Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

કોઠારીયાની કિંમતી જમીનમાં થયેલ લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ તા. ૧૩ : અત્રે કોઠારીયાની વણીક પરીવારની કિંમતી જમીનમાં થયેલ લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં ભરવાડ શખ્સોની ધરપકડ સામે સ્ટે ગુજરાત હાઇકોર્ટ સ્ટે આપેલ હતો.

હાલ મોહાલી પંજાબ ખાતે રહેતા સુનીલભાઇ નવીનભાઇ પારેખએ તેમના સસરા ચુનીલાલ પિતામ્બર દોશીની કોઠારીયાના રે.સ.નં.ર૧૯, રર૦ તથા રર૧ ના પ્લોટ નં. ૮ તથા ૧૭ ની કુલ જમીન ચો.મી.ર૩૩૦-પ અંગે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા લેન્ડ ગ્રેબીંગ કાયદાની કલમ પ (સી) મુજબ ફરીયાદ નોંધાવેલી હતી જેમાં આરોપીઓ તરીકે રાજુભાઇ સુમારભાઇ વિગેરે તથા કિશનભાઇ બાલાભાઇ બોરીચા,  ભરતભાઇ બાલાભાઇ બોરીચા સહીતના ૧૧ વ્યકિતઓ તથા અજાણ્યા ઇસમો સામે એકબીજાને મદદગારી કરી ફરીયાદીના નામની બોગસ વ્યકિત ઉભી રાખી તેમના નામની બોગસ સહીઓ કરી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ ઉભા કરી એકબીજાઓને બોગસ દસ્તાવેજ બનાવી કિંમતી જમીન પચાવી પાડવા તેમનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હાહીત કૃત્ય કરેલ હોય તેની ફરીયાદ નોંધાવેલી હતી.

સદરહુ ફરીયાદ નોંધાતા ગોવિંદભાઇ બાલાભાઇ, ભરતભાઇ બાલાભાઇ તથા કિશન બાલાભાઇએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સદરહું ફરીયાદ રદ કરવા સંબંધે કવોસીંગ પીટીશન દાખલ કરેલ હતી, અને જે પીટીશનમાં અદાલતમાં રજુઆત કરવામાં આવેલ કે તેઓ શુધ્ધ બુધ્ધિના ખરીદનારાઓ છે તેઓએ નોટીસ આપીને સદરહું મીલ્કત ખરીદ કરેલ હતી અને પુરતો અવેજ અગાઉના માલીકોને ચુકવી આપેલ હતો. સદરહું મિલ્કત અંગે રાજકોટની સીવીલ અદાલતમાં દીવાની તકરારો પેન્ડીંગ છે અને સદરહું મીલ્કતનો કબ્જો પણ ફરીયાદી પાસે રહેલ છે અને સદરહું  કામમાં લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં આવેલ તે પહેલાની તકરારો છે તેવા સંજોગોમાં અમો સામે સદરહું કાયદાની કલમો લાગુ પાડી શકાય નથી તે મતલબની રજુઆત કરવામાં આવેલ હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સદરહું રજુઆતો, કેસના સંજોગો, દસ્તાવેજી પુરાવાઓ અને કાયદાકીય આધારોને ધ્યાનમાં રાખીને સરકાર તથા ફરીયાદપક્ષને નોટીસ ઇશ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ અને ગોવિંદભાઇ બાલાભાઇ, ભરતભાઇ બાલાભાઇ તથા કિશન બાલાભાઇ બોરીયાને ધરપકડ સામે સ્ટે આપવામાં આવેલ છે.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટના વિરાટ પોપટ તથા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી.નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી.વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:50 pm IST)