Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

એ વન-એ ટુ દુધ... માર્કેટીંગ સ્ટ્રેટજી કે સત્ય?

ભારતની અસલ ગૌવંશ નસલ અને વિદેશી ગાયના દૂધના કેમીકલ કમ્પોઝીશનમાં મોટો તફાવત

દૂધને આપણાં જીવનમાં સંપૂર્ણ આહારનું બિરુદ આપવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ભોજનમાં ગાયના દૂધ, દહીં,માખણ, છાશ,ઘીનો સમાવેશ પૌરાણિક સમયથી પરંપરાગત રીતે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનિવાર્ય અને ઉત્તમ ગણવામાં આવેલ છે.પહેલાંના સમયમાં દરેકના ઘર આંગણે દેશી ગાય હોય જેનું તાજું દૂધ, દહીં, માખણ, છાશ, ઘી નો લોકો ખોરાકમાં મુખ્યત્વે ઉપયોગ કરતાં.

પાશ્ચાત્ય જીવનશૈલી સાથે પાશ્ચત્ય ભોજન શૈલીએ પણ આપણાં જીવનમાં ધીરે ધીરે પગપેસારો કરી અને આપણી ભોજનશૈલી તેમજ આરોગ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.તેમછતાં દૂધનું મહત્વ હજુ પણ આપણાં જીવનમાં અકબંધ છે હા ફેરફાર એટલો થયો છે કે પહેલાંના સમયમાં ઘર આંગણે બાંધેલી ગાયનું દૂધ પીવાતું, ત્યારબાદ ગાય અથવા ભેંસનું દૂધ પીવામાં આવતું જ્યારે અત્યારના સમયમાં મોટે ભાગે ડેરીનું દૂધ જ પીવાય છે જેમાં મિકસ દૂધ હોય છે.

થોડાં વર્ષોથી વિશ્વભરમાં એ૧ એ૨ દૂધ ચર્ચાનો વિષય બન્યો છે.જે અત્યારે આપણાં દેશના સામાન્ય માનવી સુધી પહોંચી ગયો છે. સાવ સરળ ભાષામાં સમજીએ તો આપણી દેશી ગાય (ગીર, કાંકરેજ, શાહીવાલ રાઠી, થારપારકર, હરિયણવી લાલસિંધી વગેરે ૩૦ થી વધુ દેશી પ્રજાતિની ગાય...)નું દૂધ એટલે એ૨ દૂધ અને પશ્ચિમની બ્રિડનું દૂધ અટલે એ૧ દૂધ.  વિશ્વની દ્રષ્ટિએ બધી ગાય જ છે પરંતુ ભારતની અસલ ગૌવંશ નસલ અને વિદેશી ગાયના દૂધના કેમિકલ કમ્પોઝિશનમાં ખૂબ મોટો તફાવત છે.એ૧ દૂધમાં એ૧ પ્રકારનું પ્રોટીન (કેઝીન) છે જયારે એ૨ દૂધમાં એ૨ ટાઈપનું પ્રોટીન છે જે સૌથી અગત્યની બાબત છે કારણ પાચન સમયે પ્રોટીનની ચેઇન તૂટે છે તે સિસ્ટમ બંનેમાં અલગ અલગ જોવા મળે છે.

થોડું વિગતવાર સમજીએ તો જયારે આપણું શરીર એ૧ દૂધના કેસીનને તોડવાની કોશિશ કરે છે ત્યારે બીસીએમ -૭ નામના કેમિકલનો સ્ત્રાવ થાય છે જે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સ પર અસર કરે છે જેને કારણે ''ઓટીઝમ'' નામની માનસિક બીમારી થાય છે. મોર્ફિનને કારણે એ૧ દૂધ પીતાં લોકો જેમાં ખાસ કરીને બાળકો કબજિયાતથી પીડાતાં હોય છે.આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ''દૂધ તો મને પચતું જ નથી ,પેટ ભારે થઈ જાય છે''જેનું કારણ એ૧ દૂધનું મોર્ફિન છે.એ૧ દૂધના પ્રોટીનની સાંકળમાં ૬૭માં સ્થાને રહેલ હિસ્ટીડીન નામનું પ્રોટીન હિસ્ટામીનનો સ્ત્રાવ કરે છે.જેને કારણે ચામડીના રોગો,સતત વહેતું રહેતું નાક,એલર્જિક કફ,અસ્થમા જેવાં રોગનો શિકાર લોકો બને છે.

લિપિડ અને કાર્બોહાઇડ્રેટના મેટાબોલિઝમ ઉપર એ૧ દૂધની અસરને કારણે લાંબે ગાળે મેદસ્વીતા અને ડાયાબિટીસ પણ લાગુ પડે છે.એ૧ દૂધની ઇમ્યુનોહોર્મોનલ સિસ્ટમ્સ પર નકારાત્મક અસર થવાને કારણે ટાઈપ ૧ ડાયાબિટીસ તેમજ હૃદયરોગ થવાની સંભાવના પણ વધી જાય છે.

બાળમૃત્યુ,પાચન પ્રોબ્લેમ્સ અનેસડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ SIDS પણ એ૧ દૂધને કારણે થઈ શકે છે.

એક અભ્યાસ દરમિયાન એવું જોવા મળ્યું છે કે ,જે લોકોના લોહીમાં BCM7  નું પ્રમાણ વધી જાય છે તેમનામાં ઊંઘ દરમિયાન શ્વાછોશ્વાસની ક્રિયા થોડી ક્ષણો માટે બંધ થઈ જાય છે જેને''સ્લીપ એપ્નીયા'' તરીકે ઓળખવામાં આવે છે.

૧૯૮૦માં કેટલાક સંશોધકોને રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે કેટલાક પેપ્ટાઇડની નેગેટિવ કે પોઝિટિવ અસર હેલ્થ પર જોવા મળે છે.૧૯૯૦ની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ માં એપિડેમીઓલોજિકલ રિસર્ચ અને પ્રાણીઓ પરના અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે વિશ્વના અમુક દેશોમાં એ૧ બીટા કેઝીન પ્રોટીનને કારણે ચોક્કસ રોગ થયેલા જોવા મળ્યા.જેનાથી વિશ્વ કક્ષાએ હેલ્થ ઇસ્યુ ઉભો થયો અને સાથે સાથે નવા બિઝનેસ માટેની તક પણ ઉભી થઇ.

ગાયના દૂધમાં ૮૭ પાણી, બાકીના ૧૩ માં લેકટોઝ સ્વરૂપે ચરબી, કાર્બોહાઇડ્રેટ હોય છે.

૩૦% થી ૩૫ %કેઝીનના બીટા કેઝીન હોય છે.

તફાવત એ છે કે ૨૦૯ એમિનો એસિડ બીટા કેઝીંન પ્રોટીનસ બનાવે છે.જેમાં એમિનો એસિડની ચેઇનના ૬૭ નમ્બર પર પ્રોલીન નામનું બીટા કેઝીન પ્રોટીન બને તો તે એ૨ મિલ્ક અને પ્રોલીનને બદલે હિસ્ટીડીન નામનું પ્રોટીન બને તો તેને વૈજ્ઞાનિકોએ એ૧ મિલ્ક એવું નામ આપ્યું.

વૈજ્ઞાનિકો એવું માને છે કે આ આખી પ્રોસેસ રાતોરાત નથી થઈ પરંતુ ૫૦૦૦ થી ૧૦૦૦૦ વર્ષ દરમિયાન બનેલી ઘટના છે જેમાં ઉત્તર યુરોપમાં બ્રિડિંગની દ્યટના દરમિયાન ૬૭માં સ્થાને પ્રોલીનની જગ્યાએ હિસ્ટીડિનનો ફેરફાર થયો હશે જે સમયાંતરે પશ્ચિમના દેશોમાં ફેલાયું હશે.

સામાન્યરીતે એ૧ પ્રકારનું પ્રોટીન યુરોપના ફ્રાન્સ સિવાયના દેશો , અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ગાયના દૂધમાં જોવા મળ્યા છ.ે

ન્યુઝીલેન્ડમાં ૨૦૦૦ની  સાલમાં એ૨ કોર્પોરેશનની સ્થાપના થઇ અને ૨૦૦૩માં તેમણે એ૨ મિલ્કનું માર્કેટિંગ શરૂ કર્યુ.

