Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પાટીદાર આંદોલન વખતે થયેલા કેસોમાં પ્રથમ કેસ સત્તાવાર રીતે પરત ખેંચાયો

રાજકોટ તા. ૧૦ : પાટીદાર અનામત આંદોલન વખતે રાજયમાં હિંસા ફાટી નિકળી હતી તે સમયે પાટીદારો સામે રાજયના વિવિધ પોલીસ મથકમાં કેસો નોંધાયા હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પાટીદાર મતદારોને રિઝવવા માટે રાજયભરમાં અનામત આંદોલન વખતે પાટીદારો સામે નોંધાયેલા કેસો પરત ખેંચવા કાર્યવાહી સરકારે કરી હતી અને કેસો પરત ખેંચવા અરજીઓ કરવામાં આવી હતી.

જોકે, સેટેલાઇટ પોલીસ મથકમાં પાટીદારો સામે નોંધાયેલા કેસ પરત ખેંચવાની અરજી નીચલી અદાલતે ફગાવી દીધી હતી. જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પ્રિન્સિપલ સેશન્સ જજ ડો. એ.સી. જોષીએ ગ્રાહ્ય રાખી છે. આમ, સત્તાવાર રીતે પહેલો કેસ પરત ખેંચાઇ જતા પાટીદારોને રાહત મળી છે. આગામી દિવસોમાં બીજા કેસો પણ પરત ખેંચવામાં આવે તેવી શકયતા છે.

પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલની ધરપકડ બાદ અમદાવાદમાં હિંસા ભડકી હતી. તે સમયે અમદાવાદમાં ૬૩ ગુના નોંધાયા હતા. જયારે રાજયમાં જાહેરનામા ભંગના ૪૩, સરકારી મિલકતને નુકસાનના ૧૫૨, પોલીસ ચોકી સળગાવવા તેમ જ પોલીસ પર હુમલાના ૧૧૦ તથા રાયોટિંગના ૮૭ મળી કુલ ૪૫૫ કેસો રાજયના વિવિધ પોલીસ મથકમાં નોંધાયા હતા.

ઙ્ગબીજી તરફ, વિધાનસભા ચૂંટણી પહેલાં જ સરકારે પાટીદારો સામેના તમામ કેસો પરત ખેંચવાની હૈયાધારણ આપી હતી. ત્યારબાદ રાજયમાં વિવિધ જગ્યાએ કેસો પરત ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ્ય કોર્ટમાં સેટેલાઇટમાં આંદોલન સમયે મુકેશ ચંદુલાલ પટેલ સહિત ૮ સામે નોંધાયેલ રાયોટિંગનો કેસ પરત ખેંચવા અરજી કરવામાં આવી હતી.ઙ્ગ

ઙ્ગજો કે, તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ રવીરાજ ઠાકરે એવી દલીલ કરી હતી કે, શહેરના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા કેસો પરત ખેંચવાનું સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે જેથી સીઆરપીસીની કલમ ૩૨૧ મુજબ કેસ પરત ખેંચવાની સરકારને સત્તા છે.

ઙ્ગત્યારે નીચલી કોર્ટે કરેલો આદેશ ખોટો, ગેરબંધારણીય છે તેથી કોર્ટે આ કેસ પરત ખેંચવા આદેશ કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સરકાર તરફથી આદેશ કરતા કેસ પરત ખેંચાઇ ગયો છે. આમ, સત્ત્।ાવાર રીતે પાટીદારો સામે પહેલો કેસ પરત ખેંચવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સેશન્સ કોર્ટમાં ૧૪ કેસો પરત ખેંચવા સરકારે અરજી કરી છે પરંતુ તેમાં મુદતો પડતા તે કેસો પડતર છે.

સરકાર સામે પડેલા હાર્દિક પટેલ અને પાસના કાર્યકરો સામે રાજદ્રોહના કેસ સરકારે અમદાવાદ અને સુરત ખાતે કર્યા હતા. સરકારે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની બાંહેધરી આપી હતી અને તબક્કાવાર કેસો પરત ખેંચાવા અરજીઓ પણ કરી દેવામાં આવી છે. પરંતુ હાર્દિક એન્ડ મંડળી સામે કેસો પરત નહીં ખેંચવા સરકાર મક્કમ છે અને તેથી જ સરકાર રાજદ્રોહના કેસમાં ઝડપથી ચાર્જફ્રેમ કરવા કાર્યવાહી કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

(3:44 pm IST)