Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સ્વામી ગુણાતીતાનંદની પ્રેરણાથી રાજકોટના ઠક્કર કરશનજી ભગતે આખી વાડી અર્પણ કરી હનુમાનજીની સ્થાપના કરેલ

ભૂપેન્દ્ર રોડ પરના સ્વામિનારાયણ મંદિરે ઉજવાયેલ બોરડી ઉત્સવ દરમિયાન ઠક્કર કરશનજી ભગતના છઠ્ઠી પેઢીના વારસદાર એડવોકેટ અમિત એસ. ભગતનું ફુલડે વધાવી

રાજકોટ : ભારતના મુંબઇ ઇલાકાના ગવર્નર સર જોહન માલકમના આમંત્રણને માન આપી સ્વામિનારાયણ ભગવાન સવંત ૧૮૮૬ના ફાગણ સુદ-પ તા. ૨૬-૨-૧૮૩૦ના રોજ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બોરડીની બાજુમાં સંતો હરિભકતોની સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે યોગાનંદ સંત શ્રી ગોપાલાનંદ સ્વામી બોરડીની નીચેથી પસાર થતા હતા ત્યારે બોરડીના કાંટા રૂમાલ (પાઘ) માં ભરાયા ત્યારે સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડયા ''અરે સ્વામી પૂર્ણ પરસોતમ નારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ તેનો તે જ રહ્યો'' આ સાંભળતા જ બોરડીના તમામ કાંટા ખરી પડયા અને આ બદરી વૃક્ષ નિષ્કંટક થઇ ગયું. ત્યાર બાદ વર્ષો વર્ષથી આ બોરડી વૃક્ષની નીચે બોરડી ઉત્સવ ઉજવાય છે. અહીં સંતોની પ્રેરણાથી સર્વે હરિભકતોએ મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેને અનુસરીને પરમ ભકત શ્રી ઠક્કર કરશનભાઇ ભગતે પોતાનું એક મકાન દાનમાં આપ્યું. રાજકોટના કરશનજી ભગત ખૂબ જ સેવા ભાવી તથા સત્સંગી હતા સેવામય તેમનું જીવન હતું. મંદિર નિર્માણમાં તેમની ઘણી મોટી સેવા હોય જેથી તેઓ કરશનજી ભગત તરીકે ઓળખાતા. ગુણાતીતાનંદ સ્વામી જયારે જયારે રાજકોટ આવતા ત્યારે કરશનજી ભગતની વાડીએ સ્નાન કરવા પધારતા. અને વાડીમાં પીપરનું એક વૃક્ષ હતું સ્નાનાદિ કરી અને ગુણાતીતાનંદ સ્વામી પીપરની છાંયામાં બેસતા અને સમયની અનુ કૂળતા મુજબ ભગવાનનું ધ્યાન કરી અને હરિભકતોને કથા કિર્તન સંભળાવતા. વાડીમાં કામ કરતા હનુમાનજીની કૃતિ વાળો એક પત્થર નિકળતા સ્વામી ગુણાતીતાનંદ કરશનજી ભગતને વાડીમાં હનુમાનજીના મંદિર માટે દાનમાં સદરહું વાડી આપવાનું કહેતા સ્વામી ગુણાતીતાનંદના કહેવાથી ઠક્કર કરશનજી ભગતે જે તે વખતે હનુમાનજી મહારાજની સ્થાપના કરી. અને વાડી દાનમાં અર્પણ કરેલ. જે હાલમાં ''બાલાજી હનુમાનજી'' તરીકે ઓળખાય છે. ત્યાં સર્વ ભકતોની મનોકામના પૂર્ણ થાય છે. ભકતોનો અવિરત પ્રવાહ દર્શનાર્થે સતત ચાલુ રહે છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે તાજેતરમાં બોરડી રાત્રીના ઉત્સવ ઉજવાયેલ જેમાં શ્રી મહંતસ્વામી શ્રી રાધારમણદાસજી, કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી, શ્રી હરિપ્રકાશસદાસજી સ્વામી, શ્રી ભંડારી સ્વામી આત્મજીવનદાસજી સ્વામી, પૂજારી શ્રી ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી શ્રી જેપી સ્વામી, શ્રી દર્શનપ્રિય સ્વામી, શ્રી ગૌપ્રેમ વાસુદેસપ્રસાદ સ્વામી, મહંત સ્વામી વિવેકસાગરદાસજી તેમજ સૌ હરિભકતો બહોળી સંખ્યામાં હાજર હતાં જયાં શ્રી મહંતસ્વામી શ્રી રાધારમણસ્વામીએ પરમ ભકત ઠક્કર કરશનજી ભગતના છઠ્ઠી પેઢીના વારસદારો પૈકી વ્યવસાયે જાણીતા એડવોકેટ શ્રી અમિત એસ. ભગત (મો. ૯૮૨૪૨ ૪૬૬૬૫) નું ફુલહારથી બહુમાન કરી સન્માન કરેલ. બોરડી ઉત્સવે આરતીમાં સામેલ કરી તેઓના હાથે સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ ઉતરાવેલ.

(4:02 pm IST)