Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાજકોટમાં ઉદ્યોગોને છુટ પણ વેપાર ધંધાને કેમ નહી ? વેપારીઓમાં ઉઠયો સવાલ

રાજકોટ : આજે રાજય સરકારે રાજકોટમાં ઉદ્યોગોને કલેકટરની પરવાનગી સાથે ગુરૂવારથી કામકાજ શરૂ કરવાની છુટ આપી પરંતુ શહેરમાં વેપાર ધંધાને છુટ નહી આપતા વેપારીઓમાં ભારે રોષની લાગણી જન્મી હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં વેપારીઓ લાંબા સમયથી લોકડાઉન ખુલવાની આશા રાખીને બેઠા છે ત્યારે આજની જાહેરાતથી વેપારીઓમાં ભારે નિરાશાની લાગણી જન્મી છે. રાજકોટના વેપારીઓનું કહેવું છે કે જંગલેશ્વરને બાદ કરતા સમગ્ર રાજકોટમાં વેપાર ધંધાને તત્કાલ છુટ મળવી જોઇએ. રાજય સરકારે તત્કાલ આ અંગેની કોઇ જાહેરાત પણ કરવી જોઇએ. લાંબા સમયથી લોકડાઉનના કારણે વેપારીઓમાં હવે નારાજગી સાથે આર્થિક તંગી પણ સામે આવીને ઉભી છે ત્યારે વેપાર ધંધા વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. રાજ્ય સરકારે શહેરમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ આ જાહેરાત અધકચરી હોય તેવું જણાય છે, કારણ કે શહેરમાં ઉદ્યોગોની સંખ્યા બહુ જુજ હોય છે જ્યારે છૂટક દુકાનો, બજારો વગેરેનું પ્રમાણ વધુ હોય છે ત્યારે સરકારે ઉદ્યોગોને છૂટ આપી છે તે આવકાર્ય છે પરંતુ સાથે સાથે નાના વેપારીઓ જેની સાથે સંકળાયેલા છે તે વિવિધ પ્રકારની દુકાનો પણ શરૂ કરવા મંજૂરી આપવી જોઇએ તેવી પણ માંગણી ઉઠી છે.

(4:06 pm IST)