Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા માટે સજ્જ

૧૫ દિવસ પછી કોરોનાની સમીક્ષા બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ પરીક્ષા લેવાશેઃ કોલેજમાં પ્રથમ વર્ષમાં કોઈ વંચીત ન રહે તેની કાળજીઃ કમાનારા મોભીનું કોરોનાથી મૃત્યુના કેસમાં યુનિવર્સિટીના ૨૯ ભવનોમાં ફી માફીઃ એકેડેમીક કાઉન્સીલનો નિર્ણય

રાજકોટ, તા. ૧૪ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે એકેડેમીક કાઉન્સીલની પ્રથમ બેઠક મળી હતી. જેમાં પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીના અધ્યક્ષ સ્થાને મળેલી એકેડેમીક કાઉન્સીલમાં મુખ્ય આગામી અંતિમ સેમેસ્ટરની પરીક્ષા કેવી રીતે યોજવી ? તે અંગે ચર્ચા થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ ઓફલાઈન - ઓનલાઈન પરીક્ષા લેવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને રાજ્ય સરકારની સૂચના મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આજે મળેલી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટસમાં કેવી રીતે પ્રવેશ આપવો ? તેની ઘનિષ્ઠ ચર્ચા થઈ હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવનાર માર્કશીટને આધારે પ્રવેશ આપવા અને કોઈપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચીત ન રહે તેની ખાસ તકેદારી રાખવી, જરૂર પડે કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે.

દરમ્યાન આજે મળેલ એકેડેમીક કાઉન્સીલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૨૯ ભવનોમાં જે વિદ્યાર્થીના પરિવારના મોભી અથવા માતા-પિતા કોરોનાથી મૃત્યુ થયુ હશે તેવા છાત્રોને તમામ પ્રકારની ફીમાંથી મુકિત આપવામાં આવશે. આ અંગે આખરી નિર્ણય સીન્ડીકેટની બેઠકમાં થશે.

(5:42 pm IST)