Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રૈયાધારમાં લતાબેન મકવાણાનું દાઝી જતા મોતઃ પરિવારનો આક્ષેપ

સાસરીયાઓના ત્રાસના કારણે પરીણિતાએ આપઘાત કર્યાનો ભાઈ જેન્તીભાઈ વાણીયાનો આક્ષેપ

રાજકોટ, તા. ૧૨ :. રૈયાધાર મફતીયાપરામાં સાસરીયુ અને લીંબડીના અંકેવાડીયામાં માવતર ધરાવતી વણકર પરીણિતાનું દાઝી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. સાસરીયાના ત્રાસથી કંટાળી તેણે આત્મહત્યા કર્યાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતી લતા ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૫) ગત તા. ૬-૬ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે સાડીનો છેડો અડી જતા દાઝી જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી, ત્યાં ગઈકાલે તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક લતા લીંમડીના અંકેવાડીયામાં માવતર ધરાવતી હતી. તેના ૪ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. તે બે વર્ષ રીસામણે હતી અને ત્રણ માસ પહેલા રૈયાધાર મફતીયાપરામાં આવી હતી. તેને સાસરીયાઓ અવારનવાર મેણાટોણા મારી મારકુટ કરી ત્રાસ આપતા હોય તેના કારણે લતાબેને આપઘાત કર્યો હોવાનો તેણીના ભાઈ જેન્તીભાઈ ઓઘડભાઈ વાણીયાએ આક્ષેપ કર્યો છે. આ અંગે પીએસઆઈ કે.જે. વાઘોસીએ તપાસ આદરી છે.(૨-૧૮)

 

(2:42 pm IST)