News of Thursday, 14th June 2018
જ્યાં અજાણ્યા શખ્સોએ ધમાલ મચાવી તોડફોડ કરી તે ઓફિસ-ગોડાઉન, ઇન્સેટમાં ફોન પર વાત કરતાં ગોડાઉન માલિક અરવિંદભાઇ પરમાર તથા સામેની તસ્વીરમાં બંને કર્મચારીઓ તથા તોડફોડ થઇ તે ચીજવસ્તુઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૪: સામા કાંઠે પેડક રોડ પર પેડકના દરવાજા પાસે આવેલી શિવકૃપા ટ્રાવેલ્સ એન્ડ કારગો નામની ઓફિસ-ગોડાઉનમાં રાત્રે પાંચ અજાણ્યા શખ્સોએ છકડો રિક્ષામાં આવી ધમાલ મચાવી બેફામ તોડફોડ કરી અડધા લાખનું નુકસાન કર્યુ હતું. તેમજ એક કર્મચારીને માર માર્યો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ હોઇ પોલીસે ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ આદરી છે. ગુવારના પાર્સલના પૈસા બાબતે આ માથાકુટ થઇ હતી.
બનાવ અંગેની વિગતો જોઇએ તો પટેલનગરમાં રહેતાં કારડીયા રાજપૂત અરવિંદભાઇ હાજાભાઇ પરમાર પેડકના દરવાજા પાસે શિવકૃપા ટ્રાવેલ્સ એન્ડ કારગો નામે ઓફિસ રાખી ધંધો કરે છે. ગઇકાલે સવારે જયપુરથી શિવકૃપા ટ્રાવેલ્ની બસ નં. જીજે૩બીવી-૨૫૨૦માં ગુવારના ૮ કોથળા પાર્સલ તરીકે આવ્યા હતાં. આ તેના પર લખેલા નંબર ઉપર કર્મચારીએ ફોન કરી પાર્સલ લઇ જવા જણાવતાં ત્રણ-ચાર શખ્સો આવ્યા હતાં. ૧ કોથળાના ૨૫૦ લેખે ૨૦૦૦ રૂપિયા ચુકવવાનું આ શખ્સોને કર્મચારી કાનસિંહ કૃપસિંહ ચોૈહાણ (રાવત) (ઉ.૧૯-રહે. મુળ રાજસ્થાન)એ જણાવતાં આ શખ્સોએ એક કોથળાના રૂ. ૧૦૦ જ થાય તેમ કહી માથાકુટ કરી માત્ર ૧૫૦૦ જ ચુકવ્યા હતાં અને ભાગી ગયા હતાં. આ બાબતે કર્મચારીએ શેઠ અરવિંદભાઇ પરમારને વાત કરી હતી.
એ પછી રાત્રીના સાડા નવેક વાગ્યે પાંચ શખ્સો છકડો રિક્ષામાં આવ્યા હતાં અને સવારે પૈસા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી 'તારા શેઠ કયાં છે?' તેમ કહી કર્મચારી કાનસીંગ સાથે ગાળાગાળી કરી હતી અને પાઇપ-પથ્થરથી તોડફોડ શરૂ કરી હતી. અન્ય કર્મચારી નરેન્દ્રસિંહએ તેને અટકાવવા પ્રયાસ કરતાં તેને મારકુટ કરી બધા ભાગી ગયા હતાં. તોડફોડથી ૫૦ હજારનું નુકસાન થયું હોઇ પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એમ. એમ. ઝાલાએ કાનહિં કૃપસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ આરંભી છે.