Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

આજીડેમમાં કૌટુંબીક ભાઇઓ સાથે ન્હાવા પડેલા રેલનગરના મુકેશ દેવલાણીનું ડૂબી જતા મોત

એકના એક પુત્રના મૃત્યુથી સીંધી પરિવારમાં આક્રંદ : ગુરૃનાનક જયંતી નિમિતે રજામાં આજીડેમ ફરવા ગયો'તો

રાજકોટ તા. ૯ : રેલનગરના શારદા એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન ગુરૃનાનક જયંતી નિમિત્તે રજા હોઇ તેથી કૌટુંબીક ભાઇઓ સાથે આજીડેમ ફરવા ગયા બાદ ન્હાવા પડતા તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રેલનગર આસ્થા ચોક પાસે શારદા એપાર્ટમેન્ટમાં રહેતો મુકેશ (કમલેશ) મહેશભાઇ દેવલાણી (ઉ.૨૧) ગઇકાલે ગુરૃનાનક જયંતી નિમિતે રજા હોઇ તેથી તેના કૌટુંબીક ભાઇઓ સહિત પાંચ યુવાન આજીડેમે ફરવા ગયા હતા. બાદ પાંચેય ડેમમાં ન્હાવા પડયા હતા. દરમિયાન મુકેશ ડૂબવા લાગતા તેણે બુમો પાડતા તેના કૌટુંબીક ભાઇઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મુકેશને બચાવી ન શકતા તાકીદે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડના ફાયરમેન અજયભાઇ, અરબાઝખાન, શાંતુભા તથા બાપુભાઇ સહિતે સ્થળ પર પહોંચી મુકેશને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ધર્મેન્દ્રસિંહ વાળાએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ વી.એસ.આઇ. વી.સી.રંગપરીયાએ જાણ કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રભાઇ પરમાર સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક મુકેશ કાપડની દુકાનમાં કામ કરતો હતો. ગઇકાલે ગુરૃનાનક જયંતી નિમિતે રજા હોઇ તેથી તે આજીડેમ ફરવા ગયો હતો. તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. એકના એક પુત્રના મૃત્યુથી સીંધી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:26 pm IST)