Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કોરોનાના દર્દીઓને સંપુર્ણ સ્વસ્થ કરવાના શપથ લીધા

આજે ફલોરેન્સ નાઇટિંગલની ૨૦૦મી જન્મ જયંતિની ઉજવણી નિમીતે બાળકોને ફ્રુટનું અને પોલીસને માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ : છેલ્લા શ્વાસ સુધી દર્દી નારાયણની સેવા કરવી એ જ અમારું ધ્યેયઃ નર્સિંગ હેડ હિતેન્દ્ર ઝાખરીયા

રાજકોટ તા. ૧૨: આધુનિક નર્સિંગના પ્રણેતા તરીકે જગવિખ્યાત ફલોરેન્સ નાઇટિંગલની આજે ૧૨મી મેના રોજ ૨૦૦મી જન્મજયંતિ હોઇ આ દિવસને વિશ્વભરમાં નર્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત આજે સિવિલ હોસ્પિટલ નર્સિંગ હોસ્ટેલના પટાંગણમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને નર્સિંગ હેડ હિતેન્દ્ર ઝાખરીયાની રાહબરીમાં ઉજવણી કરવામાં આવી હતી. તમામ નર્સિંગ સ્ટાફે દિપ પ્રગટાવી શપથ લીધા હતાં કે અમે સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કોરોનાના  દર્દીઓને સંપુર્ણ સ્વસ્થતા બક્ષી ઝડપથી સાજા કરી પરત ઘરે મોકલવા સુધીની ફરજ બજાવીશું.

ઉજવણી અંતર્ગત શપથ લેવા ઉપરાંત શહેર પ્ર.નગર પોલીસના સ્ટાફ અને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફને માસ્ક તથા સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આ સ્ટાફ પણ સતત સાથ સહકાર આપી રહ્યો છે. આ ઉપરાંત ઝૂપડપટ્ટીના રહેવાસીઓને પણ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરાયું હતું. તેમજ બાળકોની હોસ્પિટલમાં બાળ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું હતું. હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દીઓને અમે છેલ્લા શ્વાસ સુધી સેવા કરીને સાજા કરીશું એ જ હાલના દિવસોમાં અમારો નિર્ધાર છે. નર્સિંગ મેનેજમેન્ટ હેડ રાજેશ કાગડાએ કહ્યું હતું કે ૨૮ વર્ષની સર્વિસમાં અમે અનેક ઉતાર-ચડાવ જોયા છે. પણ કોરોનાની મહામારીએ ખરી પરિક્ષા લીધી છે. પરંતુ અમે આ પરિક્ષામાં ઉતિર્ણ ઉતરી રહ્યા છીએ એની ખુશી છે. અમારો સમસ્ત નર્સિંગ પરિવાર આ માટે અભિનંદનને પાત્ર છે. નોંધનીય છે કે ફલોરેન્સ નાઇટિંગલ નર્સ હોવાની સાથે સાથે સારા સમાજ સુધારક અને આંકડા શાસ્ત્રી પણ હતાં. તેમનો જન્મ ઇટાલીના ફલોરેન્સ શહેરમાં ૧૨ મે ૧૮૨૦ના થયો હતો. તેઓ ક્રિમીયન વોર વખતે નર્સિસને ટ્રેનિંગ આપતા હતાં. તેમણે તે વખતે વોરમાં ઘવાયેલા સૈનિકોની પણ ઉમદા સેવા કરી હતી. તેઓ મેડિકલ ટુરિઝમના પણ પ્રણેતા ગણાય છે. આજે સિવિલના તમામ નર્સિંગ સ્ટાફ ભાઇ-બહેનોએ કોવિડ-૧૯ના સમયમાં ફલોરેન્સ નાઇટિંગલે ચીંધેલા માર્ગે ચાલવાનો પણ નિર્ણય કર્યો હતો. તેમણે પર્સનલ હાઇજીન, સેનીટેશન અને હેન્ડવોશ પર ખાસ ભાર મુકયો હતો.

(3:06 pm IST)