Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ ગ્રામ્યમાં વિકાસ ખોવાયો, અસુવિધા અપાર : કોંગ્રેસ

ઠાલા વચનો નહિ, ટનાટન વિકાસ કામો કરશું : ભાજપ શાસનમાં પ્રજા મોંઘવારીથી ત્રસ્ત : વિધાનસભા-૭૧ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર તથા કોંગી આગેવાન અર્જુન ખાટરીયા, સંજય અજુડિયાએ અકિલા કાર્યાલય ખાતે પ્રજાની હૈયા વરાળ ઠાલવી

વિધાનસભા-૭૧ (રાજકોટ ગ્રામ્ય)ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર  તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ ઢાંકેચા, લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરૃભા જાડેજા, વોર્ડ નં. ૧૩ના પ્રમુખ વિજયસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૨ના પ્રમુખ સુજીતભાઇ મણવાર, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અનિરૃધ્ધસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૧ના પ્રમુખ કેતનભાઇ તાળા, પૂર્વ કોર્પોરેટર મથુરભાઇ માલવી, દિપ ભંડેરી (જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી) સહિતના અગ્રણીઓની ટીમે આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિધાનસભા-૭૧ માં હજુ રસ્તા, લાઇટ, પાણી વિહોણો હોવાની વાતો રજૂ કરી હતી. સાથોસાથ હાલ કોંગ્રેસના ઉમેદવારને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યાનું જણાવ્યું હતુ઼. અકિલાના મોભી શ્રી કિરીટભાઇએ કોંગ્રેસના ઉમેદવાર અને કોંગી આગેવાનોને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯ : ચૂંટણીનો શંખનાદ થઇ ચૂકયો છે. રાજ્યભરમાં રાજકીય પક્ષો શંખ (મત મશીન)માં ફુંક (મત) મેળવવા કવાયત આદરી છે. કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોની જાહેરાતો પણ કરી દેવામાં આવી છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પણ એકાદ દિવસમાં લીસ્ટ જાહેર કરવાની સંભાવના છે ત્યારે આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાતે રાજકોટ ગ્રામ્યની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઇ બથવાર (મો. ૯૯૭૯૧ ૯૫૦૦૭), જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયા) (મો. ૯૭૧૪૦ ૫૫૫૫૫) તથા શહેરના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ અકિલા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી.

સુરેશભાઇએ જણાવેલ કે, ૨૫ વર્ષથી ભાજપ ગુજરાતમાં સત્તામાં છે, પણ તમે શહેરના નવા ઉમેરાયેલ વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં સુવિધા કેવી છે તે નરી આંખે જોઇ શકાય છે. રોડ-રસ્તાથી માંડી હોસ્પિટલ - શાળાઓની સ્થિતિ બિસ્માર હાલતમાં છે.

આટ આટલા વર્ષોથી શાસન હોવા છતાં ભાજપે લોકોની પાયાની સુવિધાઓ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ધ્યાન જ નથી આપ્યું. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડતા હવે પરિવર્તન આવવાનું નક્કી હોવાનું પણ બથવારે જણાવ્યું હતું.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા, કાર્યકારી શહેર પ્રમુખ સંજયભાઇ અજુડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ ઢાંકેચા, લોધીકા તાલુકા પ્રમુખ સુરૃભા જાડેજા સહિતના આગેવાનોએ જણાવેલ કે, પ્રજા અત્યારે અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત છે, ગૃહિણીઓના બજેટ વેર-વિખેર થઇ ગયા છે, છતાં ભાજપ સરકાર ઠાલા વચનોની લ્હાણી કરી છે. લોકોનું જીવન હાડમારી ભર્યુ બનાવી દીધું છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ઉપરાંત કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે, કોંગ્રેસ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી છે. પાર્ટીએ અનેક કાર્યકરોને નેતા બનાવ્યા છે. પણ આ લોકો વફાદાર ન નિકળતા ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેમને ટીકીટો આપી છે. હાલના રાજકોટ ગ્રામ્યના ભાજપ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા પણ મૂળ કોંગ્રેસના હોવાનું અને તેઓ મનપાના વિરોધ પક્ષના નેતા રહી ચૂકયાનું જણાવી આ વખતે તેમની હાર કોંગ્રેસના હાથે જ થવાનો વિશ્વાસ આગેવાનોએ વ્યકત કર્યો હતો.

રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઇએ જણાવેલ કે, હું ઉચ્ચ શિક્ષીત છું અને પીજીવીસીએલમાં એકઝીકયુટીવ એન્જીનિયર તરીકેની કારકિર્દી છોડી પ્રજાની સેવા માટે જોડાયો છું. કોલેજકાળમાં જએનએસયુઆઇમાં જોડાયો હતો. હું હંમેશા લોક પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ રહી લોકો વચ્ચે જ રહેવામાં માનનારો વ્યકિત છું. આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ડીપોઝીટ ડુલ કરવાનો તેમણે  વિશ્વાસ દર્શાવ્યો હતો. અંતમાં કોંગી ઉમેદવાર અને કોંગી આગેવાન રાજકોટ-૭૧ બેઠકમાં આવતા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. આ પ્રચારમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.(૨૧.૨૮)

નોકરી છોડીને સેવામાં ઝંપલાવ્યું : સુરેશ બથવારના પરિચયની ઝલક

રાજકોટ : રાજકોટ-૭૧ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે પીજીવીસીએલમાં ડે. એકઝીકયુટીવ એન્જીનિયર તરીકે રાજીનામુ આપી લોકોની સેવા માટે સક્રિય રીતે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ગત ટર્મ એટલે કે ૨૦૧૭માં પણ દાવેદારી નોંધાવી હતી. જેમાં તેઓ સફળ રહ્યા ન હતા. આ પાંચ વર્ષ દરમિયાન આ વિસ્તારમાં સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસર રહ્યા છે ત્યારે કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો છે. આ બેઠક અનામત બેઠક છે.

અમરેલી શહેરમાં શિક્ષક પિતા કરશનભાઇ અને માતા શાંતાબેનના પુત્ર સુરેશભાઇને સ્વચ્છ અને નિસ્પૃહી જાહેર જીવન વારસામાં મળ્યું છે. સુરેશભાઇના દાદા ગાયકવાડ સ્ટેટમાં શિક્ષક હતા. દેશમાં ચાલતી આઝાદીની ચળવળ દરમિયાન વર્ષ ૧૯૨૭માં પૂ. મહાત્મા ગાંધીજી સુરેશભાઇના દાદાના ઘરે આવ્યા હતા. સ્વાતંત્ર સેનાનીના પૌત્ર સુરેશભાઇએ વિદ્યાર્થીકાળથી જ અભ્યાસ તેમજ સમાજસેવામાં ખૂબ મન લગાવ્યું હતું.

અનેક અગવડતા વચ્ચે ખૂબ સંઘર્ષ કરીને સુરેશભાઇએ અમરેલીમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એલ.ઇ.કોલેજ, મોરબીથી ઇલેકટ્રીકલ એન્જીનિયરીંગની ડિગ્રી મેળવી. બાદમાં તેમણે એલએલ.બી. ડિગ્રી અને પત્રકારિત્વ ક્ષેત્રે માસ્ટર ઓફ જર્નાલિઝમની ડિગ્રી રાજકોટથી મેળવી. રાજકોટમાં રહેતા ગરીબ, મધ્યમ વર્ગના અનેક બાળકોને ભણતર માટે શકય તેટલી વધુ સવલત આપવા માટે તેમણે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી. એ જ મક્કમ નિર્ધાર સાથે સુરેશભાઇએ 'એકલવ્ય ફાઉન્ડેશન' નામે શૈક્ષણિક સંકુલ ઉભુ કર્યું. આજે તેઓ શ્રી શાંતાબા આર્ટસ એન્ડ લો કોલેજ, દેરડી કુંભાજીના મેનેજીંગ ટ્રસ્ટી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂકયા છે. સેનેટ સભ્ય તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન સુરેશભાઇએ લાખો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના હિતમાં અસંખ્ય નિર્ણયો કરાવ્યા છે.

(4:11 pm IST)