એ૧ એ૨ મિલ્કની સાયન્ટિફિક બાબતો સમજયા બાદ પ્રશ્ન એ થાય કે ગાયના શરીરમાં પ્રોટીનની ચેઇનમાં જે ફેરફાર થયા જેની આડ અસરથી વિશ્વભરમાં અનેક અસાધ્ય રોગ ફેલાઈ રહ્યાં છે તો કયું દૂધ પીવું, કેવી સાવધાની રાખવી??

આપણાં પૌરાણિક સમયથી ગાયને આપણાં જીવનમાં ગૌમાતાનું સ્થાન આપવામાં આવ્યું છે.ગાય એટલે દેશી તે જ પર્યાય હતો .અગાઉના સમયમાં અન્ય પ્રકારની વર્ણ સંકર(ક્રોસ બ્રીડ) કરેલી ગાયનું આપણાં દેશમાં કોઈ અસ્તિત્વ જ નોહતું.અન્ય દેશોની ગાય સાથે વધુ દૂધ ઉત્પાદનની લાલચમાં ક્રોસ બ્રીડિંગ કરવાથી આ પ્રકારની ગાય આપણા દેશમાં પ્રચલિત થઈ.સાથે જ શ્વેતક્રાંતિ થતાં ડેરી ઉદ્યોગ, દૂધ, ફેટ, વગેરેને કારણે પ્રાણીઓમાંથી વધુ ફેટવાળું દૂધ મેળવી,ડેરીમાં ભરી અને વધુ પૈસા કમાવાની લાલચ અને ઝંખના અસ્તિત્વમાં આવી.અગાઉ લોકો પોતાના જ ગામમાં ઘરઘરાઉ દૂધ વેંચવાનો ધંધો કરતાં પરંતુ ડેરી ઉદ્યોગને કારણે વધુ મિલાવટ,પ્રાણીઓને ઇન્જેકશન આપી વધુ દૂધ મેળવવાની વૃત્તિએ મનુષ્યને સાવ હ્રદયહીન બનાવી દીધો.

એ૧ અને એ૨ વચ્ચેની હરીફાઈમાં આપણે શું કરવું તે જ મુદ્દો અગત્યનો છે

(૧)જો શકય હોય તો પોતાના ઘર આંગણે અથવા ફાર્મ હાઉસમાં દેશી નસલની ગાયનો ઉછેર કરવો અને તેનું જ દૂધ, દહીં, છાશ, માખણ ઘી ખાવુ. (૨)ઉપરની બન્ને શકયતા ન હોય તો એવી વ્યકિત પાસેથી દૂધ લેવું જે દેશી નસલની ગાય જ રાખતાં હોય. (૩) વધુ ફેટના મોહમાં અને થોડી આળસને કારણે ભેળસેળવાળા,બનાવટી, દેશી કહી અને ક્રોસબ્રિડ કરેલી ગાય પાળતાં અથવા તો ડેરીમાં મળતાં દૂધનો ત્યાગ કરવો.

વર્ષોથી પડેલી આદતને કારણે આપણે ટેવાયેલાં છીએ પરંતુ આપણી સંસ્કૃતિ તરફ પાછા ફરવું હશે, શરીરને મજબૂત અને કસાયેલું રાખવું હશે ,બાળકોનો જન્મથી જ સાચો વિકાસ કરવો હશે તો દેશી ગાયના દૂધ , દહીં, છાશ, માખણ, ઘી થી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવીએ..

ખૂબ નાની ઉંમરમાં આવી જતાં ચશ્મા, ડાયાબિટીસ, મેદસ્વીતા,ઓટીઝમ વગેરેથી આવનારી પેઢીને બચાવવી હશે તો આપણી પરંપરા તરફ પ્રસ્થાન કરી એ જીવનને અપનાવી સ્વસ્થ બનીએ,તંદુરસ્ત રહીએ.

:: આલેખન ::

અમી દલાલ દોશી

મો. ૯૮૨૫૯ ૭૧૩૬૩

ઈમેઈલ : adoshi480@gmail.com

(3:50 pm IST)