Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ત્રિકોણબાગે 'બાહુબલી રાજા'ની શાહી સવારી

હિરા - માણેક જડીત પોષાક અને રંગબેરંગી આભૂષણોથી શોભતા વિઘ્નદેવ રાજા સ્વરૂપે બિરાજશે : પંડિત દ્વારા દરરોજ ૧ કલાકની લાઈવ મહાઆરતી : ધર્મપ્રેમીજનોને જાહેર આમંત્રણ આપતા જીમ્મી અડવાણી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગણપતિ ઉત્સવને સાર્વજનિક જાહેર ઉજવણીનો નવો આયામ આપીને ગુંજતો કરનાર ''ત્રિકોણબાગ કા રાજા'' ગણપતિ મહોત્સવનો આગામી તા.૧૩ને ગુરૂવારથી રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે સુશોભિત વિશાળ પરીસરમાં મંગલ પ્રારંભ થશે.

તા.૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધીના ૧૧ દિવસ આસ્થાના માહોલમાં અવનવા કાર્યક્રમો સાથે યોજાનાર આ ૧૯મા ભકિતમય મંગલમૂર્તિ મહોત્સવની વિગતો આપતા ગણેશ ઉપાસનાના આ ધર્માયોજનના આદ્યસ્થાપક જીમ્મીભાઈ અડવાણી જણાવે છે કે ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેના રંગબેેરંગી રોશનીથી ઝગમગતા સુશોભિત પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણપતિજીની અનુપમ અને ભાવવાહી મૂર્તિમાં આ વર્ષે વિશેષતા એ છે કે, હજારો હીરા - માણેક જડીત પોષાક અને રંગબેરંગી આભૂષણોથી શોભતા વિઘ્નહર્તાદેવ રાજા સ્વરૂપે ભકતજનોને આર્શીવાદ આપતા હોય એવી મુદ્રામાં બિરાજમાન થશે. ગણપતિજીનું આવુ અલભ્ય દર્શન ગુજરાતમાં કયાંય જોવા નહિં મળે.

શિવસેના પ્રેરિત ''શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ'' દ્વારા રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ૧૯૯૯માં શરૂ થયેલ ગણપતિ ઉપાસનાનો આ મહોત્સવ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. સંપૂર્ણપણે સાર્વજનિક, બીન રાજકીય અને લોકભાગીદારીથી થતુ આ ધર્માયોજન લોકમાન્ય અને શ્રદ્ધા - ભકિતનું અનેરૂ આસ્થાધામ બન્યુ છે.

ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે પ્રસ્થાપિત થનાર આ વંદનીય અને દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવના ૧૧ દિવસ દરમિયાન દરરોજ રાત્રે ૮:૧૫ વાગ્યે - ચોક્કસ સમયે તમામ ધર્મ સંપ્રદાયના સન્માનનીય સંતો, સામાજીક અને રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા શહેરના ભકતજનોનો સમુદાય એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઈવ પૂજા - આરતી કરશે.

આ વર્ષે ગણેશ વંદના, સ્વર સાધના સહિતના કાર્યક્રમો ભાવિક દર્શકોનું આકર્ષણ બની રહેશે. અન્ય નવતર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નામી કલાકારોનો હાસ્ય દરબાર, ઈસ્કોન મંદિરનો ધૂન - નૃત્યનો ભકિત કાર્યક્રમ, આર્ટ ઓફ લીવીંગનો ભકિત સત્સંગ, કસુંબલ લોક ડાયરો, શ્રીનાથજીની ઝાંખીની ભકિત સંગીત સંધ્યા, અખાડાની એક કલાકની આરતી ઉપસ્થિત શ્રોતા - દર્શકોને મોજ કરાવશે.

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ-૨૦૧૮ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના સૂત્રધાર જીમ્મી અડવાણી તથા તેમની ટીમના જયપાલસિંહ જાડેજા, ભરત રેલવાણી, વિશાલ નેનુજી, ચંદુભાઈ પાટડીયા, કમલેશ સંતુમલાણી, સંજયભાઈ ટાંક, અભિષેક કણસાગરા, દિલીપભાઈ પાંધી, કુમારપાલ ભટ્ટી, અર્જુન બાવળીયા, નાગજીભાઈ બાંભવા, ભાવિન અધીયારૂ, બીપીન મકવાણા, વિશાલ કવા, નિરવ ડેડકીયા, નિલેશ ચૌહાણ, વિમલ નૈયા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૫)

૧૧ દિવસના કાર્યક્રમો

(૧) તા.૧૩ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ગણપતિજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા રાત્રે ૮:૧૫ વાગ્યે સમૂહ આરતી, રાત્રે ૮:૩૦ વાગ્યે ગણેશ વંદના કાર્યક્રમ. (૨) તા.૧૪ને શુક્રવારે - રાત્રે ૮:૩૦ વાગ્યે નામી હાસ્ય કલાકારોનો હાસ્ય દરબાર (૩) તા.૧૫ને શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે નાના બાળકો માટે જાહેર શ્લોક સ્પર્ધા, રાત્રે ૮:૩૦ વાગ્યે શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો. (૪) તા.૧૬ને રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે જાહેર રકતદાન કેમ્પ રાત્રે ૮:૩૦ વાગ્યે સ્વર સાધના વેરાયટી શો (૫) તા.૧૭ને સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે બહેનો માટે જાહેર મહેંદી સ્પર્ધા, રાત્રે ૮:૩૦ વાગ્યે કસુંબલ ચોક ડાયરો (૬) તા.૧૮ને મંગળવારે સાંજે ૫:૩૦ વાગ્યે બહેનો માટે જાહેર આરતી સ્પર્ધા રાત્રે ૮:૩૦ વાગ્યે ઈસ્કોન મંદિરના ધૂન - ભજન, રાત્રે ૯:૩૦ વાગ્યે આર્ટ ઓફ લીવીંગની ભકિત સંધ્યા (૭) તા.૧૯ને બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે વ્યસનમુકિત અંગે જાહેર પ્રવચન, રાત્રે ૮:૩૦ વાગ્યે ભવ્ય લોકડાયરો (૮) તા.૨૦ને ગુરૂવારે રાત્રે ૮:૩૦ વાગ્યે શ્રીનાથજીની ઝાંખીનો ભકિતસભર કાર્યક્રમ (૯) તા.૨૧ને શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે મહાઓમકાર અખાડાની એક કલાકની આરતી રાત્રે ૧૦:૩૦ વાગ્યે ભવ્ય બેન્ડ શો (૧૦) તા.૨૨ને શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા  રાત્રે ૮:૩૦ વાગ્યે જાહેર દાંડીયારાસ સ્પર્ધા (૧૧) તા.૨૩ને રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહૂતિ પૂજા, સવારે ૧૧:૩૦ વાગ્યે વિસર્જન યાત્રા, બપોરે ૧ વાગ્યે શિવસેના દ્વારા શહેરની વિસર્જન યાત્રાનું ત્રિકોણબાગ ચોક ખાતે સ્વાગત સન્માન.(૩૭.૫)

(3:56 pm IST)