Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ત્રિગુણની આરાધના

પર્વાધિરાજ પર્યુષણનો સંબોધિ સંદેશ :

જયારે કોઇ વ્યકિત સહુથી દૂર થાય છે, ત્યારે જ તે 'સ્વ' નજીક આવે છે. જયાં સુધી તે બધાની નજીક છે ત્યાં સુધી તે પોતાની નજીક જઇ નથી શકતા, જયા સુધી પોતાની નજીક જઇ નથી શકતાં ત્યાં સુધી સિધ્ધોની નજીક જઇ નથી શકતા. જેને સિધ્ધોની નજીક જવું છે, તેને 'સ્વ'ની સમીપ જવું જ પડે છે અને સહુથી દૂર પણ થવું જ પડે છે.

જે સ્વની નજીક જાય છે તે ન કોઇથી દૂર રહે છે અને ન કોઇની નજીક હોય છે. સ્વની નજીક જવું એટલે પરમાત્માની નજીક જવું. જે પરમાત્માની નજીક હોય તેને ન કોઇનાથી દૂર થવું પડે કે ન કોઇની નજીક જવું પડે.

ત્રિગુણની આરાધના

પર્વાધિરાજ પર્યુષણ શું છે ? દૂરનાને નજીક કરવાનો અવસર છે કે નજીકનાને દૂર કરવાનો અવસર છે ?

પર્યુષણ દૂર રહેલાને નજીક કરે કે નજીકનાને દૂર કરે ?

પર્યુષણ આમ ગણો તો દૂર રહેલાને નજીક કરવા માટે છે અને નજીકનાને દૂર કરવા માટે છે. અર્થાત જયાં રાગ છે, જેના પ્રત્યે એટેચમેન્ટ છે તેનાથી દૂર થવાનું છે, એટલે કે અલિપ્ત થવાનું છે અને જેમના પ્રત્યે દ્વેષ છે તેમની નજીક જવાનું છે, તેમની ક્ષમાપના કરવાની છે અને તેમની સાથેની સમસ્યાનું સમાધાન કરવાનુ છે. આ જ છે પર્યુષણની આરાધનાનું જબરદસ્ત સિક્રેટ !

રાગ ઘટાડવાનો છે અને દ્વેષને દૂર કરવાનો છે. માત્ર પ્રવચનોને સાંભળવાના નથી પણ પ્રેકટીકલ પ્રયોગ દ્વારા અનુભુતિ કરવાની છે અને ત્રિગુણની આરાધનાના સંકલ્પ સાથે પર્યુષણને સાર્થક કરવાના છે.

ત્રિગુણ એટલે ખામેમિ, મિચ્છામી અને વંદામિ....

'ખામેમિ સવ્વે જીવા' એટલે જગતના સર્વ જીવો સાથે ક્ષમાપના કરવી છે, 'મિચ્છામિ દુકકડમ' એટલે મારે જગતના સર્વ દુષ્કૃત્યોને  મિથ્યા કરવા છે અને 'વંદામિ' એટલે મારે મારા ઉપકારી દેવ, ગુરૂ અને ધર્મનું શરણું સ્વીકારવું છે. સર્વના શુભ, શ્રેય અને કલ્યાણની ભાવના ભાવવી છે. આ જગતમાં અનંતા જીવો એવા છે જેમને પર્યુષણ એટલે શું એ ખબર નથી, અનંતા જીવો એવા છે જેમને ક્ષમા, નમ્રતા, સરળતા, મૈત્રી, કરૂણા શું હોય છે ખબર નથી. અનંતા જીવો એવા છે જેઓ બકરીને કાપે છે અને મુર્ગીનું શાક ભોજનમાં વાપરે છે. અનંતા જીવો એવા છે જેઓ કેટલીય પ્રકારની હિંસાના પાપ કરે છે ત્યારે આપણે પરમ પુણ્યશાળી છીએ કે આપણને પાપથી બચવાનો અને ગુણોને પ્રગટ કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે અને આ અવસરને સહુથી દૂર થઇને અને સ્વની નજીક જઇને સાર્થક કરવાનો છે. આ જ પર્યુષણનું લક્ષ્ય છે.

