Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કાલે મકર સંક્રાંતિ : રંગબેરંગી પતંગોથી આકાશ છવાશે

‘કાય પો છે..' ‘ઢીલ દે.. ઢીલ દે..'ની ચીચીયારીઓ ગુંજશે : આગાસી-ધાબે જામશે પારિવારિક મેળાવડા : ઉંધીયુ, ચીકી, શેરડીની મોજ વચ્‍ચે મનાવાશે ઉતરાયણ : જીવદયાપ્રેમીઓ પૂણ્‍યનું ભાથુ બાંધશે : ગૌશાળાઓ દ્વારા દાન માટે છાવણીઓ ગોઠવાઇ : સરકારી ગાઇડ લાઇન મુજબ અગાસી પર ટોળા ભેગા કરવા પર અને મ્‍યુઝીક સીસ્‍ટમના ઘોંઘાટ પર પાબંધી છે : થોડી સંયમતા સાથે ઉજવાશે આ વર્ષનો પતંગોત્‍સવ

રાજકોટ તા. ૧૩ : આવતીકાલે તા. ૧૪ ના મકર સંક્રાંતિનું પર્વ છે. પતંગ રસીયાઓમાં અનેરો ઉમંગ છવાયો છે. કાલે અગાસી અને ધાબાઓ પર પારિવારિક મેળાવડા જામશે. ‘કાયપો છે.. ઢીલ દે ઢીલ દે' ની ચીચીયારીઓ ગુંજશે. આકાશ રંગ બેરંગી પતંગોથી છવાય જશે.
સુર્યના મકર રાશીમાં પ્રવેશની ઘડી એટલે મકર સંક્રાંત!  તીથી જોયા વગર દર વર્ષે ૧૪ મી જાન્‍યુઆરીના દિવસે મકર સંક્રાંત ઉજવવાનું ફિકસ જ હોય છે. આ દિવસને પતંગ પર્વ અને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે પતંગ ઉત્‍સવ થોડો ફીકકો રહે છે.  આ વર્ષે પણ જાહેર થયેલ સરકારી ગાઇડ લાઇન મુજબ અગાસી ઉપર ટોળા ભેગા કરવા કે મ્‍યુઝીક સીસ્‍ટમનો શોર બકોર કરવા પર પાબંધી ફરમાવવામાં આવી છે. એટલે થોડા નિયમ પાલનમાં રહીને આ વષે સંક્રાંત પર્વ મનાવવાનું રહેશે.
આમેય પતંગ અને દોરાના ભાવોમાં મોંઘવારી નડી જતા તેની અસર પણ છેલ્લા એક બે વર્ષથી જણાઇ રહી છે. તેમ છતા પતંગના રસીયાઓ તો બધી જ ઉપાધીઓને હડસેલીને પતંગ ઉડાડવાનો આનંદ લુંટવાના લુંટવાના ને લુટવાના જ!
આજે બજારોમાં રંગ બેરંગી પતંગોની છેલ્લી ઘડીની ખરીદીથી અનેરી ચહલ પહલ જોવા મળશે.
સાથે સાથે આ પર્વે દાન પૂણ્‍યનું પણ એટલુ જ મહત્‍વ હોય લોકો યથા શક્‍તિ દાન પૂણ્‍યનો લ્‍હાવો પણ લેશે. કોઇ વષા દાન તો કોઇ ધાનનું દાન કરશે. તો કોઇ રોકડ સ્‍વરૂપે દાન કરશે.
ગૌ શાળાઓ દ્વારા પણ દાન સ્‍વીકારવા ઠેરઠેર મંડપની છાવણીઓ ગોઠવી દેવામાં આવી છે. લીલો અને સુકો ચારરો સ્‍વીકારવા માટે પણ અલાયદી વ્‍યવસ્‍થાઓ થઇ છે.
કાલે ચીકી, શેરડી, જીંજરાની બજારોમાં પણ ગરમાવો જોવા મળશે. શિયાળાનું વસાણુ ગણાતી ખજુર, ચીકી, બોર, આમળા, શેરડી સહીતની વસ્‍તુઓની ધુમ ખરીદી થશે. માર્ગો ઉપર રીતસરના હાટડા મંડાઇ ગયા છે.
મકર સંક્રાંતિનું ભોજન એટલે ઉંધીયુ એવુ ચલણ પણ કેટલાક વર્ષોથી શરૂ થઇ ચુકયુ છે. કોઇ શિયાળાના તરોતાજા શાકભાજી ખરીદીને ઘરે જ ઉંધીયાની તૈયારી કરશે, તો કોઇ વળી બજારમાંથી તૈયાર ઉંધીયાનો આનંદ લેશે. મોટી સંખ્‍યામાં ઉંધીયુ બનાવવા દુકાનદારો પુર્વ દિવસથી જ કામે લાગી જાય છે.
તીક્ષણ દોરાથી કોઇ પક્ષી ઘાયલ થાય તો તેમની સારવાર માટે કંટ્રોલરૂમો કાર્યરત થયા છે.
અંધ અપંગ ગાયોની સેવા કરતી વાંકાનેર ગૌશાળા
છેલ્લા પચીસેક કરતા વષરે વર્ષોથી અંધ અપંગ ગાયોની સેવા કરતી વાંકાનેરની ગૌ શાળામાં આશરે ૧૧૦૦ થી વધુ ગૌ માતાઓ આશરો લઇ રહી છે. ત્‍યારે આ ગૌશાળાને સહયોગી બનવા અપના બજાર રાજકોટના ચેરમેન અને જયોતિ સોઇંગ મશીનવાળા મહેશભાઇ કોટકની આગેવાની હેઠળ રાજકોટમાં ભક્‍તિનગર સર્કલ ધારેશ્વર મંદિર પાસે દાન સ્‍વીકારવાની વ્‍યવસ્‍થા કરાઇ છે. ગૌ પ્રેમીઓ, દાતાઓએ આગળ આવવા અનુરોધ કરાયો છે. આ છાવણીમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ કૌશલભાઇ ઠકરાર, ધીરૂભાઇ મીષાી, અનિલભાઇ ભીંડોરા કુવાડવાવાળા સેવા આપશે.
એનીમલ હેલ્‍પલાઇન
રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ  હેલ્‍પલાઇન કાર્યરત છે. જે રસ્‍તે રઝળતા, નિરાધાર, બીમાર પશુઓ, ઘવાયેલ નાના મોટા પશુ-પંખીઓની વિનામુલ્‍યે સારવાર કરે છે. કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી  પશુ પંખીઓ માટે શહેરમાં હરતા ફરતા અન્નક્ષેત્રો પણ શરૂ કરાયા છે. જીવદયાની પ્રવૃત્તિ કરતી આ સંસ્‍થાને મકર સંક્રાંતિના પર્વે દાન આપી સહયોગી બનવા અપીલ કરાઇ છે. વધુ માહીતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) નો સંપર્ક કરી શકાશે.

 

(3:11 pm IST)