Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કાગદડી પાસે વાહન સાઈડમાં ચલાવવાનું કહેતા તલાટી મંત્રી દિલીપભાઈ પટેલને મારમારી કારમાં તોડફોડ

છત્તર ગામનાં મંત્રી સંબંધી સાથે રાજકોટ આવતા'તાઃ ઈનોવા, બે રીક્ષા અને ત્રણ બાઈક ચાલક સહિત ૧૪ શખ્સો સામે ગુનો

રાજકોટ, તા. ૧૦ :. મોરબી હાઈવે પર કાગદડીના પાટીયા પાસે વાહન સાઈડમાં ચલાવવા બાબતે કહેવા જતા છત્તર ગામના તલાટી મંત્રી અને તેના સંબંધીને ઈનોવા કાર ચાલક, બે રીક્ષા અને બાઈક પર આવેલા ૧૪ શખ્સોએ રોકી માર મારી કારમાં તોડફોડ કર્યાની ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ટંકારાના વીરવાવ ગણેશપરમાં રહેતા છત્તર ગામના તલાટી મંત્રી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા (ઉ.વ.૩૧) રાત્રે તેના સંબંધી ચંદ્રકાંતભાઈ બન્ને પોતાની જીજે ૩ એચઆર ૫૨૨૫ નંબરની કાર લઈને રાજકોટ કારનું રીપેરીંગ કામ કરાવવા માટે આવતા હતા ત્યારે કાગદડી ગામ પાસે એક જીજે ૩ ઝેડ ૯૫૧૩ નંબરની ઈનોવા કારનો ચાલક તથા જીજે ૭ યુ ૬૯૨ નંબરની ઓટો રીક્ષા અને એક અજાણી ઓટો રીક્ષાનો ચાલક તથા અજાણ્યા ત્રણ બાઈક રોડ વચ્ચે વાહન ચલાવતા હોય તેથી દિલીપભાઈએ તેને વાહન રોડની સાઈડમાં ચલાવવાનું કહેતા ઈનોવા કાર ચાલક તથા તેની સાથેના અન્ય વાહન ચાલક સહિત ૧૪ જેટલા શખ્સોએ કાર અટકાવી દિલીપભાઈ તથા તેના સંબંધી ચંદ્રકાંતભાઈને કારમાંથી નીચે ઉતારી ઢીકાપાટુ તથા ધોકા-પાઈપ વડે માર માર્યો હતો અને 'આડા અવળા થયા તો ખંખેરી નાખીશું' તેવી ધમકી આપી દિલીપભાઈ પાલરીયાની કારમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે તલાટી મંત્રી દિલીપભાઈ પાલરીયાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ એમ.આર. પરમારે તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)