Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાજકોટમાં ઘંટેશ્વર-માધાપર અને મનહરપુર ગામનો સમાવેશ કરાતા તા.પં. પ્રમુખ ઘોઘુભા અને યુવા ક્ષત્રીય અગ્રણી ખોડુભા દ્વારા આતશબાજી અને પેંડા વેચાયા

રાજકોટઃ રાજકોટ શહેરમાં ઘંટેશ્વર-માધાપર અને મનહરપુર ગામને ભેળવવાના ઐતિહાસિક નિર્ણયને ઘંટેશ્વરના ક્ષત્રીય અગ્રણી તથા તાલુકા પંચાયતના પ્રમુખ પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા તથા યુવા ક્ષત્રીય અગ્રણી કૃષ્ણરાજસિંહ (ખોડુભા) મહિપતસિંહ જાડેજાએ વધાવી લઇ ત્રણેય ગામના આગેવાનો અને વિવિધ સોસાયટીના આગેવાનોએ સાથે આતશબાજી કરી પેંડા વેચ્યા હતા. શહેરમાં માધાપર ગામ, મનહરપુર અને ઘંટેશ્વર તેમજ અયોધ્યા સોસાયટી, વિનાયક વાટીકા સોસાયટી, શેઠનગર, સૈનિક સોસાયટી, નંદનવન સોસાયટી સહીતની સોસાયટીઓનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવાના નિર્ણયને વધાવી લીધો હતો અને આગામી દિવસોમાં ઉકત ત્રણેય ગામ અને તેના તાબા હેઠળ આવતી સોસાયટીઓમાં નળ કનેકશન, રોડ, રસ્તા સહિતની પ્રાથમીક સુવિધાઓ મળનાર હોય લોકોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. તાલુકા પંચાયતના પ્રમુખ પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા તથા ક્ષત્રીય યુવા અગ્રણી કૃષ્ણરાજસિંહ (ખોડુભા) મહિપતસિંહ જાડેજા, ઘંટેશ્વરના સરપંચ રઘુવીરસિંહ જાડેજા, માધાપરના અગ્રણી દિનેશભાઇ ઢોલરીયા, વશરામભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, મોટામવાના વિજયભાઇ કોરાટ, જીલ્લા પંચાયતના સદસ્ય શૈલેષભાઇ પટેલ, અયોધ્યા સોસાયટીના ભરતભાઇ ત્રિવેદી, વિનાયક વાટીકા સોસાયટીના રામદેવસિંહ, શેઠનગર સસાયટીના રાજદીપસિંહ, સૈનિક સોસાયટીના સહદેવસિંહ, નંદનવન સોસાયટીના જયપાલસિંહ, મનહરપુરના જયેશભાઇ શિયાળ, ચોથાભાઇ ભરવાડ, માધાપરના ઉપસરપંચ હકુભાઇ કોળી, લાલાભાઇ ચાવડા તથા બીપીનભાઇ દવે સહીતના અગ્રણીઓએ આતશબાજી કરી પેંડા વેચી ખુશાલી વ્યકત કરી હતી. તસ્વીરમાં ઘંટેશ્વર-માધાપર અને મનહરપુર ગામમાં ઢોલ-નગારા વગાડી આતશબાજી કરાઇ હતી તે દ્રશ્યમાન થાય છે. બાજુમાં યુવા ક્ષત્રીય અગ્રણી કૃષ્ણરાજસિંહ (ખોડુભા) મહિપતસિંહ જાડેજા તથા તાલુકા પંચાયતના પ્રમુખ પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા દ્રશ્યમાન થાય છે. નીચેની તસ્વીરમાં તાલુકા પંચાયતના પ્રમુખ પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) ત્રણેય ગામના આગેવાનો અને વિવિધ સોસાયટીના આગેવાનોને પેંડા ખવડાવી ખુશહાલી વ્યકત કરતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)