Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જંગલેશ્વરમાંથી ૩૫૭ કિલો ગાંજા સાથે મુસ્લિમ દંપતિ,તેની દિકરી અને નોકર ઝબ્બેઃ ઓરિસ્સાથી વાયા સુરતથી સપ્લાય

૮૧ લાખનું ચરસ ઝડપાયા બાદ રાજકોટ એસઓજી અને ભકિતનગર પોલીસને બીજી મોટી સફળતાઃ અગાઉ ગાંજા સાથે ઝડપાયેલી અમીના ડોસીની દિકરી મદીના જૂણેજા, તેના પતિ ઉસ્માન જૂણેજા, દિકરી અફસાના કઇડા અને ૧૭ વર્ષના કર્મચારીને ઝડપી લેવાયા : ફળીયામાં રાખેલી બોલેરો, હોન્ડા સીટી કારમાંથી પણ ગાંજો મળ્યોઃ કારમાં એક પિસ્તોલ-કાર્ટીસ પણ હતાં: ૨૧ાા લાખનો ગાંજો, વાહનો સહિત કુલ ૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ પિસ્તોલ-કાર્ટીસ જામનગર જેલમાં રહેલા મદીનાના દિકરાએ છુપાવ્યા'તા : હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, વિજેન્દ્રસિંહ ઝાલા, ગિરીરાજસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતુભા ઝાલા અને ગિરીરાજસિંહ ઝાલાની ચોક્કસ બાતમી

જ્યાં દરોડો પાડવામાં આવ્યો હતો એ મકાન : યુવાધનને ખોખલું કરી નાંખતા નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ મુહિમ શરૂ કરી છે. ૩૫૭ કિલો ગાંજો પકડી લેવાયાની માહિતી પત્રકાર પરિષદમાં આપી રહેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ એચ. એમ. રાણા તથા એસઓજીની ટીમ અને નીચેની તસ્વીરમાં ઝડપાયેલી મદીના, તેનો પતિ ઉસ્માન અને તેની દિકરી અફશાના સાથે મહિલા કોન્સ્ટેબલ તેમજ હેડકોન્સ. આર. કે. અને કોન્સ. ચેતનસિ઼હ તથા અન્ય તસ્વીરમાં જપ્ત થયેલો ગાંજાનો જથ્થો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૩: શહેર પોલીસે જંગલેશ્વરમાંથી ચાર શખ્સોને ૮૧ લાખના ચરસ સાથે ઝડપી લીધા બાદ ફરીથી આવા ધંધા માટે બદનામ ગણાતાં જંગલેશ્વરમાં જ ગત સાંજે એસઓજી અને ભકિતનગર પોલીસની ટૂકડીએ ખાનગી રાહે ચોક્કસ બાતમી પરથી દરોડો પાડી રૂ. રૂ. ૨૧,૪૫,૫૮૨ લાખનો ૩૫૭ .૫ કિલોગ્રામ ગાંજો પકડી લઇ તેમજ રોક, કાર, બોલરો એકટીવા, મોબાઇલ ફોન, વજનકાંટા, ચલમો મળી કુલ રૂ. ૩૩,૪૮,૬૩૨નો મુદ્દામાલ કબ્જે લઇ એક મુસ્લિમ મહિલા, તેના પતિ, પરિણીત દિકરી અને કામે રાખેલા એક સગીરને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. જપ્ત થયેલા  ગાંજો ઓરિસ્સાથી વાયા સુરત થઇ રાજકોટ સુધી આવ્યાની  વિગતો બહાર આવી છે.  રાજકોટ શહેરમાં પહેલી જ વખત અધધધ નશીલો પદાર્થ જપ્ત કરવામાં સફળતા મળી છે. એક કારમાંથી ગેરકાયદે હથીયાર પણ મળ્યું હોઇ તે અંગે અલગથી ગુનો નોંધવાની કાર્યવાહી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જંગલેશ્વરમાંથી તાજેતરમાં ચરસના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી લેવાયા હોઇ અને અગાઉ એક મુસ્લિમ ડોસીને પણ ગાંજા સાથે પકડવામાં આવી હોઇ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી. રાઠોડે એસઓજી અને ભકિતનગર પોલીસને જંગલેશ્વરમાં ખાસ વોચ રાખવા અને વધુ માદક પદાર્થ છુપાવાયા હોવાની દ્રઢ શંકા હોઇ સતત તપાસ કરવા સુચના આપી હતી. તે અંગર્તત એસઓજીની ટૂકડી અને ભકિતનગરની ટીમ ઘણા દિવસોથી ખાનગી રીતે તપાસમાં હતી. દરમિયાન ગઇકાલે ચોક્કસ માહિતી મળી હતી કે જંગલેશ્વરની મહાત્મા ગાંધી સોસાયટી-૧માં રહેતી મદીના ઉસ્માન જૂણેજા નામની મહિલાના ઘરમાં માદક પદાર્થનો મોટો જથ્થો બહારથી લાવીને છુપાવાયો છે.

