Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

મહમદીબાગ વિસ્તારના સોૈના લાડકા શેરી શ્વાન 'ભૂરા'ની વિદાયઃ રહેવાસીઓએ એક સ્વજનની જેમ કરી અંતિમવિધી

પાંચ વર્ષથી શ્વાન ભૂરો આ વિસ્તારમાં રહેતો હતો અને રખેવાળી પણ કરતો હતો

રાજકોટઃ માનવી અને શ્વાનની દોસ્તી અનેરી હોય છે. પાળતું શ્વાનને તેના માલિકો ભરપુર પ્રેમ આપતાં હોય છે, તો બીજી તરફ શેરી શ્વાનોને પ્રેમ કરનારા પણ લગભગ દરેક વિસ્તારોમાં રહેતાં હોય છે. કોઠારીયા સોલવન્ટ મહમદીબાગ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી શેરી શ્વાન રહેતો હતો. લોકોએ આ શ્વાનને 'ભૂરો' નામ આપ્યું હતું. વિસ્તારમાં અજાણ્યા લોકો આવે કે રાતે કોઇ અજાણ્યાઓને જૂએ તો ભસીને વિસ્તારના લોકોને જાગૃત કરતો હતો. ભૂરાને સોૈથી વધુ વ્હાલ આ વિસ્તારના જીવદયા પ્રેમીઓ અશરફખાન પઠાણ, વિક્રમભાઇ, અબ્બાસીબાપુ, સલિમભાઇ ખેડારા સહિતના કરતાં હતાં. સતત પાંચ વર્ષથી આ વિસ્તારમાં રહેતો હોઇ ભૂરાને અબાલ વૃધ્ધ સોૈનો પ્રેમ મળી રહેતો હતો...આ વિસ્તારના જાગૃત નાગરિક અયુબભાઇએ સાકરીયાણીએ જણાવ્યા મુજબ શ્વાન ભૂરો લોકો તરફથી મળતાં પ્રેમના બદલામાં વિસ્તારનું એક ચોકીદાર તરીકે ધ્યાન રાખી પોતાની વફાદારી દાખવી દેતો હતો. પણ કેટલાક દિવસથી તે અચાનક બિમાર થઇ ગયો હતો. જીવદયા પ્રેમીઓએ પશુ ડોકટરને બોલાવી સારવાર પણ કરાવી હતી. પરંતુ અચાનક ભૂરાએ અંતિમશ્વાસ લેતાં વિસ્તારના અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. ભૂરાની એક સ્વજનની જેમ વિધીસર અંતિમવિધી કરી ફુલહાર કરવામાં આવ્યા હતાં અને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તસ્વીરમાં શ્વાન ભૂરો અને તેની અંતિમવિધીના દ્રશ્યો જોઇ શકાય છે.

(2:47 pm IST)