Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રૂ. ૧૪ લાખ ૫૦ હજારના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૧૩ :. રૂ. ૧૪,૫૦,૦૦૦ના ચેક રીટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતા અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામ માખાકરોડમાં રહેતા ધીરજભાઈ ઠુંમર ઉપર રાજકોટના રહેવાસી નાથાભાઈ નાનજીભાઈ પીપળીયાએ રૂ. ૧૪,૫૦,૦૦૦નો ચેક બેંકમાંથી વગર વટાવાયે પરત ફરતા રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરેલ હતી. ફરીયાદી નાથાભાઈ પીપળીયાએ આરોપી ધીરજભાઈ ઠુંમરને દૂરના સગા થતા હોય જેથી સંબંધની રૂએ રૂ. ૧૪,૫૦,૦૦૦ હાથઉછીના આપેલ, જે રકમ ફરીયાદી નાથાભાઈએ આરોપી ધીરજભાઈ પાસેથી પરત માંગતા ધીરજભાઈએ તેમના ખાતાવાળી બેંક, શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.નો રૂ. ૧૪,૫૦,૦૦૦નો ચેક આપેલ.

આ ચેક ફરીયાદીએ તેમની બેંકમાં વટાવવા માટે રજુ કરતા સદરહુ ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે બેંકમાંથી વગર વટાવાયે પરત ફરેલ. ચેક પરત ફરતા ફરીયાદી નાથાભાઈએ તેમના વકીલ મારફત આરોપી ધીરજભાઈને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની કાયદેસરની નોટીસ પાઠવેલ પરંતુ આરોપીએ ફરીયાદીને તેમની રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો. સદરહું કેસ દાખલ થતા કોર્ટે આરોપીને હાજર થવા હુકમ કરતા આરોપી તેમના વકીલશ્રી સાથે કોર્ટમાં હાજર થયેલ અને પોતાના પરનો ગુનો કબુલ રાખેલ નહી જેથી કેસ કાર્યવાહી આગળ ચલાવવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ.

તમામ પુરાવાના અંતે બન્ને પક્ષો દ્વારા આ કેસના સમર્થનમાં દલીલો કરવામાં આવેલ જેમાં બચાવ પક્ષ દ્વારા તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ રાખવામાં આવેલા, જે બચાવ પક્ષની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ રાજકોટના અધિક ચીફ જ્યુડી. મેજી. એન.એચ. વસવેલીયા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ અતી મહત્વના ચુકાદામાં આરોપી ધીરજભાઈ ઠુંમર તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પીયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા તથા રવિભાઈ ઠુંમર રોકાયેલ હતા.

(3:58 pm IST)