Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મચ્છોનગરના ભરવાડ યુવાનની હત્યામાં કેટલાક શખ્સોની પુછતાછઃ ભેદ અકબંધ

શનિવારે કોઠારીયા સોલવન્ટ નજીક પાણીના ટાંકા પાસેથી ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળી'તી

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની શનિવારે કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા નજીક આદર્શ ગ્રીનસીટી સામે આવેલા ખુલ્લા પટમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આજીડેમ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી કેટલાક શકમંદોની પુછતાછ કરી હતી. જો કે હજુ સુધી રહસ્ય ઉકેલાય તેવી કોઇ ચોક્કસ દિશા મળી નથી. પરંતુ આમ છતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની પોલીસ આશા સેવી રહી છે.

પરેશભાઇની લાશ મળી ત્યારે તેના ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને પરેશભાઇને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્યાનો ભોગ બનેલા આ યુવાનના ભાઇ કાળુભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.૪૫-રહે. મછોનગર)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ કે તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે તપાસ કરવા પોલીસે જુદી-જુદી દિશામાં દોડધામ આદરી હતી. હત્યાનો ભોગ બનનાર મોબાઇલ ફોન પણ વાપરતા નહોતાં. એ કારણે પોલીસને ટેકનીકલી કોઇ મદદ મળી શકે તેમ નથી. આમ છતાં વિસ્તારના સીસટીવી કેમેરા ચકાસવા તથા પરેશભાઇ સાથે કોણ-કોણ સંપર્કમાં હતાં? કોઇ સાથે માથાકુટ થઇ હતી કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તેને સંતાનમાં બે પુત્ર છે. ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડની તથા ટીમે કેટલાક શખ્સોની પુછતાછ કરી હતી. પરંતુ હજુ કોઇ ખાસ કડી મળી નથી.

(3:24 pm IST)