Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

શ્રી મુરલીધર શૈક્ષણિકમાં યોજાયેલ શાનદાર ફનફેર

 રાજકોટ : અત્રે વર્ધમાનનગર ખાતે આવેલ મુરલીધર શૈક્ષણિક સંકુલમાં ફનફેર-ર૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ આ ફનફેરમાં ઇનોવેટીવ સ્કુલનાં અંગ્રેજી માધ્યમના વડા મોનાબેન રાવલ અને ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલના વડા મોનિકાબેન ચૌધરી તેમજ શાળા સંચાલક દર્શિતભાઇ જાની અને નિરેનભાઇ જાની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન બાદ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મહેમાનોએ મુલાકાત લીધી હતી. જેમાં વન મિનિટ, રાયફલ શુટીંગ જેવી ગેઇમસ જોઇને મહેમાનો ખુબ જ પ્રભાવિત થયા હતા. ફનફેરમાં વેચાણ વિભાગમાં ઇમીટેશન જવેલરી, કિચનવેર, મોબાઇલ એસેસરીઝ, ઘર બસા કે દેખો, રેડીમેઇડ વસ્ત્રો, સ્ટેશનરી વગેરેના વેચાણ દ્વારા વિદ્યાર્થીઓને વેપાર વાણિજયનો વ્યવહારૂ અનુભવ મેળવ્યો.  ગેઇમ ઝોનનાં વન મિનિટ કોઇન માસ્ટર, નિશાનબાજી, વોટર બોલ, કવર ધ સ્પોટ વગેરેમાં વિદ્યાર્થીઓે ભાગ લીધો હતો. ફનફેરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા ફૂડઝોનમાં ભારે આકર્ષણ જમાવેલ ટોકન બંધ કરવા પડયા હતા. વિદ્યાર્થીઓએ પોતે જાતે વસ્તુઓ બનાવીને વેચાણ કર્યુ જેમાં ચાઇનીઝ ભેળ, પાણીપુરી, ભેળ, દાબેલી, ઘુઘરા, ચોકલેટ, અમેરિકન મકાઇ, ઠંડા પીણા, સેન્ડવીચ, ચાટપુરી, પફ અને કેક વગેરે વાનગીઓ સ્થળ પર બનાવવામાં આવી હતી.  સવારના ૯ થી સાંજે પ સુધી યોજાયેલ ફનફેરમાં વિશાળ વિદ્યાર્થી સમુદાય, વાલી સમુદાય તેમજ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. શાળા સંચાલક દર્શિતભાઇ જાનીએ સર્વેને અભિનંદન પાઠવ્યા. પૂર્વીબેન જાની અને તૃપ્તિબેન જાનીએ સાથે રહીને સંસ્થાના રેશમાબેન, જાગૃતિબેન વ્યાસ, અર્ચનાબેન ત્રિવેદી અને કીર્તિબેન દવેએ આ ફનફેરને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)