આજ સુધી જેની નજીક ગયા છીએ, જેની જેની પાસે રહ્યા છીએ તે બધાને સુખી કર્યા છે કે દુઃખી ? અને એનું કારણ શું હોય શકે ? વ્યકિતનો સ્વભાવ, વ્યકિતના કર્મો, વ્યકિતની પરિસ્થિતિ કે વ્યકિતની મનઃસ્થિતિ ?? કારણ જે પણ હોય પણ, જેટલા નજીક એટલા દુઃખી વધારે ! જેટલા નજીક હતા તે કયારે દૂર થઇ ગયા ખબર જ ન પડી અને જેટલા દૂર હતા તે કયારે નજીક થઇ ગયા ખબર જ ન પડી. નજીકવાળા પર વિશ્વાસ હતો કે એ મારાથી કયારેય દૂર નહી થાય અને દૂરવાળા માટે કોઇ આશા ન હતી કે એ કયારેય નજીક આવશે. બધા વિચારો અને બધી માન્યતાઓ ખોટી થઇ ગઇ અને આ બધુ થવાનું કારણ છે સ્વયંનો સ્વભાવ અને છતા વ્યકિત કહે છે, હું તેના કારણે દુઃખી છુ.

હું તેના કારણે દુઃખી છુ, એ મારો ભ્રમ છે.

કોઇ કોઇના કારણે દુઃખી થઇ જ ન શકે, કોઇ કોઇને દુઃખી કરી ન શકે. દુઃખનું કારણ હોય છે વ્યકિતનો પોતાનો સ્વભાવ અને એ સ્વભાવના કારણે જ તે સુખી અથવા દુઃખી હોય છે.

વ્યકિત દુઃખી થાય છે એના કર્મોના કારણે ! પોતાના કર્મો સિવાય કોઇ દુઃખી કરી જ ન શકે. વ્યકિત દુઃખી થાય છે સ્વયંની પરિસ્થિતિ અને મનઃસ્થિતિના કારણે !

એટલે જયારે આપણે કોઇની નજીક જઇએ છીએ ત્યારે આપણે સુખી ઓછા થઇએ છીએ અને દુઃખી વધારે કરીએ છીએ, કેમ ?

કેમકે, સંવતસરી પછી પણ સ્વભાવ સુધરતો નથી. સંવતસરી પછી પણ જે પરિવર્તન આવવું જોઇએ એ આવતુ નથી.

ઘણા માનતા હોય છે કે, તે વ્યકિતને દૂર કરી દઇશ તો હું સુખી થઇશ પણ પછી ખબર પડે કે તેને દૂર કરીને પણ દુઃખી જ થવાય છે. એટલે કોઇની નજીક જવામાં પણ દુઃખી થવાય છે અને કોઇની દૂર થવામાં પણ દુઃખી થવાય છે.

ન કોઇની નજીક, ન કોઇની દૂર !

સહુથી દૂર અને સ્વની નજીક !

પર્વાધિરાજ પર્યુષણ પર્વ કેમ ઉજવવા પડે ? સંવતસરી કેમ મનાવવી પડે ? ક્ષમાપના કેમ કરવી પડે ?

સર્વજ્ઞ ભગવાન કહે છે,

જયા સંબંધ છે ત્યા સમસ્યા છે.

સમસ્યાનું જો સમયસર અને વહેલાસર સમાધાન કરવામાં ન આવે તો સમસ્યા વધતી જ જાય છે અને વધતી સમસ્યા વ્યકિતના મનને, વચનને અને કાયાને અશાંત કરી દે છે. જયારે મન, વચન અને કાયા અશાંત થાય છે ત્યારે તેની સીધી અસર આત્મા પર પડે છે અને આત્મા પણ અશાંત થઇ જાય છે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વ અશાંતને શાંત કરવાનું પર્વ છે.

સંવતસરી સમસ્યાનું સોલ્યુશન માટે હોય છે.

