Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ પંથકના માલિયાસણમાં વિચિત્ર કિસ્સો : બહારગામ જવાનું કહીને પતિ ઘરેથી નીકળ્યો : ત્રણ દિવસ બાદ અન્ય સ્ત્રી સાથે ભાગી ગયાનું ખુલ્યું

પત્નીએ પરત આવવાનું કહ્યું હતું. પરંતુ પતિ પરત ફરવા તૈયાર નહીં થતા પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ શહેરમાં 'પતિ-પત્ની ઔર વો'નો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બહારગામનું કહીને પતિ ઘરેથી નીકળ્યો હતો. જોકે ત્રણેક દિવસ બાદ પતિ બીજી સ્ત્રીને ભગાડી ગયો હોવાની પત્નીને જાણ થઈ હતી. આમ છતાં પત્નીએ પરત આવવાનું કહ્યું હતું. પરંતુ પતિ પરત ફરવા તૈયાર નહીં થતા પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સમગ્ર મામલે માલીયાસણ ગામે રહેતી 25 વર્ષીય રેશ્મા નામની પરિણિતાએ પતિ તોસીફ તમસીભાઈ લાંધા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેના અને પતિના આ બીજા લગ્ન છે. સંતાનમાં એક પુત્રી છે. પતિએ એકાદ વર્ષ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં પુત્રીનો જન્મ થતા પતિ દારૂ પી ઘરે આવી અવાર-નવાર તેની સાથે બોલાચાલી અને મારકુટ કરતો હતો. પતિ ભાગીદારીમાં રીસોર્ટ ચલાવતા હતા. અન્ય સ્ત્રીઓ સાથે ફરતો હતો. અને જો પોતે સમજાવે તો મારકૂટ કરતો હતો.

વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, તોસિફ અવારનવાર માવતરેથી પૈસા મંગાવવાનું કહેતો હતો. પતિ દારૂ પણ વેંચતો હતો. જે તેને ગમતુ ન હોય બે વખત રીસામણે પણ આવી હતી. જોકે સાસુ, સસરા સમજાવીને લઈ ગયા હતા. ત્યારબાદ ફોનમાં કોઈની સાથે વાતચીત કરવા દેતો નહી. ગઈ તા. 15 ના છોટાઉદેપુર જવાનું કહી પતિ સામાન લઈ ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ આવતો હતો.

દરમિયાન તેના મિત્રો મારફત જાણવા મળ્યું કે પતિ અન્ય મહિલા સાથે ભાગી ગયો છે. ત્રણ દિવસ બાદ તેનો સંપર્ક થતા પુત્રી ખાતર પરત આવવા સમજાવ્યો છતાં પતિએ સાફ ઈન્કાર કરી કહ્યું હતું કે મારે જો તેને મુકવી હોય તો થોડી ભગાડી જાત, મારે તેને રાખવી છે, તારે સાથે રહેવું હોય તો રહે. જેથી તેણે સાથે રહેવાની ના પાડી દેતા તલ્લાક આપવાની ધમકી આપી છે. હાલ પરિણીતાએ નોંધાવેલી આ ફરિયાદને આધારે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:15 pm IST)