Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દિવાનપરામાં સાડીની દૂકાનમાંથી પટોળા ચોરી જનાર ૪ મહિલા ઝડપાઇ

એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ જી. એન. વાઘેલા અને ટીમે કલાકોમાં ભેદ ઉકેલી મવડીની પુષ્‍પા, પુનિતનગરની દિપા અને કોઠારીયા રોડની આશા તથા ઉમાને પકડી

રાજકોટ તા. ૯: દિવાનપરામાં આવેલી  જીજ્ઞેશભાઇ સુરેશભાઇ ખગ્રામની પુર્ણિમા એનએક્‍સ નામની સાડીની દૂકાને ગ્રાહકના સ્‍વાંગમાં આવેલી ચાર મહિલાઓ સાડી-પટોળા જોવાના બહાને રૂા. ૬૬ હજારના  પટોળા ચોરી કરીને લઇ ગઇ હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. એ-ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચારેય મહિલાને પકડી લઇ ૬ પટોળા કબ્‍જે કર્યા છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. જગદીશભાઇ વાંક અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચોરીમાં સામેલ મનાતી મહિલાઓ ગોંડલ રોડ સ્‍વામિનારાયણ ગુરૂકુળ ઓવરબ્રીજ પાસે છે. આ માહિતીને આધારે ચારેયને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ પુષ્‍પા રમેશભાઇ પરમાર (ઉ.૫૦-રહે. મવડી), દિપા જીતુભાઇ ગોહેલ (ઉ.૪૨-રહે. પુનિતનગર પાણીના ટાંકા પાસે), આશા જયેશભાઇ રાઠોડ (ઉ.૩૭-રહે. કોઠારીયા રોડ) તથા ઉમા રાજેશભાઇ ખેર (ઉ.૫૭-રહે. કોઠારીયા રોડ) જણાવ્‍યા હતાં. આ મહિલાઓ પાસેથી રૂા. ૫૬૫૨૦ના છ પટોળા કબ્‍જે કરાયા છે.
અગાઉ આશા જૂગારમાં અને પુષ્‍પા મારામારીમાં માલવીયાનગર પોલીસમાં પકડાઇ હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ અને એસીપી દક્ષિણની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ જી. એન. વાઘેલા, કે. કે. પરમાર, એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. કરણભાઇ વિરસોડીયા, મુકેશભાઇ ચરમટા, કોન્‍સ.જયરાજસિંહ, જગદીશભાઇ, કેતનભાઇ, સાગરદાન, ભગીરથસિંહ, હરપાલસિંહ, હરવિજયસિંહ, સંજયભાઇ અને તૃપ્‍તીબેન પટેલે આ કામગીરી કરી હતી.

 

(4:02 pm IST)