News of Tuesday, 12th February 2019
રાજકોટ તા.૧૨: મવડી પ્લોટના નવલનગરમાં રહેતી ૧૯ વર્ષની આહિર યુવતિ ૮મીએ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પોલીસને જાણ કરી હતી. કોલ ડિટેઇલને આધારે તપાસ થતાં પડોશમાં જ રહેતાં પરિણીત આહિર શખ્સના નંબર નીકળતાં આ શખ્સ ગભરાઇને રાજકોટ છોડી પરમ દિવસે ભાગી ગયો હતો. દરમિયાન પરમ દિવસે યુવતિએ ધ્રાંગધ્રા પાસે ઝેરી ટીકડી પી લેતાં ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. એ પછી ગઇકાલે સવારે પરિણીત આહિર યુવાન પણ લીંબડી પાસે ઝેર પી લેતાં તેને રાજકોટ દાખલ કરાયો છે. પોતાના પર યુવતિને ભગાડી જવાયાની શંકા કરવામાં આવતાં પોતે દવા પી ગયાનું આ શખ્સે રટણ કર્યુ હતું. યુવતિને સુરેન્દ્રનગરથી રાજકોટ સિવિલમાં સારવાર અપાવી નારી સુરક્ષા કેન્દ્રમાં મોકલાઇ છે.
જાણવા મળ્યા મુજબ નવલનગર-૯માં રહેતી ધારા રાજેશભાઇ કોઠીવાર (ઉ.૧૯) નામની યુવતિ ૮મીએ ઘરેથી ગૂમ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગૂમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. મોબાઇલની કોલ ડિટેઇલની તપાસ થતાં નવલનગર-૯માં જ રહેતાં પરિણીત આહિર શખ્સ ભાવેશ સુખાભાઇ બોરીચા (ઉ.૩૬)ની સાથે આ યુવતિની વાત થયાનું ખુલતાં પોલીસે ભાવેશની શોધખોળ આદરતાં તે પણ ગાયબ મળ્યો હતો.
બીજી તરફ ૧૦મીએ રાત્રે ધારાએ ધ્રાંગધ્રા ચોકડીએ કોઇ ટીકડી પી લેતાં ધ્રાંગધ્રા અને ત્યાંથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ગઇકાલે ત્યાંની પોલીસે માલવીયાનગર પોલીસને જાણ કરતાં હેડકોન્સ. રાહીદભાઇ, દિલીપસિંહ અને મહિલા કોન્સ. સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર પહોંચ્યો હતો અને યુવતિને રાજકોટ લાવી સિવિલમાં સારવાર અપાવી હતી. તે સ્વસ્થ થયા બાદ રજા અપાઇ હતી.
બીજી તરફ ગઇકાલે સવારે નવલનગર-૯નો ભાવેશ બોરીચા પણ લીમડી પાસે ઝેર પી જતાં તેને પણ સિવિલમાં દાખલ કરાયો છે. ભાવેશના કહેવા મુજબ તે રિક્ષાચાલક છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. પોતે ધારાને ઓળખે છે આ કારણે તેણીને આર્થિક મદદ કરી હોઇ તેની સાથે ફોનમાં વાતચીત થઇ હતી. તે શા માટે ગુમ થઇ હતી તે અંગે પોતે જાણતો નથી. પોતે તેની સાથે હોવાની શંકા ઉભી થતાં ગભરાઇને પોતે પણ રાજકોટથી નીકળી ગયો હતો અને લીંબડી પાસે ઝેર પી ગયો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)