Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આજી ડેમ પાસે અજાણ્યા વાહને મોપેડને ઠોકર મારતા વૃદ્ધનું મોત

વૃદ્ધ ધનજીભાઈ લ્યુના લઈને પુત્ર પ્રફુલભાઈના ઘરે જતા'તાને અકસ્માત નડયોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા. ૧૦ :. આજી ડેમ નજીક કિસાન ગૌશાળા પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ઠોકર મારતા અમરગઢ-ભીચરીના વૃદ્ધનું મોત નિપજ્યુ છે.

મળતી વિગતો મુજબ અમરગઢ-ભીચરી ગામમાં રહેતા ધનજીભાઈ ગાંડુભાઈ વાણીયા (ઉ.વ. ૭૫) પોતાનુ જીજે ૩ એસી ૧૭૫૨ નંબરનું લ્યુના લઈને રાજકોટ હુડકો કવાર્ટરમાં રહેતા પુત્ર પ્રફુલભાઈને ઘરે જતા હતા ત્યારે આજી ડેમ નજીક કિસાન ગૌશાળા પાસે અજાણ્યા વાહન ચાલકે લ્યુનાને ઠોકર મારતા ધનજીભાઈ ફંગોળાઈ ગયા હતા. બાદ તેને સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજી ડેમ પોલીસે તપાસ આદરી છે.

બાઈક નાલામાં પડી જતા પ્રવીણભાઈનું મોત

મનહરપુરમાં રહેતા પ્રવીણભાઈ માધાભાઈ અગેસાણીયા (ઉ.વ. ૩૫) પોતાનું બાઈક લઈને માધાપરથી મોરબી તરફ જતા હતા ત્યારે બાઈક સાથે નાલામાં પડી જતા તેને ઈજા થતા સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ આદરી છે.

(4:35 pm IST)