Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પરિણીત ઇમરાનના પ્રેમમાં પડેલી ચોટીલાની પરિણીતા અલ્કાને પતિએ બેટથી ફટકારી

મુળ બામણબોરની દરજી યુવતિએ છ વર્ષ પહેલા ચોટીલાના મનિષ મિસ્ત્રી સાથે લવમેરેજ કર્યા છેઃ હવે મુસ્લિમ યુવાન સાથે રહેવા પતિ પાસે છુટાછેડા માંગતા માર પડ્યોઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૦: એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે....પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ બને ત્યારે એવું કહી શકાય કે પ્રેમ નહિ, પ્રેમીઓ આંધળા હોય છે!...ચોટીલામાં એક દિકરાની માતા એવી મિસ્ત્રી પરિણીતાને એક દિકરાના પિતા એવા મુસ્લિમ યુવાન સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે રહેવા માટે પતિ પાસે છુટાછેડા માંગતા ઉશ્કેરાયેલા પતિએ તેણીએ ક્રિકેટ બેટથી ફટકારતાં રાજકોટ હોસ્પિટલના બિછાને પહોંચી છે. મુળ દરજી જ્ઞાતિની બામણબોરની આ યુવતિએ છ વર્ષ પહેલા ચોટીલાના મિસ્ત્રી યુવાન સાથે લવમેરેજ કર્યા હતાં. હવે તેણે મુસ્લિમ યુવાન સાથે પ્રેમ થઇ ગયો છે!

ચોટીલામાં થાન રોડ પર રહેતી અલ્કા મનિષ દાવડા (ઉ.૨૫)ને સાંજે પાંચેક વાગ્યે પતિ મનિષ રમેશભાઇ દાવડાએ માથામાં બેટ ફટકારી દેતાં લોહીલુહાણ હાલતમાં ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે ચોટીલા જાણ કરી હતી.

અલ્કાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેના માવતર બામણબોર રહે છે. પોતે અગાઉ ચોટીલા અભ્યાસ કરવા જતી હતી ત્યારે એટલે કે છ વર્ષ પહેલા તેને ચોટીલામાં ફેબ્રીકેશનની દૂકાન ધરાવતાં મનિષ દાવડા સાથે પ્રેમ થતાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. સંતાનમાં પોતાને પાંચ વર્ષનો દિકરો છે. હવે પોતાને ચોટીલામાં જ રહેતાં અને પત્નિથી તલ્લાક લઇ ચુકેલા પાનના થડાવાળા ઇમરાન નામના એક દિકરાના પિતા સાથે પ્રેમ થઇ ગયો છે અને તેની સાથે જ પોતાને રહેવું હોઇ આ કારણે પતિ પાસે છુટાછેડા માંગતા તેણે બેટથી હુમલો કર્યો હતો. પોતાને ઇમરાન સાથે પ્રેમ હોવાની અઠવાડીયા પહેલા મોબાઇલ ફોનના મેસેજ થકી પતિને જાણ થતાં ત્યારે પણ માથાકુટ થઇ હતી. ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. હતી. (૧૪.૫)

(12:06 pm IST)