News of Friday, 10th August 2018

લાયસન્સ વગર વાહનો હંકારતા છાત્રોના વાલીઓને પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવી સમજ અપાઇ

બાળકોને વાહનો ન આપવા સમજાવાયાઃ અકસ્માત સર્જાય તો વીમો પણ મળતો નથી : ગઇકાલે ૨૯૪ છાત્રો લાયસન્સ વગર મળ્યાઃ આજે સવારે ફરીથી ટ્રાફિક શાખાના ૩૮ કર્મચારીઓએ ફરી ડ્રાઇવ યોજી : હવે વિદ્યાર્થી લાયસન્સ વગર પકડાશે તો ૧૦૦૦નો દંડ, વાહન ડિટેઇનઃ ચાર મહિના કેદની સજાની પણ જોગવાઇ

 લાયસન્સ વગર વાહન હંકારી શાળાએ પહોંચેલા છાત્રો પાસેથી તેમના વાલીઓના નંબર મેળવી તમામને પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગત સાંજે બોલાવીને જેસીપી સિધ્ધાર્થ એમ. ખત્રી અને આરટીઓ અધિકારીઓએ સમજ આપી હતી તે ઉપરની તસ્વીરમાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં શાળાઓ ખાતે લાયસન્સ અંગે તપાસ કરી રહેલા ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવલ અને સંયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ એમ. ખત્રી દ્વારા લાયસન્સ વગર વાહનો ચલાવનારા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હોઇ તે અંતર્ગત અલગ-અલગ સ્કૂલો ખાતે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને મોકલી તપાસ કરાવવામાં આવતાં ગઇકાલે ૨૯૪ છાત્રો ડ્રાઇવીંગ લાયસન્સ વગર ટુવ્હીલર ચલાવતાં મળ્યા હતાં. આ છાત્રોનો અભ્યાસ ન બગડે તે હેતુથી તેના વાલીના નામ-નંબર મેળવી તેમને સાંજે પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવીને પોતાના સંતાનોને ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવવા ન આપે તે બાબતની સમજ આપવામાં આવી હતી. તેમજ હવે પછી આવું થશે તો દંડાત્મક કાર્યવાહી થશે તેવી પણ સમજ અપાઇ હતી. આરટીઓ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. 

ટ્રાફિકના નિયમોની જાણકારી ન હોવાથી અકસ્માત સર્જાયત ત્યારે બાળકોને ઇજા થાય અને સામેના વાહન ચાલકને પણ ઇજા થાય તે વખતે વીમાના નાણા પણ મળતાં નથી. આ બાબતની સમજણ તમામ છાત્રોના વાલીઓને આપવામાં આવી હતી. આ વખતે આરટીઓ શ્રી ડી. એમ. મોજીત્રા અને એઆરટીઓ શ્રી જે.વી. શાહ પણ હાજર રહ્યા હતાં અને વાલીઓને  બાળકોના લાયસન્સ કઇ રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. સાથો સાથ લાયસન્સ વગર પોતાના સંતાનને વાહન હંકારવા ન આપે તેવી સમજ આપી હતી. આમ છતાં કોઇ વાલી આવું કરશે તો લાયસન્સ વગર મળી આવનારા બાળકોના વાલી પાસેથી ૧૦૦૦નો દંડ વસુલી વાહન ડિટેઇન કરવામાં આવશે. આવા કેસમાં ચાર મહિના કેદની સજાની જોગવાઇ પણ છે.

આજે પણ સવારે પોણા સાત વાગ્યાથી શહેરની જુદી-જુદી સ્કૂલ ખાતે ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ મળી ૩૮ કર્મચારીઓને જુદી-જુદી શાળા ખાતે ડ્રાઇવમાં મોકલાયા હતાં. આ તમામે જુદી-જદી શાળાઓ ખાતે પહોંચી લાયસન્સ વગર વાહન લઇને આવેલા છાત્રોના વાલીના મોબાઇલ નંબર, નામ અને છાત્રના વાહનના નંબર નોંધ્યા હતાં. આ તમામને આજે સાંજે પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવી સમજ આપવામાં આવશે.

(4:09 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST