Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જંકશનમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા કેશોદના વણકર વૃધ્ધ મોહનભાઇ મકવાણાનું મોત

રાજકોટથી દિકરી જમાઇને મળ્યા બાદ જવુ'તું કેશોદ પણ ભુલથી બીજી ટ્રેનમાં ચડી ગયા...: પત્નિ શોભનાબેન ટિકીટ લઇને આવ્યા ત્યારે પતિનો મૃતદેહ જોવા મળ્યો

રાજકટ તા. ૧૨: કેશોદથી પોતાના પત્નિ સાથે રાજકોટ રહેતાં દિકરી-જમાઇના ઘરે આટો દેવા આવેલા વણકર વૃધ્ધ સવારે જંકશન રેલ્વે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી જતાં ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ વૃધ્ધને કેશોદ જવું હતું પણ ભુલથી બીજી ટ્રેનમાં ચડી ગયા હતાં, કોઇએ તેને જાણ કરતાં તે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી ગયા હતાં. આ વખતે તેમના પત્નિ ટિકીટ લેવા ગયા હતાં.

જાણવા મળ્યા મુજબ કેશોદમાં ગીતાનગર-૧માં રહેતાં મોહનભાઇ ગાંગાભાઇ મકવાણા (ઉ.૮૦) નામના વણકર વૃધ્ધ તેમના પત્નિ શોભનાબેન સાથે રાજકોટ રહેતાં દિકરી નિતાબેન રાકેશભાઇ સોલંકીને ત્યાં આટો દેવા આવ્યા હતાં. અહિથી બંને સવારે પરત કેશોદ જવા જંકશન સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાં પત્નિ શોભનાબેન ટિકીટ લેવા ગયા હતાં. એ વખતે મોહનભાઇ પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતાં અને ભુલથી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં ચડી ગયા હતાં. પણ આ ટ્રેન ચાલુ થઇ ત્યારે કોઇએ તેમને ગાડી કેશોદ નથી જતી તેમ કહેતાં તેમણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતાં ગબડી પડ્યા હતાં અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.

બીજી તરફ ટિકીટ લીધા બાદ પતિને શોભનાબેન શોધી રહ્યા હોઇ કોઇએ તેમને એક વૃધ્ધ કપાઇ ગયાની જાણ કરતાં તે જોવા જતાં પતિ જ કપાઇ ગયાની ખબર પડતાં કલ્પાંત સર્જાયો હતો. દિકરી જમાઇને જાણ થતાં તેઓ પણ સ્ટેશને દોડી આવ્યા હતાં. રેલ્વે પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક અગાઉ માંગરોળ-કેશોદ જીઇબીમાં લાઇન ઇન્સ્પેકટર હતાં. હાલ નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:55 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST