Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નવા વિકસાવાયેલ સાયન્‍સ સેન્‍ટર પર શનિવારે ‘બડર્સ ઓફ રાજકોટ' થીમ પર ફોટોગ્રાફી સ્‍પર્ધા

જાણીતા બર્ડ ફોટોગ્રાફર સલીમ અલીની જન્‍મ જયંતિ નિમિતે

રાજકોટ તા. ૯ : ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને પ્રોધ્‍યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેક્‍નોલોજી (ગુજકોસ્‍ટ) દ્વારા રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટને ઈશ્વરીયા પાર્ક પાસે, માધાપર ખાતે વિકસાવવામાં આવ્‍યું છે. આગામી તા. ૧૨ ના જાણીતા બર્ડ ફોટોગ્રાફર શ્રી સલીમ અલીની જન્‍મ જયંતી સંદર્ભે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ દ્વારા લોકો માટે, લોકો દ્વારા' આદર્શને ધ્‍યાને રાખી ‘બર્ડ ફોટોગ્રાફી સ્‍પર્ધા' રાખવામાં આવેલ છે. જેની થીમ અને વિષય ‘રાજકોટના પક્ષીઓ' છે.

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટના મુખ્‍ય ઉદ્દેશો સામાન્‍ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરવો તથા વિજ્ઞાન પ્રત્‍યે લોકજાગૃત્તિ કેળવવી અને તેને જાળવવી, વિજ્ઞાન અને ટેક્‍નોલોજી તથા સમાજ વચ્‍ચે આદાન-પ્રદાનના માધ્‍યમ તરીકે ભાગ ભજવી લોકો માટે વિજ્ઞાન, ટેક્‍નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે. રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરના મુખ્‍ય આકર્ષણોમા વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, આરામ સાથે માહિતીઓને ખંગાળવા માટે સેન્‍ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપ્‍સ નું આયોજન કરવા માટે સુવિધા, થ્રીડી થીએટર, થીમ આધારિત ઉદ્યાન, દિવ્‍યાંગો અને વૃધ્‍ધો માટે અનુકૂળ એવી મ્‍યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ છે. આ ઉપરાંત ઓગમેન્‍ટેડ રિઆલિટી, વર્ચ્‍યુઅલ રિઆલિટી, ૩ડી હોલોગ્રાફી તથા સિમ્‍યુલેશન આધારિત અદ્યતન તકનિકીથી સજ્જ પ્રદર્શન પણ વિકસાવવામાં આવ્‍યું છે. 

આગામી તા. ૧૨ નવેમ્‍બરના જાણીતા બર્ડ ફોટોગ્રાફર શ્રી સલીમ અલી સાહેબની જન્‍મ જયંતી નિમિતે અત્રેની સંસ્‍થા ખાતે બર્ડ ફોટોગ્રાફી સ્‍પર્ધા રાખવામાં આવેલ છે.  જેમાં ભાગ લેવા માટે રસ ધરાવતા સૌ કોઇને અપીલ કરવામાં આવી છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે ઉત્‍સુક લોકોએ ગૂગલ ફોર્મમાં ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાની તસ્‍વીરોની (મહતમ ૧૦૦એમબી) વિગત પણ ગૂગલ ફોર્મમાં આપવાની રહેશે. સ્‍પર્ધામાં ભાગ લેવાનો સમય ગાળો તા.૯ થી ૧૧ ના સાંજે ૩ વાગ્‍યા સુધીનો રહેશે.

આ સ્‍પર્ધાના પ્રથમ, દ્વીતીય અને તૃતિય સ્‍થાનના વિજેતાઓની પસંદગી ‘લોકો માટે, લોકો દ્વારા' થીમ હેઠળ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ આવનારા મુલાકતિઓ વોટીંગ દ્વારા કરશે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે કોઈ વય મર્યાદા નથી. વિજેતા થનાર સ્‍પર્ધકને સંસ્‍થા દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવશે. ગૂગલ ફોર્મ લિન્‍ક : https://forms.gle/2USzKTSowze482LWA ઉપર અથવા વધુ મહિતિ ફોન ૦૨૮૧, ૨૯૯૨૦૨૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:39 pm IST)