Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઉઘરાણીના હવાલાના કામ મામલે શ્રીનાથજી સોસાયટીના રાહુલ સબાડને દિલજીતસિંહ ગોહિલે છરીના ઘા ઝીંકી દીધા

કાલાવડ રોડ પર પર અવધના ગેઇટ નજીક વહેલી સવારે ધબધબાટીઃ દરબાર શખ્સે પોતાને પટેલ યુવાન પાસેથી બે લાખ લેવાના હોઇ તેનો હવાલો રાખી લેવા કહેતાં રાહુલે ના પાડતાં હુમલોઃ ઘાયલ રાહુલ સબાડ અને તેને બચાવવા વચ્ચે પડેતાં આંગળીમાં ઇજા પામનાર મિત્ર કાનો મિંયાત્રા

રાજકોટ તા. ૧૧: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રાહુલ પ્રભાતભાઇ સબાડ (ઉ.૨૨) નામના આહિર યુવાનને વહેલી સવારે પાંચેક વાગ્યે કાલાવડ રોડ પર અવધ કલબના ગેઇટ નજીક હતો  ત્યારે તેની  સાથે જ ઉઠક-બેઠક ધરાવતાં નિર્મલા રોડ પર રહેતાં દિલજીતસિંહ ગોહિલ અને અજાણ્યા બે ત્રણ જણાએ હુમલો કરી માર મારી પડખા-માથામાં છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રાહુલ બે બહેનનો એકનો એક ભાઇ છે અને પિતા હયાત નથી. તેના નાનીમા ખીમીબેનને ઓપરેશન માટે વિદ્યાનગર રોડની હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ તે રાત્રીના સાડાબાર-એક સુધી ત્યાં હતો. બાદમાં મિત્ર કાનો ધીરૂભાઇ મિંયાત્રાનો ફોન આવતાં એકટીવા લઇ તેની સાથે અવધના ઢોળે ગયો હતો. જ્યાં કાનાનો મિત્ર દિલજીતસિંહ ગોહિલ તથા બીજા અજાણ્યા ચાર-પાંચ શખ્સો હતાં. બધાએ સાથે બેસી ખાણી-પીણી પતાવ્યા પછી વહેલી સવારે દિલજીતસિંહે પોતાને એક પટેલ યુવાન પાસેથી બે લાખ રૂપિયા લેવાના હોઇ તેની ઉઘરાણીનો હવાલો રાખી લેવાનું રાહુલને કહેતાં તેણે પોતે આવા કામ નથી કરતો તેમ જણાવતાં ડખ્ખો થતાં મારકુટ કરી છરીના ઘા ઝીંકી દેવાયા હતાં.

ઉપરોકત વિગતો રાહુલે જણાવી હતી. તેના મિત્ર કાનાના કહેવા મુજબ પોતે ઝઘડો થયો ત્યાંથી થોડે દૂર જમતો હતો. પોતે વચ્ચે પડતાં પોતાને પણ હાથની આંગળીમાં ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે લોધીકા પોલીસને જાણ કરી મામતલદારશ્રીને પણ ડીડી લેવા સંદેશો મોકલ્યો હતો.

જ્યાં માથાકુટ થઇ એ સ્થળે પીવાની પાર્ટી પણ જામી હોવાની ચર્ચા છે. હુમલાનું કારણ હવાલો રાખવાની ના પાડી એ જ છે કે બીજુ કંઇ? તે અંગે લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)