પર્યુષણએ સહુથી દૂર થઇ, સ્વ આત્માની નજીક જવાનો અવસર છે.

જગતના મોટાભાગના ઉત્સવો કાં પરમાત્મા તરફ લઇ જનારા હોય છે અથવા મનોરંજન કરાવનારા હોય છે યા ભોગ કે સામગ્રી તરફ લઇ જનારા હોય છે યા આદાન-પ્રદાન કરાવનારા હોય છે. એક પર્વાધિરાજ પર્યુષણ પર્વ એવું છે જે તમને સહુથી દૂર કરીને, તમને તમારી જ નજીક લઇ જાય છે. સહુથી દૂર થઇને સ્વ તરફ જવાની પ્રોસેસ જયારે શરૂ થાય છે ત્યારે શરૂઆતમાં વ્યકિતને થોડી તકલીફ થાય છે. થોડુ આકરૂ લાગે છે, પણ ધીમે ધીમે જેમ જેમ અનુભવ થતો જાય છે તેમ તેમ રીયલાઇઝ થવા લાગે છે કે સ્વની નજીક જવામાં ખરેખર શાંતિ છે, સાચુ સુખ છે અને આ જ આ માનવ ભવની સાર્થકતા છે.

સહુથી જયારે દૂર થઇએ છીએ ત્યારે જ સ્વની નજીક જઇ શકીએ છીએ. જયાં સુધી દૂર નથી થવાતું ત્યાં સુધી નજીક નથી પહોચાતું.

બીજું સ્ટેપ છે,

ન કોઇની નજીક, ન કોઇની દૂર !

આવું શા માટે? પરમાત્મા કહે છે, કોઇની નજીક થવાથી રાગ થાય છે અને કોઇનાથી દૂર થવાથી દ્વેષ થાય છે, રાગ અને દ્વેષ ન કરવા હોય તો ન કોઇની નજીક જવું ન કોઇની દૂર ! આ એવું બેલેન્સ છે જેને કરવા માટે પરમાત્મા જેવા લેન્સ હોવા જોઇએ. જેને બેલેન્સ કરતા આવડે તેને પર્યુષણ ઉજવવાની કે સંવતસરી મનાવવાની જરૂર ન પડે.

પર્વાધિરાજ પર્યુષણ આપણને આ બેલેન્સ કરતા શીખવે છે.

ફરિયાદનું સોલ્યુશન...

વીતરાગ પરમાત્મા... પરમાત્માને વિતરાગ શા માટે કહેવાય છે ? વિતરાગની વ્યાખ્યા શું હોય ? વિતરાગ  એટલે રાગ જેમનો વીતી ગયો છે, રાગ જેમનો ક્ષય થઇ ગયો છે.

કોઇ વ્યકિતને પાસે રાખવી કે દૂર રાખવી એ વ્યકિતના સ્વયંના હાથમાં હોય છે. સ્વયંના વિચારો પર આધારિત હોય છે.

કેટલાક એવા હોય જે જોજન દૂર છતા પણ સાવ નજીક હોય અને કેટલાક એવા હોય સાવ નજીક હોય છતા પણ જોજન દૂર હોય.

પર્યુષણમાં મુખ્યત્વે લોકો બે કાર્યો કરે છે. એક પ્રતિક્રમણ અને એક ક્ષમાપના !

પાપોના પ્રાયશ્ચિત રૂપે હોય છે પ્રતિક્રમણ અને સંબંધોને સુધારવા માટે હોય છે ક્ષમાપના !

લાઇફને એકદમ સહજ અને શાંતિપૂર્ણ પસાર કરવી હોય તો સૌથી વધારે લાઇફને ડીર્સ્ટબ કરવાવાળા તત્વને ઓળખી લેવા જોઇએ. સૌથી વધારે ડીસ્ટર્લ કોણ કરે ? પારકા કે પોતાના ?

