Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જામટાવર ચોકની ચારેય બાજુ સરકારી ઇમારતોની દિવાલ કપાત કરી ૧૨ ફુટ રસ્તો મોટો બનાવી શકાય

જામટાવર ચોકમાં રસ્તા પહોળા કરવા સરળ બનશે!! કરો પ્રારંભ

જામટાવર ચોકની તસ્વીરોમાં પ્રથમ સીએલએફ બંગલાના કવાર્ટર નજરે પડે છે જે કંપાઉન્ડની દિવાલ કરતા ઘણા અંદર છે તેવી જ રીતે ત્રીજી તસ્વીરમાં સામેની બાજુ વર્કિંગ વુમન હોસ્ટેલની છે ત્યાં પણ દિવાલ અને હોસ્ટેલના બિલ્ડીંગ વચ્ચે ઘણી જગ્યા જોવા મળે છે જેથી ત્યાં દિવાલ કપાત કરી રસ્તો પહોળો કરી શકાય તેમ છે.

રાજકોટ તા.૧૦ : ગુજરાત હાઇકોર્ટના ટ્રાફિક નિયંત્રણ કરવાના આદેશ બાદ અમદાવાદ મ્યુનિ.ના પગલે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ નગર પાલિકા અને પોલીસ તંત્રને ટ્રાફિક પ્રશ્ન સરળ બનાવવા ગેરકાયદે વાહન પાકિંંગ, પાર્કિંગ પ્લેસમાં દબાણ હોય તો દુર કરવા નવા પાર્કિંગ પોઇન્ટ બનાવવા વગેરે કામગીરી આરંભવા આદેશ આપેલ છે.

મુખ્યમંત્રીના આદેશના પગલે રાજકોટ મ્યુ.કોર્પો. અને પોલીસ તંત્રએ પણ રાજકોટનો ટ્રાફિક પ્રશ્ન હલ કરવા ઝુંબેશ આદરી છે. જે આવકારદાયક છે. છેલ્લા ઘણા દિવસમાં ગેરકાયદેસર વાહનોના પાર્કિંગ, પાર્કિંગ પ્લેસમાં થયેલા બાંધકામો તોડવા વિગેરે બાબતે ઝુંબેશ હાથ ધરી છે.

આમ જોઇએ તો રાજકોટની ટ્રાફિક સમસ્યાના મુળમાં રસ્તા વાહનોની સંખ્યા મુજબ ટુંકા પડે છે તે વાત આખા ગુજરાતમાં પ્રસ્થાપિત થઇ ચુકી છે. મતલબ કે વાહનોની સંખ્યા વધુ હોવાથી હાલના રસ્તાઓ પર વાહનોનું સરળતાથી અને ઝડપી (ખાસ કરીને મુખ્ય ચોકમાં સાઇડ સીગ્નલ બંધ હોય ત્યારે) આવાગમન થઇ શકતું નથી ટુંકમાં વાહનોની વધુ સંખ્યાને કારણે ગીચતા વધતા વાહનો ઝડપથી પસાર થઇ શકતા નથી.રાજકોટ મ્યુ.કોર્પોરેશનના કમિશનરે ટ્રાફિક પ્રશ્ન હલ કરવા શકય હોય ત્યાં રસ્તા પહોળા કરવાની કામગીરીને અગ્રતા આપવી જોઇએ જયાં કોઇ વિવાદ વગર રસ્તા પહોળા થઇ શકે તેમ હોય ત્યાં પહેલા રસ્તા પહોળા કરવા જોઇએ.

આપણે જામટાવર ચોકને નજર સમક્ષ રાખીએ તો જામટાવર ચોકમાં ટ્રાફિક સીગ્નલ ચાલુ થયા બાદ ટ્રાફિક વધુ રોકાવા લાગેલ છે. તેનું મુખ્ય કારણ જામટાવર ચોકમાં રસ્તા સાંકડા છે. માટે જામટાવર ચોકમાં આમ જોઇએ તો ચારેય દિશામાં (૧) સીએલએફ બંગલો સરકારી આવાસ (ર) સામેની બાજુએ પોલીસની કચેરી, ડોકટર્સ કવાર્ટર આગળ જતાં કલેકટરનો બંગલો તથા જામટાવર ચોકથી જીટી શેઠ હોસ્પિલ તરફ જોઇએ તો એક સાઇડ (૩) સિવિલ હોસ્પિટલમાં વર્કિંગ વુમન હોસ્ટેલ તથા સામેની સાઇડ (૪) અધિક્ષકશ્રી વાયરલેસ વિભાગની (પોલીસ વિભાગની કચેરી છે બંને ઇમારતો અને કંપાઉન્ડવોલ વચ્ચે ઘણું અંતર છે જેથી દિવાલ ૬ થી ૮ ફુટ અંદર લઇએ તો ઇમારતને નુકસાન થશે નહિ.

આમ જામટાવર ચોકમાં ચારેય બાજુ સરકારી ઇમારતો હોય  ચારેય ઇમારતોની મીનીમમ ૬ થી આઠ ફુટ બંને સાઇડ દિવાલો અંદર લેવામાં આવે તો જામટાવર ચોકમાં મીનીમમ ૧૨ થી ૧૫ ફુટ રસ્તો પહોળો થઇ શકે.

સરકારી કચેરીઓની માત્ર દિવાલો જ અંદર લેવાથી  રસ્તા પહોળા થઇ શકશે ઇમારતોને કોઇ નુકસાન પહોંચવાનું નથી ત્યારે મ્યુ.કમિશનર બંછાનિધિ પાની તથા મુખ્યમંત્રી સમક્ષ અથવા કમિશનર મનોજ અગ્રવાલે સરકારમાં જરૂર પડયે રાજયના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં જરૂરી દરખાસ્ત કરી અરજન્ટ કેસ તરીકે જમીન કપાત માટે પરવાનગી માંગવી જોઇએ.સમગ્ર રાજયમાં આ પ્રશ્ન હોય ગુજરાતના પ્રજાજનોના હિતમાં મુખ્યમંત્રી તેમજ બાંધકામ મંત્રી પરવાનગી પણ તુરંત આપી દેશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

સોૈપ્રથમ સવારે ૧૦ થી ૧૧  અથવા સાંજે ૬ થી ૭ વચ્ચે બંને અધિકારીઓએ સ્થળ પર વાહનોની આવક-જાવકનું નિરીક્ષણ કરવું જોઇએ જેથી સાચો ખ્યાલ આવી શકે.

(4:01 pm IST)