સુખેથી ચાલતો હતો. પણ ફરીથી સાસુ-સસરા અને નણંદે ચઢામણી કરતાં પતિએ ફરીથી ગુસ્સે થઇ દારૂ પી ગાળો દઇ માર માર્યો હતો. એ પછી પતિએ નડિયાદ અભ્યાસ શરૂ કરતાં ત્યાં રહેવા જવું પડ્યું હતું. ત્યાં પણ સાસુ-સસરા શનિ-રવિ રોકાવા આવતાં હતાં અને ત્યાં પણ ચડામણી કરી જતાં હતાં જેથી પતિ ઝઘડા કરતો હતો. બીજી વખત પોતે કંટાળીને માવતરે આવી ગઇ હતી. એ પછી પતિને કોલકત્તા વધુ અભ્યાસ માટે જવાનું થયું હતું અને તે ત્યાં જતાં રહેલ. એ વખતે તેણીના પેટમાં બાળક હતું અને અમદાવાદ સાસુ-સસરા સાથે રહેતી હતી. સિમંતની રાતે પણ પતિએ દારૂ પી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પોતે પણ પતિ સાથે કોલકત્તા ગઇ હતી અને ત્યાં દિકરીનો જન્મ થયો હતો.

દિકરી જન્મતા સાસુ સસરાને ગમ્યું નહોતું. ૩૧/૧૨/૧૬ના રોજ પતિના ફોન પર નણંદનો ફોન આવ્યો હતો. એ પછી પતિએ ફરીથી બોલવાનું બંધ કરી દીધુ હતું અને દારૂ પી મારકુટ શરૂ કરી હતી. પતિએ હવે તો એવું પણ કહેવાનું શરૂ કર્યુ હતું કે તું મારા માટે સારી છોકરી નથી, તું દિકરીને લઇને માવતરે જતી રહેજે અને મને છુટાછેડા આપી દેજે. મારે તો ક્રિકેટ ગમતું હોય તેવી મોડર્ન ટાઇપ છોકરી જોઇતી હતી તું એવી નથી, તું ઝીરો છો તેમ કહી મેણા મારી હવે તો તારું મોઢુ કોર્ટમાં જ જોવું છે, તને અમદાવાદ હાઇકોર્ટ સુધી લાંબી કરવી છે. તેમ કહી ટિકીટ કરાવી આપતાં ૧૨/૪/૧૭ના રોજ પોતે દિકરીને  લઇ રાજકોટ માવતરે આવી ગઇ હતી.

ઉપરોકત એફઆઇઆર પરથી મહિલા પીએસઆઇ એન. એસ. સવનીયાએ તપાસ શરૂ કરી છે.

(12:43 pm IST)