રોડ ઉપરથી પસાર થતા કોઇ સાયકલ કે કારવાળા છાંટા ઉડાડે તો પ-૧૦ મીનીટ એના ઉપર ગુસ્સો કરી લ્યો, પછી એ યાદ પણ ન આવે પણ ઘરની કોઇ વ્યકિતએ બે શબ્દ કહી દીધા હોય તો બે દિવસ કે બે મહિના સુધી ભૂલાય નહી. કદાચ બે વર્ષે પણ યાદ હોય ! ઘરની વ્યકિત નજીક છે અને એના પ્રત્યે રાગ છે, રાગ છે એટલે દ્વેષ છે.

જો રાગ ન હોય તો દ્વેષ પણ ન હોય.

રસ્તે જતી વ્યકિત પ્રત્યે રાગ નથી એટલે દ્વેષ પણ ન આવ્યો.

જે નજીક હોય, જેના પ્રત્યે રાગ હોય તેના માટે સંવતસરી ક્ષમાપના હોય, પારકા માટે સંવતસરી કયારેય ન હોય.

નાનપણથી લઇને આજ સુધી લાઇફમાં કેટલા પાત્રો બદલાય ગયા ? નાનપણના મિત્રો જૂદા હતા, સ્કુલમાં જૂદા હતા, કોલેજમાં જૂદા હતા, હવે બિઝનેશમાં પણ જૂદા છે. જેટલા દૂર થયા છે તે તમારા સ્વભાવના કારણે દૂર થયા છે કે એના સ્વભાવના કારણે ? છતા માણસ માત્ર ફરિયાદ બીજાની જ કરે છે.

ફરિયાદના સોલ્યુશન માટે હોય છે પર્વાધિરાજ પર્યુષણ.

ઘણીવાર એવું પણ બને કે કોઇ વ્યકિત લાગે કે તે આપણાથી દૂર થઇ ગઇ છે, પણ હકીકતમાં એ દૂર ન થઇ હોય... એની પરિસ્થિતિ અને સંયોગો એવા સર્જાયા હોય કે, તમને લાગે તે મારાથી દૂર થઇ ગયાં છે. જેવી મનમાં આ માન્યતા ફીટ થઇ જાય એટલે પછી વાતવાતમાં રીએકશન્સ આવવાના શરૂ થઇ જાય. બધા જ રીએકશન્સના સોલ્યુશન લાવવા માટે છે પર્યુષણ અને પર્યુષણ આપે છે એક શ્રેષ્ઠ સોલ્યુશન ! વિતરાગ દશાનું ! ન કોઇની નજીક, ન કોઇથી દૂર !

ભગવાન મહાવીર ગૌતમની નજીક હતા કે ગૌતમથી દૂર હતા ? ભગવાન મહાવીર ચંદનબાળાની નજીક હતાં કે ચંદનબાળાથી દૂર હતા ? ભગવાન મહાવીર તમારી પાસે છે કે તમારાથી દૂર છે ?

તમે એમ કહી શકો કે ભગવાન મહાવીર તમારાથી દૂર છે ? ના !

તો શું તમે એમ કહી શકો કે ભગવાન મારી પાસે છે ? ના !

ભગવાન મહાવીર નથી પાસે કે નથી દૂર !

બસ ! આ જ છે લાઇફની બેસ્ટ સ્થિતિ !

વિતરાગ દશા અંશે પણ હોય અને સર્વાંશે પણ હોય. વિતરાગ દશા દસ ટકા, વીસ ટકા, પચાસ ટકા અને સો ટકા હોય શકે.

હર એક વ્યકિતને વિતરાગ થવું છે. હર એક વ્યકિતનું લક્ષ્ય હોય છે વિતરાગ પરમાત્મા બનવાનું ! બધાને સો ટકા વિતરાગદશા લાવવી છે કેમકે ધર્મ કરીને પણ ફળશ્રુતિ તો આ જ છે.

વિતરાગ દશા લાવવા માટે શરૂઆત કયાંથી કરવી જોઇએ ?

વિતરાગ દશાની શરૂઆત કરવા માટે નકકી કરો કે આજથી હું કોઇપણ વસ્તુને ફેંકીશ નહી, કોઇપણ વસ્તુ પ્રત્યે અણગમો કરીશ નહી.

