Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જામટાવર ચોકમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવાને કારણે ટ્રાફિકજામની સમસ્યાઃ એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે

આસપાસના રહેવાસીઓ અને જાગૃત નાગરિકની લેખિત રજૂઆતઃ અધિકારીઓ તાકીદે ઉકેલ લાવે તેવી લાગણી અને માંગણી

રાજકોટ તા. ૧૧: શહેરના અમુક ચાર રસ્તાઓ એવા છે જ્યાં જરૂર ન હોવા છતાં સિગ્નલ ચાલુ કરી સાઇડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ કારણોસર ટ્રાફિક સમસ્યા દૂર થવાને બદલે સમસ્યા બમણી બની ગઇ છે. એક લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના જામટાવર ચોકમાં કોઇપણ જાતની જરૂરિયાત ન હોવા છતાં સિગ્નલ ચાલુ કરાયા છે અને સાઇડ આપવામાં આવતી હોવાથી વાહનોની લાંબી લાંબી કતારો જામી જાય છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલે આવતી દર્દી સાથેની એક એમ્બ્યુલન્સ સિગ્નલ અને સાઇડ આપવાના નિયમને કારણે ફસાઇ ગઇ હતી. આ કારણે દર્દીની હાલત કફોડી થઇ ગઇ હતી.

લેખિત રજૂઆતમાં કોઇ જાગૃત નાગરિક કે જે લગભગ દરરોજ આ રસ્તેથી આવ-જા કરે છે તેણે જણાવ્યું છે કે જામટાવર ચોકમાં વર્ષોથી વસવાટ કરતાં લોકોને પણ કદી ટ્રાફિકની સમસ્યા નડી નથી. પરંતુ જ્યારથી સિગ્નલ ચાલુ થયા છે ત્યારથી તકલીફનો પ્રારંભ થઇ ગયો છે. જામટાવર આસપાસ રહેતાં લોકો અને જંકશન તથા આસપાસ રહેતાં લોકો કે જેઓ દરરોજ આ ચોકમાંથી વાહન પર આવ-જા કરે છે તેઓની ફરિયાદ છે કે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરીને સાઇડ આપવામાં આવતાં એક સાઇડ ચાર-પાંચ મિનીટો સુધી બંધ રહે છે. ત્યાં સુધીમાં વાહનોની લાંબી કતારો જામી જાય છે. નવી કલેકટર કચેરી તરફ, સિવિલ હોસ્પિટલ તરફ, જામનગર રોડ તરફ અને જંકશન તરફ જતાં રોડ પર આ કારણે સતત વાહનોની કતારો જામી જાય છે.

સિવિલ હોસ્પિટલે દર્દીઓને લઇને આવતી જતી એમ્બ્યુલન્સ પણ અવાર-નવાર આ ટ્રાફિક જામમાં ફસાઇ જાય છે. હનુમાન મઢી ચોકમાં પણ આ પ્રકારની સમસ્યા હતી. જેનો નિવેડો અધિકારીઓએ  લાવી દીધો છે. એ રીતે જામટાવર ચોકની આ સમસ્યાનો પણ તાકીદે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી અને લાગણી છે. તેમ રજૂઆતના અંતે જણાવાયું છે. (૧૪.૯)

(3:59 pm IST)