Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોંગ્રેસ સરકારમાં રૂા.૩૫૦માં મળતો ગેસ સિલિન્‍ડર રૂા.૧૦૫૮ સુધી

પહોંચાડનાર ભાજપના રાષ્‍ટ્રીય નેતા સ્‍મૃતિ ઇરાની મોંઘવારીનો જવાબ આપે : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઇ અનડકટનો ખુલ્લો પત્ર : ગૃહિણીઓનો રોષઃ મોંઘવારીના મુદ્દે શાસન મેળવનાર ભાજપના મહિલા નેતાને ચર્ચા કરવા આમંત્રણ

રાજકોટઃ  આગામી વિધાનસભાની  ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ત્‍યારે દેશભરની જનતાને મોંઘવારીના મુદ્દે ભ્રમિત કરી સત્તા પર બેસી ગયેલી ભાજણ સરકારના રાષ્‍ટ્રીય મહિલા નેતા અને ગેસ સિલિન્‍ડરમાં થતા નજીવા ભાવ વધારા મુદ્દે રસ્‍તા પર ઉતરી આવતા સ્‍મૃતિ ઇરાનીને પ્રદેશ કોંગ્રેસ પુર્વસહ મંત્રી ગોપાલભાઇ અનડકટએ ખૂલ્લો પત્ર લખી ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યુ  છે કે કોંગ્રેસ સરકારમાં રૂા.૩૫૦માં મળતો ગેસ સિલિન્‍ડર આજે રૂા.૧૦૫૮ પર પહોંચી ગયો છે ત્‍યારે આ વિરોધ કરતા મહિલા નેતા હવે કયાં ગાયબ થઇ ગયા છે રાજકોટની ગૃહિણીઓએ આ ભાવ વધારા મુદ્દે સ્‍મૃતિ ઇરાનીને જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ પાઠવ્‍યું હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

પ્રદેશ કોંગ્રેસ પુર્વસહ મંત્રી અને  રાજકોટ કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઇ અનડકટએ ભાજપના રાષ્‍ટ્રીય નેતા અને કેન્‍દ્રીય મંત્રી એવા સ્‍મૃતિ ઇરાનીને ખૂલ્લા પત્રમાં જણાવ્‍યુ હતું કે ૨૦૧૪ પહેલા જયારે કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે ગેસ સિલિન્‍ડરના ભાવમાં જો એક કે બે રૂપિયાનો વધારો થતો તો પણ સ્‍મૃતિ ઇરાની જાહેરમાં રોડ ઉપર ઉતરી વિરોધ કરતા હતા પરંતુ ભાજપ સરકારે આ જ મોંધવારીના મુદ્દાને લઇને દેશની જનતાને ભ્રમિત કરી સત્તા મેળવી લીધી લોકોને મૂર્ખ બનાવવામાં માસ્‍ટર એવી ભાજપ સરકારે ૧૦૦ દિવસમાં મોંઘવારી કાબુમાં  લાવીશું તેવા બણગા ફુંકી પ્રજાને ગુમરાહ કરી મતો મેળવી  લીધા પાછી કોણ તુ અને કોણ હું તેવો ઘાટ ઘડી મોંઘવારીના મુદ્દાને સાઇડ લાઇન કરી નાખ્‍યો હોય તેમ ૨૦૧૪ પછી મોંઘવારીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઇ રહ્યો છે.

ખાસ કરીને રસોડાને એટલે કે  ગૃહિણીઓને સ્‍પર્શતો મુદ્દો હોય તો તે છે  ગેસ સિલિન્‍ડર કોંગ્રેસના શાસનમાં ગેસ સિલિન્‍ડર માત્ર રૂા.૩૫૦માં મળતો હતો તે જ સિલિન્‍ડરના ભાવ અત્‍યારે ત્રણ ગણા વધી ગયા છે હાલના સમયમાં એક સિલિન્‍ડરનો ભાવ રૂ.૧૦૫૮ રૂપિયાએ પહોચી ગયો છે. ત્‍યારે સ્‍મૃતિ  ઇરાની જે નજીવા ભાવ વધારાનો વિરોધ કરતા હતા  તે જ સ્‍મૃતિ ઇરાની અત્‍યારે  મોઢું છુપાવી રહ્યા છે. શુ મોઢું લઇને પ્રજા સમક્ષ જવુ તેવું વિચારી તેઓ અલોપ થઇ ગયા છે પરંતુ લોકો બધુ સમજે છે. રાજકોટની ગૃહિણીઓમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે ગેસ સિલિન્‍ડર લઇને રસ્‍તા પર ઉતરી વિરોધ કરતા એ જ સ્‍મૃતિ ઇરાનીને રાજકોટની ગૃહિણીઓએ રાજકોટ પધારવા અને આ જે ભાવ વધારો થયો છે તે શા માટે કરવામાં આવ્‍યો છે તે  અંગે જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ પાઠવ્‍યુ હોવાનુ યાદીના અંતમાં જણાવાયુ છે.

(4:40 pm IST)