Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રામનાથપરામાંથી રીઢો તસ્કર વાંકાનેરનો રાહુલ પકડાયોઃ પાંચ ચોરીના ભેદ ખુલ્યા

એ-ડિવીઝનના પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએઅસાઇ વી. એમ. ડોડીયા અને ટીમની કામગીરીઃ ચાર મહિના પહેલા જેલમાંથી છુટ્યો ને ફરી આવા ધંધા ચાલુ કર્યા

રાજકોટ તા. ૧૧: મવડી પ્લોટ અને ગોંડલ રોડ પર ગોડાઉનમાં ચાર દિવસ પહેલા થયેલી બે ચોરી તથા બે બાઇક ચોરીના ગુના અને વાંકાનેરની સરકારી સ્કૂલમાં ચોરીના પ્રયાસનો ગુનો એ-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખી મુળ વાંકાનેરના રાહુલ અશોકભાઇ વિકાણી (ઉ.૨૦) નામના દેવીપૂજક શખ્સને રામનાથપરા જુની જેલ પાસેથી ઝડપી લીધો છે.

પીએસઆઇ વી.એમ. ડોડીયા, કોન્સ. અલ્પેશભાઇ વધેરા અને કોન્સ. કમલેશભાઇ મકવાણાની બાતમી પરથી રાહુલ દેવીપૂજકને  જીજે૩ઇબી-૬૯૨૪ નંબરના બાઇક તથા કોપર પ્લ્ેટોના ભંગારના કોથળા તેમજ લેનોવો કંપનીના લેપટોપ સાથે પકડી લીધો હતો. પુછતાછ થતાં પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં ચોરીઓની કબુલાત આપતાં ધરપકડ કરી હતી. પોતાની પાસેનું છ સાત દિવસ પહેલા માર્કેટ યાર્ડ સામે માસુમ સ્કૂલ નજીકથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. તેમજ અન્ય ટીવીએસ વાહન જીજે૩એકયુ-૬૭૬૬ પણ બે મહિના પહેલા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા મવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી રાત્રીના સમયે ચોરી કર્યાનું અને ગોંડલ રોડ પરના ગોડાઉનમાંથી છ દિવસ પહેલા ચોરી કર્યાનું કબુલ્યું હતું.

મવડી પ્લોટ-૮માં એનબીએમ ઇન્ડસ્ટ્રીઝના ડિસ્પેજ ડિપાર્ટમેન્ટમાંથી તેણે ૧૮ કિલો કોપર સહિતનો ૬૩ હજારનો માલસામાન ચોરી કર્યો હતો. આ મામલે દેવનગર-૩માં રહેતાં દિપકભાઇ નંદલાલભાઇ બાટાએ માલવીયાનગરમાં ફરિયાદ કરી છે.

આ ઉપરાંત ન્યુ ગાંધી સોસાયટી પાસે અક્ષરવાટીકા સોસાયટી સી-૧૦૪માં રહેતાં યોગેશભાઇ મેપાભાઇ ખોખલ (ઉ.૪૯) ગોંડલ રોડ પર ગુજરાત એલ્યુમિનીયમ નામે ગોડાઉન છે અને ત્યાં બેસી પોતે વેપાર કરે છે. ૪/૬ના સાંજે આઠ વાગ્યે ગોડાઉન બંધ કર્યુ હતું. ૫મીએ સવારે સાડાનવેક વાગ્યે ગોડાઉન ખાતે આવતાં દરવાજો ખુલ્યો નહોતો. તેની  ઓફિસનો કાચનો દરવાજો તોડી ૧૫ હજાર રોકડા તથા લેપટોપ અને ચાર્જર મળી ૨૭ હજારની મત્તા રાહુલે ચોરી હતી. આ મામલે પણ માલવીયાનગરમાં ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત આ શખ્સે વાંકાનેરની સરકારી શાળામાં ચોરીની કોશિષ કરી હતી. તે અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરાઇ છે.

પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા, એએસઆઇ ભરતભાઇ મહેતા, હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયા, કોન્સ. કમલેશભાઇ મકવાણા, અલ્પેશભાઇ વઘેરા સહિતે આ કામગીરી કરી હતી.

આ શખ્સ અગાઉ ભકિતનગર તથા વાંકાનેરમાં વાહનચોરીમાં પકડાયો હતો. ચાર માસ પહેલા જ ચોરીના ગુનામાં જેલમાંથી છુટ્યો હતો અને હવે ફરીથી ચોરી કરવા માંડ્યો હતો.

(3:39 pm IST)