Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પાંચ બેકરીઓમાંથી ૩૧૨ કિલો વાસી બ્રેડ - જીવાતવાળી કેકનો નાશ

નાતાલના તહેવારો પર કેકમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગના દરોડા : આનંદ બેકરી - કિશોર બેકરી અને બાલાજી : બેકર્સ તથા પટેલ બેકરી વગેરેમાંથી વાસી બ્રેડ મળી આવી : કોઠારિયા રોડ રામેશ્વર બેકરીમાં કેકમાં જીવાતો ખદબદતી જોવા મળી : આરોગ્ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચેકીંગ ઝુંબેશ

રાજકોટ તા. ૧૩ : આગામી ટુંક સમયમાં જ નાતાલ - ક્રિસમસનાં તહેવારો આવતા હોઇ કેક, બ્રેડ, પેસ્ટ્રી સહિતના બેકરી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી જતું હોઇ ભેળસેળ રોકવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બેકરીઓમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે પાંચ બેકરીઓમાંથી કુલ ૩૧૨ કિલો જેટલી અખાદ્ય બ્રેડ અને વાસી કેકનો જથ્થો ઝડપી લઇ અને નાશ કરાયો હતો.

આ અંગે આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ક્રિસમસ (નાતાલ)ના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની સુચનાથી શહેરના જનઆરોગ્યના હિતાર્થે નીચે મુજબની બેકરી ઉત્પાદક કેન્દ્રો ખાતે સઘન ચકાસણી કરવામાં આવેલ.

જેમાં (૧) આનંદ બેકરી - લક્ષ્મીવાડી મેઇન રોડમાંથી વાસી બ્રેડ, લોટ, કેક - ૪૨ કિ.ગ્રા. (ર) કિશોર બેકરી - કેનાલરોડમાંથી વાસી બ્રેડ, વાસી કેક - ૪૮ કિ.ગ્રા. (૩) રામેશ્વર બેકરી કોઠારીયા રોડમાંથી કેકમાં જીવાત તથા કીડીઓ જોવા મળેલ. કેક તથા લોટનો નાશ - ૮૩ કિ.ગ્રા. (૪) બાલાજી બેકર્સ - કોઠારીયા રોડમાંથી અખાદ્ય કેક, વાસી બ્રેક - ૫૭ કિ.ગ્રા. (૫) પટેલ બેકરી - દેવપરા મેઇન રોડમાંથી વાસી બ્રેડ, લોટ, કેક - ૮૨ કિ.ગ્રા. સહિત કુલ ૩૧૨ કિ.ગ્રા. અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.

ઉપરોકત સ્થળે બેકરી આઇટમ કેક, પેસ્ટ્રી વિગેરે આઇટમની સઘન ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન હાઇજીનીક કંડીશન, સ્ટોરેજ, રો-મટીરીયલ્સ, સ્વચ્છતા, ફૂડ લાયસન્સ વગેરે આઇટમોનું ચેકીંગ કરી અનહાઇજીનીક કંડીશન બાબતે નોટીસ આપવામાં આવેલ છે.

નોંધનીય છે કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયે કેક, પેસ્ટ્રીના ઉત્પાદકોએ નીચે દર્શાવેલ નિયમોનું પાલન ચુસ્તપણે કરવું જરૂરી છે. જેમાં ૧૦૦ પી.પી.એમ.થી વધારે ફૂડ કલરનો ઉપયોગ પ્રતિબંધિત છે. આર્ટીફિસિયલ સ્વીટનરનો ઉપયોગ ન કરવો. ટેગીંગ કરવું ફરજીયાત છે. કેક યોગ્ય તાપમાને સ્ટોરેજ કરવી ફરજીયાત છે. કેકમાં કાપેલા ફ્રૂટનો ઉપયોગ ટાળવો. વેજીટેરીયન, નોન વેજીટેરીયન કેકનું બોર્ડ ખાસ દર્શાવવું. પોટેશીયમ બ્રોમાઇડ જેવા ફૂડ એડીટીવ્સનો ઉપયોગ પ્રતિબંધિત છે વગેરે નિયમોનો સમાવેશ છે.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની સુચનાથી ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:19 pm IST)