Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સરકારી પ્રેસ, જી.ટી.શેઠ હોસ્પિટલ, રેલ્વે કેમ્પસ, ધર્મેન્દ્ર કોલેજ સહિતના સ્થળોએ ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો ગણગણાટ

રાજકોટઃ શહેરમાં દિવસેને દિવસે મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદી - જુદી ૩ ટીમો દ્વારા સરકારી કચેરીઓ કે જ્યાં વિશાળ માનવ સમુહ હોય છે તેવી સરકારી પ્રેસ, જી.ટી.શેઠ હોસ્પિટલ, રેલ્વે કેમ્પસ તથા ધર્મેન્દ્ર કોલેજ સહિતનાં સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું.  આ ચેકીંગ દરમિયાન  ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરની ઉત્પતિ જોવા મળી હોવાનું કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર દિવસે જ કરડે છે. તથા ચોખ્ખા અને બંધિયાર તથા વરસાદી પાણીમાં ઉત્પન્ન થાય છે. આથી આવી કચેરીઓમાં કામ કરતા સ્ટાફ તથા કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા લાભાર્થીઓને ડેન્ગ્યુ થવાનું જોખમ રહેલું છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરી તથા હોસ્પિટલ, શાળા-કોલેજ સહિતનાં સ્થળોએ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં  આવી રહી છે. જે અન્વેય આજે મ્યુનિ. કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવતા સરકારી પ્રેસ માં ૬, જી.ટી.શેઠ હોસ્પિટલમાં ૫, રેલ્વે કેમ્પસમાં ૫ તથા ધર્મેન્દ્ર કોલેજમાં ૮ સહિત વિવિધ કુલ ૨૪ સ્થળોએ મચ્છરોના પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. (૨૮.૧)

 

(4:04 pm IST)