આ માહિતી પરથી એસઓજી પી.આઇ.  એસ. એન. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી, ફિરોઝભાઇ રાઠોડ, જીતેન્દ્રસિંહ, ગિરીરાજસિં જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ તેમજ ભકિતનગરના પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એન. વાજા, વાલજીભાઇ જાડા, મહિલા પોલીસ મથકના કોન્સ. જાગૃતિબેન સહિતનાએ પંચની હાજરીમાં મંજૂરી સાથે દરોડો પાડતાં અને ઘરની જડતી લેતાં અંદર ઘરમાં એક સ્ત્રી અને બે પુરૂષો પડકીઓ બનાવતાં જોવા મળ્યા હતાં. તેમજ ફળીયામાં પડેલી હોન્ડા સીટી કાર જીજે૩સીઇ-૬૮૭૭ની ડેકી ખોલીને જોતાં અંદરથી પ્લાસ્ટીકના કંતાનના બે પાર્સલ મળ્યા હતાં. તે ખોલીીને જોતાં લીલી અર્ધ સુકાયેલી વનસ્પતીના પાંદડા તથા બીજ નીકળ્યા હતાં. જેમાં તિવ્ર વાસ આવતી હોઇ એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં શ્રી એન. એન. વ્યાસે આ પદાર્થ ગાંજાના ટકો વાળો વનસ્પતી જન્ય પદાર્થ હોવાનું તેમણે જણાવ્યું હતું.

હોન્ડા સીટી કારની તલાશી લેવામાં આવતાં ડેસ્ક બોર્ડમાંથી એક સફેદ કોથળી મળી હતી. જેમાંથી દેશી બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ અને બે કાર્ટીસ મળ્યા હતાં. આ પિસ્તોલ-કાર્ટીસ મદીનાએ પોતાના જામનગર જેલમાં રહેલા પુત્ર નવાઝશરીફ ઉસ્માન જુણજા (ઉ.૨૬)એ રાખ્યાનું કહ્યં હતું. તેનું પણ લાયસન્સ ન હોઇ શીલ કરી કબ્જે કરવામાં આવેલ.

કારમાંથી મળેલા આ માદક પદાર્થની ઘરધણી મહિલા મદીના પાસે કોઇ પાસપરમીટ ન હોઇ વજન કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી બોલેરો નં. જીજે૩જેસી-૪૭ની તલાશી લેતાં તેમાંથી પણ ગાંજો મળ્યો હતો. આ ઉપરાંત ઘરમાં સ્ત્રી-પુરૂષો પડીકઓ બનાવતાં હોઇ તેની પુછતાછ કરતાં પુરૂષે પોતાનું નામ ઉસ્માન લધરભાઇ જૂણેજા (ઉ.૪૯) હોવાનું તથા મહિલાએ પોતાનું નામ અફસાના સલિમ કઇડા (ઉ.૨૫) હોવાનું અને જણાવ્યું છે. જેમાં ઉસ્માન મદીનાનો પતિ અને અફસાના તેની દિકરી થાય છે. આ ઉપરાંત ૧૭ વર્ષનો સગીર પણ હાજર હતો. આ પડીકીઓમાં ભરાયેલો ગાંજો પણ કબ્જે કરાયો હતો. તેમજ જુદા-જુદા પાર્સલો ખોલીને તેમાંથી પણ અલગ-અલગ વજનનો ગાંજો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જુદા-જુદા કોથળાઓમાંથી પણ માદક પદાર્થ શોધી કાઢ્યો હતો. કુલ વજન કરતાં ૩૫૭.૫૯૭ કિલોગ્રામ થયું હતું. જેની કુલ કિમત રૂ. ૨૧,૪૫,૫૮૨ થાય છે. આ ઉપરાંત રોકડા રૂ. ૧,૭૫,૦૫૦, ૪ લાખની હોન્ડા સીટી કાર, ૬ લાખની બોલેરો જીપ તથા ૨૫ હજારનું એકટીવા અને ત્રણ મોબાઇલ ફોન, વજન કાંટો, વજનીયા, ચિલમો અને દસ્તાવેજની કોપીઓ મળી કુલ રૂ. ૩૩.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ અંગે પીએસઆઇ એચ. એમ. રાણાએ ફરિયાદી બની મદીના ઉસ્માન જુણેજા (ઉ.૪૫), તેના પતિ ઉસ્માન લધરભાઇ જુણેજા (ઉ.૪૯), દિકરી અફસના સલિમ કઇડા (ઉ.૨૫) અને ૧૭ વર્ષના નોકર સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૧, ૨૯ મુજબ ગુનો નોંધી ચારેયને અટકાયતમાં લઇ વિશેષ પુછતાછ શરૂ કરી છે. પ્રાથમિક ચર્ચા મુજબ જપ્ત થયેલો ગાંજામાંથી અડધો અડધ ગાંજો એકાદ દિવસ પહેલા જ સુરતથી કોઇ શખ્સ આપી ગયો હતો. તે અંગે તપાસ થઇ રહી છે. એસઓજીએ અગાઉ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી અમીના હમીદભાઇ સુણાને ૧ કિલો ૨૬૦ ગ્રામ ગાંજા સાથે તા. ૧૯ ઓગષ્ટના રોજ ઝડપી લીધી હતી. જે તે વખતે અમીનાએ પોતે બેડીનાકા નજીકથી એક સાધુ પાસેથ ગાંજો લઇ આવ્યાનું રટણ કર્યુ હતું. પણ હકિકતે તે તેની દિકરી મદીના જુણેજા પાસેથી જ ગાંજો લાવીને વેંચતી હોવાનું પોલીસનું માનવું છે. આ બાબતે વિશેષ તપાસ થઇ રહી છે. રાજકોટમાં પહેલી જ વખત અધધધ ૩૫૭ કિલો જેટલો ગાંજો પકડાયો છે. યુવાધનને ખોખલુ બનાવી દેતાં માદક પદાર્થના વેંચાણ અને હેરાફેરીનું નેટવર્ક ભેદવા પોલીસ કામે લાગી છે.

'ઓપરેશન બ્લેકહોક' હેઠળ નશીલા દ્રવ્યનું નેટવર્ક તોડી પાડવા ખાસ મુહિમઃ પોલીસ કમિશ્નર અગ્રવાલ

ઝડપાયેલી મદીના અને પરિવારના જંગલેશ્વરમાં જ ડઝનથી વધુ મકાનોઃ ગેરકાયદે ધંધા થકી મિલ્કતો ખડકી હોવાનું સાબિત કરી 'ફેમા' હેઠળ મિલ્કત જપ્તી

કરવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ સાથે મળી કાર્યવાહીની તજવીજ

. નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટમાં ચાર્જ સંભાળ્યાના ગણત્રીના સમયમાં ચરસ અને ગાંજાના બે મોટા કન્સાઇનમેન્ટ પોલીસ ઝડપી લીધા છે. ગઇકાલે ઝડપાયેલો ગાંજાનો જથ્થો પણ પોલીસના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો છે. આટલા મોટા જથ્થામાં નશીલા દ્રવ્યો રાજકોટમાં આવતાં હોવાની બાબતને પોલીસ કમિશ્નરે ખુબ જ ગંભીર ગણાવી જણાવ્યું હતું કે યુવાધનને બરબાદ કરતી આ બદીને ડામી દેવા મારી ટીમોને 'ઓપરેશન બ્લેકહોક'ના નેજા તળે ખાસ કામગીરી સોંપી છે. આ ટીમો નશીલા દ્રવ્યોના સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની કેડ ભાંગી નાંખવા સતત સક્રિય રહેશે. પોલીસ કમિશ્નર અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલી મદીના અને તેના પરિવારના જંગલેશ્વરમાં ડઝનથી વધુ મકાનો હોવાની માહિતી મળી છે. ગેરકાયદે ધંધા થકી આ તમામ મિલ્કતો ખડકી હોવાનું સાબિત કરવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ સાથે મળી ફેમા હેઠળ કાર્યવાહી કરવા કોશિષ કરવામાં આવશે.

મુખ્ય સપ્લાયર પાસેથી નશીલો ગાંજો ૮ થી ૮ાા હજારના કિલોના ભાવે ખરીદાતોઃ ૨૫૦ થી ૩૦૦માં એક પડીકી વેંચી અનેકગણો નફો રળતાં: એક સાથે ૫૦૦ થી ૭૦૦ કિલો ગાંજો મંગાવાતોઃ કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર, પડધરી, મોરબી સુધી સપ્લાય થતો

. છેલ્લા કેટલાક દિવસથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ગાંજાનો માલ આવવાની બાતમી મળી હતી. ઝડપાયેલુ મદીના જુણેજાનું આખુ પરિવાર આ ધંધા સાથે સંકળાયેલુ છે. તાજેતરમાં તેની માતા ગાંજા સાથે ઝડપાઇ હોવા છતાં કોઇની પણ પરવા ન હોઇ તે રીતે આટલો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જે અંગે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ આશ્ચર્ય વ્યકત કર્યુ હતું. રાજકોટમાં મદીના સહિતના ગાંજાની એક પડીકી રૂ. ૨૫૦ થી ૩૦૦માં વેંચતા હોવાનું પણ ખુલ્યું છે. આમ આ ગેરકાયદે વેપલામાં સંકળાયેલા લોકો અનેકગણો નફો કમાઇ લેતાં હતાં. સુરતથી રાજકોટ પહોંચતો ગાંજો રાજકોટના ઓપરેટરો દ્વારા જુદા-જુદા ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક થકી કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર, પડધરી, મોરબી સહિતના સૌરાષ્ટ્રના નાના-મોટા સેન્ટરો સુધી પહોંચાડાતો હોવાનું બહાર આવી રહ્યું છે.

 જુદા-જુદા પેકેટ પ્લાસ્ટીકના બારદાનમાં વ્યવસ્થિત ગોઠવીને ૨૦ કિલોનો એક કોથળો બનાવાતોઃ પરમ દિવસે રાત્રે અને ગઇકાલે આવા ૨૦ કોથળા કાર મારફત ડિલીવર થયા

.રાજકોટ પોલીસના ઇતિહાસમાં નજીકના સમયગાળામાં સૌથી મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે. આ ગાંજો કઇ રીતે રાજકોટ પહોંચતો? તે અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રીને પ્રશ્ન કરાતાં તેઓએ જણાવેલ કે ગાંજો ગુજરાતભરમાં ઓરિસ્સાથી સુરત મોટા ભાગે રેલ વ્યવહાર મારફત આવે છે. રાજકોટમાં છેલ્લા બે દિવસ દરમિયાન બે ડિલીવરી આવી હોવાનું ઝડપાયેલા આરોપીઓએ પુછપરછમાં કબુલ્યું છે. બંને વખતે સુરતથી ફોરવ્હીલમાં આ 'માલ' જંગલેશ્વરમાં છેક ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. યુરિયા ખાતરની પ્લાસ્ટીક બેગ જેવા કોથળામાં જુદા-જુદા પેકમાં ૨૦ કિલો જેટલો ગાંજો વ્યવસ્થિત રીતે પેક કરી ઉપર પ્લાસ્ટીકની દોરીથી સીલ મારવામાં આવતું હતું. પ્રથમ દ્રષ્ટીએ કોઇને પણ શંકા ન જાય એ રીતે માલ પેક કરાતો હતો. પરમ દિવસે અને ગઇકાલે આવા ૨૦ કોથળા કાર મારફત આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(4:12 pm IST)