Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ચારીત્ર્યવાન સમાજ નિર્માણ માટે યોગનો મહત્તમ ફાળો : વિજયભાઇ રૂપાણી

રાજય યોગ બોર્ડ, પતંજલી વેલનેશ રાજકોટ તથા ધી મીડો નેચર કેર સેન્ટરના સંયુકત ઉપક્રમે યોગ સંવાદ-સ્નેહ મિલન

રાજકોટ : ભારતની પ્રાચિન અને સાંસ્કૃતિક ધરોહર એવી યોગ પધ્ધતિને રાજયમાં ઘરેઘર સુધી પહોંચાડવાની નેમ સાથે કાર્યરત ગુજરાત રાજય યોગ બોર્ડ, પતંજલી વેલનેશ રાજકોટ તથા ધી મીડો નેચર કેર સેન્ટરના સંયુકત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની ઉપસ્થિતીમાં યોગસંવાદ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રૂપાણીએ યોગ બોર્ડની કામગીરી અને હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા યોગ પધ્ધતિને ગુજરાતમાં ગ્રામ્યકક્ષા સુધી પહોંચાડવાની નેમ સાથે રાજય યોગ બોર્ડની સ્થાપના થયેલી છે. અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરવા બદલ શ્રી રૂપાણીએ બોર્ડની કામગીરીને બરીદાવી હતી. ગુજરાતના દરેક નાગરીકો અને યુવાધન તથા બાળકો યોગને જીવનમાં ઉતારે તેને નિત્યક્રમ બનાવે અને સમૃધ્ધ અને સલામત ગુજરાતને દિવ્ય ગુજરાત બનાવે તેવા શુભાશીષ તેઓએ પાઠવ્યા હતા. ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીએ સહર્ષ જણાવ્યું હતું કે આગામી જુન ૨૦૨૧ સુધીમાં એક લાખથી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરવાની બોર્ડની નેમ છે. સ્વસ્થ અને તંદુરસ્ત શરીર સાથે નિર્ભય અને નિર્ણાયક નાગરીકોયુકત સમાજની રચના સાથે ગુજરાતને સર્વાંગી રીતે વિકસીત રાજય બનાવવા તથા આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ થકી ભારતને વિશ્વગુરૂ બનાવવા અગ્રેસર થવા તેઓએ ઉપસ્થીત સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વામી શ્રૃતપ્રજ્ઞજીએ યોગનું જીવનમાં મહત્વ અને યોગ થકી જીવનઉત્કર્ષ વિશે વિશદ માહિતી આપી હતી. જયારે રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદે યોગને ભારતીય ઋષિમુનિઓ દ્વારા સંપાદિત અમુલ્ય સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી તેના જતન અને સંવર્ધન માટે રાજય અને કેન્દ્ર સરકારના પ્રયાસોને બીરદાવતાં આધ્યાત્મીક અને યોગ તથા આયુર્વૈદ થકી માનવકલ્યાણના માર્ગે ભારતને વિશ્વગુરૂ બનાવવા અનરોધ કરતા સાંપ્રત આધૂનિક જીવનશૈલી આરોગ્ય માટે હાનીકારક હોઇ યોગને રોજીદી પ્રવૃતિમાં સામેલ કરવા ભારપુર્વક જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની મહામારીમાં રોગપ્રતિકારક શકિત વધારવા અને રોગયુકત દર્દીઓને રોગ મુકત બનવવામાં યોગ અને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની રહી હતી. કાર્યક્રમમાં હેમુ ગઢવી ઓડિટોરિયમના પટાંગણમાં આર્ય સંસ્કૃતિની પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિઓએ પણ આહુતિ આપી હોલમાં પ્રવેશ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પૂષ્પ અને પુસ્તક વડે સ્વાગત કરાયું હતું. યોગ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ક્રમાંકિત સ્પર્ધકોનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત અદભુત યોગાસન કરી બાળકો અને યુવાનોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શીતા શાહ, મીડોવ નેચર કલબના નિલેષ કાછડીયા, લાઇફ મીશનના કેતનજી, ઓશો સત્સંગ કેન્દ્રના સત્યપ્રકાશજી, બોર્ડના સભ્ય પ્રકાશભાઇ ટીપરે, ડો. ચંદ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. પતંજલિ વેલનેસ સેન્ટર તેમજ મિડોવ નેચરલ કેરના સૌજન્યથી અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજેશભાઈ કાચાના નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લાના તમામ યોગ કોચએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . કાર્યક્રમનું સંચાલન કુ. અરુણા પટેલ 'કોયલ' દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતું.

(2:35 pm IST)