Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સમસ્ત જૈન સમાજમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો માહોલ

આવતીકાલે કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવનું ચરિત્ર, ૨૧ તીર્થકરોના આંતરા અને શ્રી જંબુ સ્વામી આદિ મહાપુરૂષોના અસ્ત્ર પર પૂ.ગુરૂ ભગવંતો પ્રકાશ પાડશેઃ જિનાલયોમાં પરમાત્માની ભાવ્યાતિભવ્ય આંગીઃ રાત્રે ભકિત સંગીતઃ પાર્વધિરાજ પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં

રાજકોટ,તા.૧૧: સમસ્ત જૈન સમાજમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની તપ, ત્યાગ અને ધર્મ આરાધના સાથે ઉજવણી થઈ રહી છે. જૈન સંઘોમાં એકાસણા, બેસણું, છઠ્ઠ, અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમતા કે તેથી વધુ ઉપવાસની આારાધના પૂ.ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં ચાલી રહી છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશ્યું છે. ગુરૂવારે ક્ષમાનું પર્વ સંવત્સરી છે. સંવત્સરી પર્વના બીજા દિવસે તપસ્વીઓના પારણા તથા ક્ષમાપનાના કાર્યક્રમો યોજાશે.

આ વખતે  રાજકોટના ધનભાગ્યે જાગનાથ જૈન સંઘમાં આચાર્ય ભગવંત પૂ. શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રા છે. ત્યારે રોયલપાર્કઉપાશ્રયે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.આદિ ૭૫ સંત સતીજીઓની પાવન નિશ્રા છે.

આજે મૂર્તિપૂજક જૈન સમાજમાં કલ્પસૂત્રના વ્યાખ્યાન થશે. આવતીકાલે પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવનું ચરિત્ર, ૨૧ તીર્થકરોના આંતરા અને શ્રી જંબુ સ્વામી આદિ મહાપુરૂષોના ચરિત્ર પર પ્રવચન થશે.

જિનાલયોમાં પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગીની રચનાઓ થઈ રહી છે. ગઈકાલે જાગનાથ દેરાસર તથા પ્રહલાદ પ્લોટ દેરાસરમાં મૂળનાયક રૂપે ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હોઈ ભવ્યાતિત આંગીની રચના કરવામાં આવી હતી. જેના દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. રાત્રે ભકિતકારો દ્વારા પ્રભુના સ્તવનો (ભકિત સંગીત) રજૂ થઈ રહ્યા છે. માંડ વી ચોક દેરાસરમાં સોના, રૂપા, ચાંદીની લાખેણી  આંગી થઈ રહી છે. સર્વત્ર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો અનેરો માહોલ સર્જાયો છે.

 

(11:44 am IST)