વિચાર કરો.... વ્યકિતને સૌથી વધુ અશાંત કોણ કરે ?

વ્યકિત કે વસ્તુ ?

વ્યકિત વધારે અશાંત કરે અને વસ્તુ ઓછી કરે.

પર્યુષણનો સંકલ્પ કરો કે, આજથી મારે વસ્તુની નજીક નથી જવુ.

માનો કે, તમારો મોબાઇલ ચાલતો નથી. તમે ઘણી ટ્રાય કરી, છેવટે કંટાળીને શુ કર્યુ ? મોબાઇલનો ઘા કર્યો કે શાંતિથી, પ્રેમથી એક બાજુ મૂકી દીધો ??

જયાં સુધી આપણને અનુકુળ હોય છે ત્યાં સુધી આપણે પંપાળીએ છીએ અને જેવુ પ્રતિકૂળ થાય એટલે પછાડીએ છીએ, પછી એ વસ્તુ હોય કે વ્યકિત હોય !

ભગવાન કહે છે જેટલુ પાપ વ્યકિત પ્રત્યેના અણગમાનું લાગે છે, એટલુ જ પાપ વસ્તુ પ્રત્યેના અણગમાનું પણ લાગે છે.

ક્ષમાપના જેટલી વ્યકિત માટે કરવાની જરૂર છે એટલી વસ્તુ માટે પણ કરવાની જરૂર છે.

વસ્તુ તૂટી જાય કે બગડી જાય તેને કયારેય ફેંકાય નહી, તેને છોડવી પડે તેમ છે તો આસ્તેથી વ્યવસ્થિત રીતે મૂકવી જોઇએ.

વસ્તુને ફેંકવી અને વસ્તુને છોડવી એ બંને અલગ વાત છે. અંદરમાં જો અશાંતિ હોય તો જ વસ્તુનો ઘા થાય, અંદરમાં અકળામણ હોય તો જ વસ્તુને ફેકવાનુ મન થાય. વસ્તુને પછાડવાનું મન થાય.

પર્યુષણમાં આ જ શીખવાનું છે કેમકે પર્યુષણને સંબંધ છે આપણી સાયકોલોજી સાથે, પર્યુષણને સબંધ છે આપણી માનસિકતા સાથે અને પર્યુષણને સંબંધ છે આપણી અંદરના ભાવ સાથે !

દ્રવ્યથી ગમે તેટલી સામાયિક કરો કે ઉપવાસ આદિ કરો પણ જયાં સુધી આંતરિક ભાવનાનું શુધ્ધિકરણ ન થાય ત્યાં સુધી પરિવર્તન આવતુ નથી. વાત બહુ નાની લાગે એવી છે પણ તેના ઉપર ચિંતન કરશો તો ખબર પડશે દિવસમાં જેમ પાંચ કે દસ વસ્તુ ફેંકાય જાય છે એમ પાંચ કે દસ વ્યકિત ઉપર શબ્દો પણ ફેંકાય છે. હા, કોઇ વ્યકિતને સુધારવી હોય, એનામાં પરિવર્તન લાવવું હોય તો કયારેક સ્ટ્રીક થવું પડે પણ ભગવાન કહે છે અનુશાસન પણ ફેકનારૂ ન હોવુ જોઇએ. અનુશાસન પણ સામેવાળી વ્યકિત તૂટી જાય એવું ન હોવું જોઇએ.

પણ આપણી ખોટ છે કે વસ્તુને કે પદાર્થને કદાચ આપણે પ્રેમથી લઇએ છીએ અને મૂકીએ છીએ કેમકે, એના તૂટવાથી નુકશાન થાય છે.

નુકશાન શેનું થાય છે ? રૂપિયાનું !

પણ જયારે સંબંધો તૂટે છે ત્યારે નુકશાન લાઇફ ટાઇમનું થાય છે.

વીતરાગદશાને પામવાનો પુરૂષાર્થ કરવો એ જ પર્યુષણના દિવસનો સંબોધિ સંદેશ છે.

(4:02 pm IST)